અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે વિજયી શરૂઆત કરી છે. રવિવારે ટીમે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. કુઆલાલંપુરમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ટીમ 44 રન જ બનાવી શકી હતી. ભારતે માત્ર 4.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. વિન્ડીઝ વુમન્સ 13.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ
ભારતીય કેપ્ટન નિક્કી પ્રસાદે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ 3 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી. કેપ્ટન સમારા રામનાથ ચોથી ઓવરમાં 3 રન બનાવીને આઉટ થઈ હતી. આ સમયે ટીમનો સ્કોર 10 રન હતો. અહીંથી વેસ્ટ ઈન્ડિઝની વિકેટ પડવાની શરૂ થઈ. ટીમની ઓપનર અસાબી કેલેન્ડરે 12 રન અને કેનિકા કાસરે 15 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની 5 બેટર પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા, જ્યારે 4 બેટર 5 રનનો આંકડો પણ પાર કરી શક્યા ન હતા. ટીમ 13.2 ઓવરમાં 44 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પારુણિકા સિસોદિયાએ 7 રનમાં 3 વિકેટ લીધી હતી. વીજે જોશીતાએ 5 રનમાં 2 વિકેટ અને આયુષી શુક્લાએ 6 રનમાં 2 વિકેટ લીધી હતી. 3 બેટર્સ પણ રનઆઉટ થયા હતા. ભારતે પ્રથમ ઓવરમાં જ એક વિકેટ ગુમાવી હતી
45 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ભારતની વુમન્સ ટીમે તરફથી ગોંગડી ત્રિશાએ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જો કે, તેણે બીજા જ બોલ પર જહઝારા ક્લેક્સટનની વિકેટ આપી દીધી હતી. તેના પછી વિકેટકીપર જી કમલિનીએ 13 બોલમાં 16 રન અને સાનિકા ચાલકે 11 બોલમાં 18 રન બનાવ્યા હતા. ટીમે માત્ર 4.2 ઓવરમાં 47 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. મલેશિયા 23 રનમાં ઓલઆઉટ
ગ્રૂપ-Aની બીજી મેચમાં શ્રીલંકા વુમન્સનો 139 રને વિજય થયો હતો. કુઆલાલમ્પુરમાં જ પ્રથમ બેટિંગ કરતા ટીમે 6 વિકેટના નુકસાન પર 162 રન બનાવ્યા હતા. દહામી સાનેથમાએ ફિફ્ટી ફટકારી હતી. મલેશિયાની ટીમ 14.1 ઓવર બેટિંગ કરીને માત્ર 23 રન બનાવી શકી હતી. 6 બેટર્સ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા, જ્યારે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર માત્ર 7 રનનો હતો. પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર
પ્રથમ મેચ જીતીને ભારતે ગ્રૂપ-Aના પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાન મેળવી લીધું છે. શ્રીલંકાના પણ ભારતની બરાબરી પર 2 પોઈન્ટ છે, પરંતુ સારા રન રેટના કારણે ભારતની મહિલા ટીમ નંબર વન પર છે. ટીમની બીજી મેચ હવે 21 જાન્યુઆરીએ કુઆલાલંપુરમાં હોમ ટીમ મલેશિયા સામે થશે. ટીમ 23 જાન્યુઆરીએ શ્રીલંકા સામે ત્રીજી મેચ રમશે. ટુર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે. 4 ટીમને 4 ગ્રૂપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રૂપમાંથી ટૉપ 3-3 ટીમ સુપર-6 રાઉન્ડમાં જશે. અહીં 6-6 ટીમને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. ત્યારબાદ દરેક ગ્રૂપમાંથી 2-2 ટોચની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ફાઈનલ 2 ફેબ્રુઆરીએ રમાશે.