પાછલા કેટલાક દિવસોથી ગુજરાતમાં ડાયરાના કલાકારો વચ્ચે તેમજ ગાયકો વચ્ચે ચાલી રહેલા વિવાદે એક અલગ જ રૂપ લઇ લીધું છે. એકબીજાને પડકાર ફેંકવા, જાહેરમાં ગમે તે બોલવું, કોઇ કલાકારનો કાર્યક્રમ ન યોજવા માટે સમાજને અપીલ કરવી, આ બધાના સાક્ષી આપણે બન્યા છીએ. જો કે એક સમય એવો પણ હતો જ્યારે ડાયરાના કલાકારો અને ગાયકો તેમની મર્યાદા, શાલીનતા અને સરળ સ્વભાવના કારણે આપણા સમાજમાં અલગ જ માન મોભો ધરાવતા હતા. દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી તેમજ સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે આ વિવાદ વિશે જૂની પેઢીના કલાકારો શું કહે છે, શું માને છે. દિવ્ય ભાસ્કરે ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, ધીરૂભાઇ સરવૈયા અને પ્રફૂલ્લ દવે જેવા જૂની પેઢીના દિગ્ગજ કલાકારોનો મત જાણ્યો હતો. એકબીજા વિશે બેફામ બોલનારા નવી પેઢીના કલાકારોને જૂની પેઢીના દિગ્ગજ કલાકારોએ ભાવુક થઇને અપીલ કરી છે. જો કે કેટલાક એવા પણ કલાકારો છે જેમણે પોતાનું નામ ન આપવાની શરતે સ્પષ્ટ એવું કહ્યું છે કે નવી પેઢીના કલાકારો મર્યાદા ભૂલ્યા છે. અમારા સમયે આવું કંઇ નહોતુંઃ ભીખુદાન ગઢવી
હાલમાં કલાકારો વચ્ચે થઇ રહેલા ઝઘડા વિશે લોક કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમારા સમયે આવું કંઇ હતું નહીં. કોઇને મન દુઃખ થયું હોય તો અમે સ્ટેજ નીચે સમજી લેતા. કોઇને ખબર પણ ન પડતી પણ હવે સમય અલગ છે. અમે તો હવે સાદા ફોન યૂઝ કરીએ છીએ, આ તો અમને કોઇક કહે તો ખબર પડે. જીવન છે ત્યાં સુધી સમસ્યા તો રહેશેઃ શાહબુદ્દીન રાઠોડ
હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે જણાવ્યું કે, તેમનો હાલનો ઝઘડો શું છે એ મને ખબર નથી, કોને શુ વાંધો હોય? કોણે સામસામે શું આક્ષેપ કર્યા? એ ખ્યાલ ન હોય. એટલે તેમાં અભિપ્રાય આપવો યોગ્ય ન કહેવાય. પણ એક વાત છે કે જીવન છે ત્યાં સુધી તો સમસ્યા રહેશે. આ સમસ્યા કઇ રીતે ઉકેલો છો તેના પર તમારા જીવવનો આધાર છે.સમસ્યા એવી ઉકેલો કે નવી ન થાય બસ આટલું જ કહેવું છે. સમાજમાં ખોટો સંદેશ જાય છેઃ જગદીશ ત્રિવેદી
કલાકારો વચ્ચે અંદરો અંદર ચાલતા ઝઘડા વિશે હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીએ કહ્યું કે, કોઇ ગેરસમજણ હોય તો સારા માણસને વચ્ચે રાખી ગેરસમજણ દૂર કરી સમાધાન કરી લેવું જોઇએ કારણ કે સમાજમાં એનો બહુ ખોટો સંદેશ જાય છે. સ્ટેજ ઉપર જેવું બોલો તેવું જીવીને પણ બતાવોઃ જગદીશ ત્રિવેદી
અત્યારના ડાયરા કલાકારોને તમારી શું સલાહ છે? તેવા પ્રશ્નના જવાબમાં જગદીશ ત્રિવેદી કહે છે કે, પૈસા અને પ્રસિદ્ધિ માટે કલા રજૂ કરવા બદલે કલાના સાધક બનીને કલા રજૂ કરે. સ્ટેજ ઉપર જેવું બોલો છો તેવું જીવીને પણ બતાવો. અમારા માટે આ સારૂં ન કહેવાયઃ ધીરૂભાઇ સરવૈયા
કલાકારો વચ્ચેના વિવાદ અંગે ધીરુભાઇ સરવૈયાએ કહ્યું કે, હાલ જે ચાલી રહ્યું છે તે અંગત મેટર છે. અત્યારના કલાકારોને શું કહેવું? એ પોત પોતાના માલિક છે પણ અમારા માટે આ સારું ન કહેવાય. ચૂપ રહેવું સારૂંઃ હેમંત ચૌહાણ
લોક ગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણે કહ્યું કે, હાલના ઝઘડા વિશે અને કલાકારો વિશે હું એક શબ્દ બોલવા માંગતો નથી. મને કોઇએ તેનો ધિકારી બનાવ્યો નથી કે એવી કોઇ મારી નિમણૂક કરવામાં આવી નથી. આ સોશ્યલ મીડિયાના માધ્યમથી આવું ચગી જાય છે. હાથે કરીને બધું માથે લેવું એના કરતા ચૂપ રહેવું સારું. સલાહ તો હું શું આપું? હું અલગ વ્યક્તિ છું, સત્ય જાણતો નથી એટલે મને સલાહ દેવા માટે આ મુદ્દામાંથી બહાર રાખો તો સારૂં અમારા સમયે ટીમ વર્ક હતુંઃ ભીખુદાન ગઢવી
જૂના સમય અને સંબંધોને યાદ કરતા ભીખુદાન ગઢવીએ કહ્યું કે, અમારા સમયના ડાયરામાં અમારે ખૂબજ સારા સંબંધ હતા. અમે કલાકારો એક બીજાના પૂરક હતા. સૌનો એક ઉદ્દેશ એ હતો કોઇ એક કલાકાર સારું કરે તો તેની સફળતા અમે બધા કલાકારોને દેતા અને લેતા હતા. ટૂંકમાં ટીમ વર્ક હતું, એક કલાકાર સફળ એટલે આખો પ્રોગામ સફળ એ રીતે હતું. ‘અમારા જમાનામાં કલાકારોમાં ભાઇચારાની લાગણી હતી’
જૂના સમયમાં ડાયરાના કલાકારો વચ્ચેના સંબંધો વિશે જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે,અમારા જમાનામાં દરેક કલાકારમાં ભાઇચારાની લાગણી હતી. મારા જીવનનાં 4 હજાર કાર્યક્રમોમાં કોઇ એક કલાકાર સ્ટેજ ઉપરથી બીજા કલાકાર માટે ઘસાતું બોલ્યો હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. ‘અમે સંબંધો માટે જીવનારા હતા’
શાહબુદ્દીન રાઠોડ પણ જૂના કલાકારો સાથેનાં સંબંધોને યાદ કરે છે. તેઓ કહે છે કે, અમે તો સંબંધમાં જીવનારા વર્ગના હતા અને છીએ. મને કોઇ કહે કે કાર્યક્રમમાં ભીખુદાન ગઢવી છે તો તમારે આવવાનું છે તો અમે કશું પૂછતાં નહી, પછી જવાનું જ હોય, સંબંધ હોય એવા કલાકારો સાથે. એવી જ રીતે મારું નામ આવે એટલે અન્ય કલાકારો ડાયરો સ્વીકારી લેતા હતા. ‘જૂના કલાકારો સાથે આત્મીયતા હતી’
ભૂતકાળને યાદ કરતા ધીરુભાઇ સરવૈયા કહે છે કે, મેં ભીખુદાનભાઇ, દિવાળીબેન ભીલ, નારાયણભાઇ જેવા કલાકારો સાથે કામ કરેલું છે. જૂના કલાકારો સાથે સારી આત્મીયતા હતી. કોઇ એવો માઠો પ્રસંગ બની ગયો હોય, કોઇનું ગળું ખરાબ થઇ ગયું હોય અને ડાયરાની તારીખ અગાઉથી લેવાઇ ગઇ હોય તો આખેઆખા પ્રોગ્રામ અન્ય કલાકારને આપી દેતા હતા અને કહેતા કે હવે તમે સંભાળી લેજો. અમે આજે પણ એકબીજાનો આદર કરીએ છીએઃ હેમંત ચૌહાણ
હેમંત ચૌહાણે કહ્યું કે, મેં હવે ડાયરા બંધ કરી દીધા. કલાકારોના એકબીજા સાથેના સંબંધ ખૂબ સારા અને સુમેળભર્યા હતા. પ્રેમ, લાગણી અને શિસ્ત હતી. એકબીજાને માન આપતા, આજે મળે તો પણ એટલો જ એકબીજાનો આદર કરે. ડાયરામાં લોકગીત-સંગીતનું સ્થાન ફિલ્મી ગીત-સંગીતે લીધુંઃ જગદીશ ત્રિવેદી
પહેલાના ડાયરા અને અત્યારના ડાયરામાં શું ફર્ક આવ્યો છે? તે વિશે જગદીશ ત્રિવેદીએ કહ્યું કે, આખું સ્વરૂપ જ બદલાઇ ગયું છે. લોકગીત-સંગીતનું સ્થાન ફિલ્મી ગીત સંગીતે લઇ લીધું અને લોક સાહિત્યના નામે કંઇક બીજું જ પીરસાય છે. હજુ ડાયરામાં સાહિત્યનું વજન છેઃ ભીખુદાન ગઢવી
ડાયરાના બદલાયેલા રૂપરંગ વિશે ભીખુદાન ગઢવી જણાવે છે કે, પહેલા પણ સારું સાહિત્ય હતું અને હાલના સમયમાં પણ છે જ પણ થોડું રૂપ અલગ આવે. જેમ પહેલાં પણ સોનું હતું, સમય જતાં નવા-નવા ઘાટ આવે તેમ ઘાટ બદલાયો પણ સોનું એ જ છે એટલે કે સાહિત્ય એ જ છે. સમય મુજબ અર્થઘટન થયા છે પણ હોય સાચા. સાહિત્યનું વજન તો હજુ ડાયરામાં એવું જ છે. કોઇ મોટો બદલાવ દેખાતો નથી. ‘અમારી 12 મહિનાની આવક હાલમાં કલાકારને એક ડાયરામાં મળી જાય છે’
અત્યારના ડાયરાના આવેલા પરિવર્તન અંગે શાહબુદ્દીન રાઠોડે કહ્યું કે, અત્યારના ડાયરા છે તેનાથી હું બહુ પરીચિત નથી. નવા ડાયરાની મને બહુ ખબર ન હોય પણ અમારી વખતે લાગણીના ડાયરા થતા. મને એ ફર્ક લાગે છે કે અમારા જમાનામાં પુરસ્કારનું બહુ મહત્વ હતું. આમંત્રણ આવે એટલે જઇ આવીએ અને જે કવર આવે એ અમે રાખી લેતા, સ્વીકારી લેતા હતા. હાલમાં અમારો બાર મહિનાનો જેટલો પુરસ્કાર થાય એટલા તો હાલના કલાકાર એક ડાયરામાં લઇ લેતા હોય છે. હાલમાં આધુનિક સંગીત આવ્યુંઃ ધીરુભાઇ સરવૈયા
ધીરુભાઇ સરવૈયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે પહેલાં અને હાલના ડાયરામાં કોઇ ફરક નથી. ગીતો, લોકગીતો ભજનો એ જ છે. હાલના કલાકારોમાં આધુનિક સંગીત આવી ગયું છે. પહેલાંના ડાયરા અને હાલના ડાયરામાં આવેલા પરિવર્તન અંગે હેમંત ચૌહાણે કહ્યું કે, હું ડાયરામાં ખૂબજ ઓછો ગયો છું. મારા એકલાના ભજનના પ્રોગ્રામ થયા છે એટલે બહુ અનુભવ નથી. ઝઘડો કરતા કલાકારોને હકાભા ગઢવીની સલાહ
જો કે લોક કલાકાર હકાભા ગઢવીએ અંદરો અંદર ઝઘડી રહેલા કલાકારને સ્ટેજ નીચે વાત પૂરી કરવાની સલાહ આપી હતી. એક જાહેર કાર્યક્રમમાં હકાભા ગઢવીએ કહ્યું હતું કે, હમણાં મને 2-3 ફોન આવ્યા હતા કે આ કલાકારો કેમ ઝઘડે છે? તો મેં કહ્યું કે મને શું ખબર? બુદ્ધિ ન હોય તો ઝઘડે. બુદ્ધિનો અભાવ છે. આપણે ઝઘડો કરવાનો ન હોય. દુનિયા હસે છે આપણા પર. દુનિયા કહે છે કે તમારા કલાકારોમાં આવી ઇર્ષા છે? મેં કહ્યું અમારો વાંક નથી, અમારી બુદ્ધિ હિન થઇ ગઇ છે. અમે જ એકબીજા વિશે આવું બોલીશું તો અમારા પર કોણ વિશ્વાસ કરશે? હું બધા કલાકારોને કહું છું કે સ્ટેજ પર આવ્યા છો તો તેની ગરિમા જાળવજો. ડાયરાનું પતન થવાની તૈયારી છેઃ હકાભા ગઢવી
હકાભા ગઢવી વધુમાં કહે છે કે, કોઇ સમાજમાં ઘર્ષણ થયું હોય તો તેને પૂરૂં કરવા માટે કલાકાર બનાવ્યા છે. કલાકાર સલાહ આપશે તો સમાજમાં નાના-મોટા ઝઘડા હશે તે સમાપ્ત થઇ જશે, ભાઇઓમાં ઝઘડા હશે, કુટુંબમાં ઝઘડા હશે તો તે પૂરા થઇ જશે. એના બદલે આ તો કલાકારો જ ઝઘડા કરવા માંડ્યા છે. ડાયરાનું પતન થવાની તૈયારી છે. ડાયરાના પાયા ખોદાઇ ગયા છે, ફક્ત ધૂળ નાંખવાની બાકી છે. સમાજને કલાકારો પાસેથી ઘણી આશા છેઃ હકાભા ગઢવી
હું કલાકારોને વિનંતી કરૂં છું કે સમાજને આપણી પાસેથી બહુ આશા છે, આપણા કારણે કોઇ સમાજમાં ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખજો. પોતાનો ઝઘડો બહાર પતાવવાનો હોય, સ્ટેજ પર ન લાવવાનો હોય. મને મારી જાત પર નફરત થઇ રહી છે કે હું શા માટે કલાકાર બન્યો? સમાજનો અધિકાર છે કે કોઇ કલાકાર કોઇનું ખરાબ બોલતો હોય તો તેને રોકવો જોઇએ. દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે શું વિવાદ હતો?
ડાયરાના કલાકારો દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે ચાલી રહેલો વિવાદ ફરીથી સપાટી પર આવ્યો છે. બન્ને કલાકારો સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજાને પડકાર ફેંકી રહ્યા છે. વર્ષ 2022માં આ બન્ને વચ્ચે વિવાદની શરૂઆત થઇ હતી. કોઇ વિવાદ અંગે દેવાયત ખવડે માફી માંગી હતી. જેના થોડા દિવસો પછી બ્રિજરાજદાન ગઢવીએ એક કાર્યક્રમમાં એવો કટાક્ષ કર્યો હતો કે આપણે શું બોલીએ છીએ તે આપણને ખબર હોવી જોઇએ. જે દિવસે બ્રિજરાજદાનને માફી માંગવી પડશે તે દિવસ સ્ટેજ છોડી દઇશ. હું ઇશરદાનનું લોહી છું. એ સમયે બ્રિજરાજદાનનો આ કટાક્ષ દેવાયત ખવડ પર હતો તેવી ચર્ચા થવા લાગી હતી. જેના પછી દેવાયત ખવડે એક ડાયરામાં આ નિવેદનનો જવાબ આપતા એવું કહ્યું હતું કે, ઘણાય ઓળખાણો આપે કે હું આનું લોહી છું, પુરાવા તો માયકાંગલાને આપવા પડે. બન્નેએ સામસામે નિવેદનો આપતા વિવાદ વકર્યો હતો. જેના પછી મઢડાના સોનલધામ મંદિરે સામાજિક આગેવાનોની હાજરીમાં બન્ને વચ્ચેના વિવાદનો સુખદ અંત આવ્યો હતો. જો કે આ સમાધાન બાદ દેવાયત ખવડે એક ડાયરામાં એવું કહ્યું હતું કે હવે મારે 2025થી સિલેક્ટેડ ડાયરા જ કરવા છે. દેવાયત ખવડના આ નિવેદન બાદ બ્રિજરાજદાને એક ડાયરામાં એવું કહ્યું હતું કે 2025માં ઘણાના ડાયરા બંધ કરાવી દીધા છે. હવે શાંતિ જ છે. આના પછી બન્ને કલાકારો વચ્ચેનું વાકયુદ્ધ વધી ગયું હતું. સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે વિવાદ
એકતરફ દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનું વાકયુદ્ધ ચરમસીમાએ હતું ત્યાં જ બીજીતરફ 2 ગાયક કલાકારો સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે પણ આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે. દ્વારકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ મહેરિયાએ ઉમિયા માતાજી તેમજ પાટીદાર સમાજ માટે અપશબ્દો કહ્યા હોવાનો આરોપ સાગર પટેલે લગાવ્યો છે. સાગર પટેલે ગાયિકા કાજલ મહેરિયાના કાર્યક્રમો ન યોજવા માટે પાટીદાર સમાજને અપીલ પણ કરી હતી. બીજીતરફ કાજલ મહેરિયાએ પણ સાગર પટેલના આરોપો નકાર્યા છે. તેણે ઊંઝા ઉમિયા મંદિરે જઇ પાટીદાર આગેવાનો સામે આ મામલે સ્પષ્ટતા કરવાની તૈયારી દર્શાવી છે.