ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન મળ્યું નથી. સુરેશ રૈનાનું માનવું છે કે સૂર્યા પણ ટીમમાં હોવો જોઈએ. રૈનાએ રવિવારે સ્ટાર સ્પોર્ટ્સ પ્રેસ રૂમ શોમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. સૂર્યાની ગેરહાજરીથી આશ્ચર્યચકિત- રૈના
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ટીમ સિલેક્શન બાદ રૈનાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ ન કરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રૈનાએ કહ્યું, ‘ભારતની ટીમ મજબૂત લાગે છે. મને વિશ્વાસ છે કે રોહિત ભારતને જીત તરફ દોરી જશે, પરંતુ સૂર્યાને ટીમમાંથી બહાર રાખવાથી હું આશ્ચર્યચકિત છું. ભારત તે X-ફેક્ટર ચૂકી જશે અને તે પણ મિડલ ઓર્ડરમાં. તે આખા મેદાનમાં રન બનાવે છે. આ કારણે તેને મિસ્ટર 360 કહેવામાં આવે છે.’ તેણે વધુમાં કહ્યું કે, ‘સૂર્યા શાનદાર સ્વીપ શોટ રમે છે અને તે ગેમ ચેન્જર ખેલાડી છે. તેણે ટીમમાં હોવું જોઈતું હતું.’ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ ગિલ ભારતનો આગામી સુપરસ્ટાર
ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવા અંગે રૈનાએ કહ્યું, મને લાગે છે કે શુભમન ભારતનો આગામી સુપરસ્ટાર છે. તેણે વન-ડેમાં સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે તમે કોઈ યુવાનને આટલી સારી તક આપો છો, ત્યારે તે તેની ક્ષમતા વિશે વાત કરે છે. રોહિત શર્મા સ્પષ્ટપણે જાણે છે કે આગામી લીડર કોણ હશે. શુભમન સારા કેપ્ટનોમાંનો એક છે, ખાસ કરીને જે રીતે તેણે IPLમાં ગુજરાતની ટીમનું નેતૃત્વ કર્યું હતું. છેલ્લા 12-16 મહિનામાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે તે આ નિર્ણયને યોગ્ય ઠેરવે છે. એટલા માટે રોહિત તેની સાથે ઓપનિંગ કરશે, તે પસંદગીકારો અને ખુદ રોહિત શર્માની એક શાનદાર ચાલ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાન અને UAEના 4 શહેરોમાં યોજાશે. જેમાં લાહોર, કરાચી, રાવલપિંડી અને દુબઈનો સમાવેશ થાય છે. ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં રમાશે. ભારતનો મુકાબલો 23 ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે થશે.