આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતેનાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પુરૂ થનાર છે, જેને લઈ સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં 9 દિવસનું ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અટલ સરોવરમાં 1500 ફૂટમાં રામમય માહોલ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં લોકો નિઃશુલ્ક આવી ભગવાન રામનાં દર્શન કરી શકશે. દરરોજ સાંજનાં 4થી રાત્રે 11 વાગ્યા સુધી અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં 22 જાન્યુઆરીએ 1008 બાળકો શ્રીરામ બની વર્લ્ડ રેકોર્ડ કરશે. જ્યારે 26 જાન્યુઆરીએ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. 1500 ફૂટની જગ્યામાં અયોધ્યા જેવો માહોલ
સનાતન ધર્મરક્ષક સમિતિનાં પ્રદેશ અધ્યક્ષ વિજય વાંકનાં જણાવ્યા મુજબ, અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં નિર્માણને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેનાં અંતર્ગત સનાતન ધર્મરક્ષક સમિતિ તેમજ રોયલ રજવાડી ગ્રુપ દ્વારા નવ દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જે લોકો અયોધ્યા જઈ શક્યા નથી, તેના માટે રાજકોટનાં સ્માર્ટ સિટીમાં આવેલા અટલ સરોવર ખાતે 1500 ફૂટ વિશાળ જગ્યામાં અયોધ્યા જેવો રામમય માહોલ ઊભો કરવામાં આવ્યો છે. 18 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી સુધી અહીં લોકો નિઃશુલ્ક દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 26મીની રાત્રે કસુંબલ લોકડાયરાનું આયોજન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતેનાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનાં દિવસે એટલે કે, 22 જાન્યુઆરી માટે ખાસ ઉજવણી કરવામાં આવશે. જેમાં ભગવાન રામનાં ગુણગાનની સાથે 1008 બાળકો શ્રીરામ બનીને વર્લ્ડ રેકોર્ડ સર્જે તેનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 1008 બાળકો હશે. તેનાથી વધુ હોય તેવું પણ બની શકે છે. આ કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. જ્યારે 26 જાન્યુઆરી રાત્રે 8.30 કલાકે ભવ્ય કસુંબલ લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભગવાન રામની અયોધ્યા જેવી જ પ્રતિમા તૈયાર કરાઈ
અટલ સરોવર ખાતે લોકો વિનામૂલ્યે રામમય માહોલનાં દર્શન કરી શકે તે માટે અટલ સરોવરમાં પ્રવેશ માટે અલગ ગેટ બનાવવામાં આવ્યો છે અને લોકોને નિઃશુલ્ક પાસ વિતરણ કરાયું છે. તેમજ સ્થળ ઉપર પણ ખાસ સ્ટોલ પરથી લોકોને ફ્રી પાસ આપીને વિનામૂલ્યે પ્રવેશ આપીને દર્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થવાના અવસર માટે આબેહૂબ અયોધ્યા જેવી જ ભગવાન રામની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. સાથે વિશાળ ગદા પણ બનાવવામાં આવી છે. સંપૂર્ણ આયોજન તા.18થી 26 સુધી ચાલશે
આ માટે 1500 ફૂટ જેટલી વિશાળ જગ્યામાં અવનવા ધાર્મિક ફલોટ, મૂર્તિ તથા પૌરાણિક ચીજ વસ્તુઓ મુકવામાં આવી છે. આ આયોજનમાં ભગવાન શ્રીરામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ મંદિર બનાવાયુ છે. આ મંદિર પરિસરમાં ભાવિકો ભકતો મંદિરની અંદર જઇ દર્શનનો લાભ લઇ શકશે. આ કાર્યક્રમ માટે સનાતન ધર્મ રક્ષક સમિતિ તેમજ રોયલ રજવાડી ગ્રુપનાં આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સંપૂર્ણ આયોજન તા.18થી 26 સુધી ચાલશે. 26 જાન્યુઆરીએ સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ નિમિતે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રામભક્તોએ દર્શનનો લાભ લેશે
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મીની અયોધ્યાનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં રામ ભક્તોએ અહીં દર્શનનો લાભ લીધો હતો. અયોધ્યા ન જઈ શકતા ભક્તોએ મીની અયોધ્યાનાં દર્શન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી. તો હવે અટલ સરોવર ખાતે ફરી એકવાર અયોધ્યા જેવો રામમય માહોલ ઊભો કરવામાં આવતા ગતરાત્રે અનેક લોકોએ દર્શનનો લાભ લીધો હતો.