વિસનગર તાલુકાના હસનપુર ગામ નજીક એક દર્દનાક અકસ્માતમાં અમદાવાદના યુવકનું મોત નિપજ્યું છે. અમદાવાદના ટાટા એડવાન્સ મિલની ચાલી શાહીબાગ વિસ્તારના રહેવાસી કમલેશભાઈ કાળીદાસ ઠાકોર તેમના ત્રણ મિત્રો સાથે અંબાજીની યાત્રાએથી પરત ફરી રહ્યા હતા. હસનપુર ગામ નજીક રસ્તામાં પગપાળા સંઘના યાત્રિકો જોવા મળ્યા, જેમને મદદરૂપ થવાના ઉમદા હેતુથી કમલેશભાઈ અને તેમના મિત્રો વિસનગરથી ચા-નાસ્તો લઈને આવ્યા હતા. તેઓએ રોડની સાઈડમાં તેમની હેરિયર ગાડી (GJ.01.WV.4595) પાર્ક કરી, પાર્કિંગ લાઈટ ચાલુ કરી સંઘના યાત્રિકોને ચા-નાસ્તો કરાવી રહ્યા હતા. આ દરમિયાન કમલેશભાઈ ગાડી નજીક ઊભા હતા ત્યારે ખેરાલુ તરફથી પૂરઝડપે આવી રહેલી એક કાર (GJ.18.ED.1710)એ તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કમલેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. કમલેશભાઈના ભાઈ દશરથભાઈને અકસ્માતની જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરાર થયેલા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી ટક્કર મારી ફરાર થનાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.