RTEમાં પોતાના બાળકો માટે પ્રવેશ મેળવવા માટે સુરતમાં કેટલાક વાલીઓએ દસ્તાવેજો સાથે ચેડા કરી પોતાની આવક ઓછી બતાવી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગણતરીના સમયમાં પોલ ખુલી પડી જતાં તમામ હવે સુરતમાં પ્રથમવાર RTE હેઠળ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યા છે. આ માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને દરેક શાળાઓને વિદ્યાર્થીઓના નામ દીઠ જાણકારી આપી ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. વાલીઓને વાત રજૂ કરવા હિયરિંગ માટે બોલાવાયા હતા
ખોટી આવક અને જાણકારી આપ્યા બાદ RTE હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે આ વિદ્યાર્થીઓને શાળામાં ફી ભરવા માટે સૂચના આપી હતી. એટલું જ નહીં, આ તમામ 100 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને તેમની વાત રજૂ કરવા માટે હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. વાલીઓને તક આપવામાં આવી હતી કે તેઓ પોતાની વાત મૂકી શકે. મોટાભાગના વાલીઓ કરોડપતિ નીકળ્યા
આટલું જ નહીં, શાળા તરફથી RTE હેઠળ એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના પ્રોફાઇલ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના લોકો કરોડપતિ છે અને લક્ઝુરીયસ કાર તેમજ મકાનમાં રહે છે તે જાણવા મળ્યું હતું. જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ એડમિશન રદ કરવામાં આવ્યા હતા અને વાલીઓને જાણ કરવામાં આવી હતી કે જો ભણવાનું હોય તો શાળાની ફી ભરવી પડશે. 100માંથી અત્યાર સુધીમાં 68 વિરૂદ્ધ પરિપત્ર
RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ખોટા દસ્તાવેજો અને જાણકારી આપનાર વાલીઓ સામે હવે સુરતમાં પ્રથમવાર ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 100માંથી અત્યાર સુધીમાં 68 વિદ્યાર્થીઓના વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે DEO કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. બાકીના 32 વિદ્યાર્થીઓના નામ સાથે પણ આગામી દિવસોમાં પરિપત્ર શાળાઓને મોકલવામાં આવશે. શાળાના શિક્ષકો, સ્ટાફ સામેલ નીકળ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ખાનગી રીતે શાળાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં શાળાના શિક્ષકો અને સ્ટાફના લોકો સામેલ હતા. આ તપાસ દરમિયાન 100થી વધુ આવા વિદ્યાર્થીઓ મળ્યા હતા, જેમના ઝીંગાના તળાવ, સંચાના કારખાના, કરોડો રૂપિયાના મકાન અને લક્ઝુરીયસ કાર હતા. આવા તમામ લોકોને લાગતા ડેટા એકત્ર કરાયા
કેટલાક લોકો લાખો રૂપિયાની લોન લઈ અને 15થી 20 હજાર રૂપિયા EMI ભરે છે તેવા પુરાવાઓ પણ શાળાઓ દ્વારા એકત્ર કરી સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌ પ્રથમ હિયરિંગ કરવામાં આવી અને વાલીઓને તેમની વાત મૂકવાની તક આપવામાં આવી, પરંતુ તેઓ નિષ્ફળ જતા, તેમનું એડમિશન રદ કરવામાં આવ્યું. બાકીના 32 વિદ્યાર્થીઓના નામ સાથે પરિપત્ર મોકલાશે
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, “હાલમાં તમામ શાળાઓને પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે, ખોટી રીતે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરે.” હાલમાં 68 જેટલા વિદ્યાર્થીઓના નામ સાથે શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં બાકીના 32 વિદ્યાર્થીઓના નામ સાથે પણ પરિપત્ર મોકલવામાં આવશે.