જો તમારે ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જવું હોય તો તમારા મનમાં ઘણા સવાલો હશે. હું કુંભમાં ક્યાંથી જઇશ? કેવી રીતે પહોંચીશ? ત્યાં બધી સુવિધાઓ તો હશે ને? જમવાનું તો મળી રહેશે ને? ક્યાં રહીશું? ક્યાંક અટવાઇ જવાય તો માર્ગદર્શન મળશે? સંગમમાં સ્નાન કરવા માટે કેવી રીતે પહોંચીશ અને ક્યાં સ્નાન કરીશ? આટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે તો કંઇ ખોવાઇ જશે તો તેના માટેની ફરિયાદ ક્યાં કરવાની? કોઇને પણ આવા સવાલો થવા સ્વભાવિક છે. એટલા માટે 144 વર્ષો પછી યોજાઇ રહેલા આ મહાકુંભનું આયોજન બતાવવા અમદાવાદથી 1,250 કિલોમીટરની સફર ખેડીને દિવ્ય ભાસ્કર પહોંચ્યું છે પ્રયાગરાજ. અમારી ટીમે ગુજરાતથી મહાકુંભની કરેલી આ સફરને વાંચશો-જોશો તો તમારા મનમાં રહેલી દરેક મૂંઝવણ દૂર થઇ જશે. મહાકુંભમાં કેવી રીતે જવું અને ત્યાં ગુજરાતીઓ માટે શું-શું સુવિધા છે તેને બે ભાગમાં જાણીશું. ગુજરાતથી મહાકુંભ જવા માટે ઘણી ટ્રેન શરૂ કરાઇ છે. આ ઉપરાંત હવાઇ માર્ગે પણ જઇ શકાય છે. અમારી ટીમે અમદાવાદથી પહેલાં અયોધ્યા અને ત્યાંથી પ્રયાગરાજની સફર કરી હતી. ભાસ્કર રિપોર્ટર કમલ પરમારે ખેડેલી આ સફર અને તેનો અનુભવ વાંચો તેના જ શબ્દોમાં…. શિયાળાની ગુલાબી ઠંડી અને સવારનો સમય છે, સૂર્ય પણ ઊગી ચૂક્યો છે. ઘડિયાળમાં સમય સવારે 7 કલાકને 31 મિનિટનો થયો છે. હું અમદાવાદ એરપોર્ટ પર પહોંચવા માટે કેબમાં બેસીને જઇ રહ્યો છું. લગભગ વીસેક મિનિટમાં જ હું અમદાવાદના સરદાર પટેલ ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલ 2 પર પહોંચી ગયો. બસ ત્યાંથી અમદાવાદથી આસ્થાની નગરી એવા પ્રયાગરાજના મહાકુંભ મેળામાં પહોંચવાની મારી સફરની શરૂઆત થઇ. આ સફરમાં મારી ફ્લાઇટ અમદાવાદથી અયોધ્યાની હતી એટલે અયોધ્યા પહોંચવા માટે હું એરપોર્ટ પહોંચ્યો. જ્યાં બોર્ડિંગ અને સિક્યોરિટી ચેકિંગ કરાવ્યું. એ પછી સીધો જ હું પ્લેનમાં મારી સીટ પર પહોંચ્યો પ્લેનને ટેક ઓફ થવામાં થોડી મિનિટોની વાર હતી. લોકો પોતપોતાની જગ્યા પર બેસી રહ્યા હતા. ત્યાં જ પ્લેનમાં એનાઉન્સમેન્ટ થાય છે. હમ હમારી ઉડાન કે લીયે તૈયાર હૈં. સભી યાત્રીગણ અપના સીટ બેલ્ટ બાંધ લીજીયે. આટલું કહેતાની થોડી જ ક્ષણો પછી મારી ફ્લાઇટ ટેક ઓફ થઇ અને ફ્લાઇટમાં બધાએ જય શ્રી રામનો નાદ શરૂ કરી દીધો. લગભગ બે એક કલાકના સમયમાં તો હું અયોધ્યા પહોંચી ગયો જે બાદ મેં રામ મંદિરમાં દર્શન કર્યા અને ત્યાંથી બાય રોડ હું પ્રયાગરાજ જવા માટે નીકળ્યો. સાંજનો સમય હતો એટલે ઢળતા સૂર્યની સાથે સાથે હૂંફાળું વાતાવરણ પણ હવે ઠંડીમાં બદલાઇ રહ્યું હતું. રસ્તામાં ઠેર ઠેર પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભ મેળાના પોસ્ટર જોવા મળ્યા. બ્રિજો પર લાગેલા લાઇટના થાંભલાઓને ત્રિરંગી લાઇટથી શ્રૃંગાર કર્યો હતો. જે જાણે વેલકમ કરતું હોય તેમ લાગી રહ્યું હતું. જો તમે લખનૌ કે અયોધ્યાથી બસ મારફતે આવી રહ્યા છો તો તમારી બસ મલકા પાસે ઊભી રહેશે. ઘડિયાળમાં લગભગ નવેક વાગતા હું પ્રયાગરાજ શહેરમાં પહોંચી ગયો. જેમ જેમ ઘડિયાળના કાંટા દોડી રહ્યા હતા તેમ તેમ ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું હતું. લીટરલી ગુજરાતની સરખામણીમાં તો અહીં એકવાર થથરી જવાય તેવી ઠંડીની મને અનુભૂતિ થઇ. મેં સિવિલ લાઇન પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રાત્રિ રોકાણ કર્યું. દિવસની શરૂઆત થઇ, લગભગ આઠેક વાગ્યાનો સમય થયો. વાતાવરણમાં ચારે બાજુ ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. મહાકુંભમાં જવા માટે મેં અરેલ સેલ્ફી પોઇન્ટ પાસેથી પહોંચવાનું નક્કી કર્યું. હું સિવિલ લાઇનથી ઇ રિક્ષામાં જઇ રહ્યો હતો. આટલી લાખોની જનમેદની મહાકુંભમાં આવવાની હોવાના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર બેરિકેટીંગ કરવામાં આવ્યું હતું એટલે નાની નાની ગલીઓમાંથી થઇને ઇ-રિક્ષા ડ્રાઈવરે મને અરેલ સેલ્ફી પોઈન્ટ પાસે ઉતાર્યો. મહાકુંભમાં કુલ 14 ઘાટ છે. હું અરેલ સેલ્ફી પોઈન્ટ પાસેના ઘાટ પાસે પહોંચ્યો. મેં પ્રયાગરાજની નવી નગરી કુંભ નગરીમાં પ્રવેશ કર્યો. કુંભમાં પ્રવેશતા જ અહીંના વાતાવરણમાં પણ શાંતિ અને ધાર્મિક આસ્થાનો મને અનુભવ થયો. મહાકુંભના આ પવિત્ર મેળાની સફર માટે પહેલાં પવિત્ર થવું પણ એટલું જ જરૂરી છે એટલે અરેલ પાસેના ઘાટથી સંગમ સુધી પહોંચવા માટે હું હોડીમાં બેસીને પહોંચ્યો. હોડીમાં બેસવા માટેના ભાવ પણ સરકારે નક્કી કરેલા છે. એક વ્યક્તિ દીઠ 75 રૂપિયા ટિકિટ લેવાય છે, તેનાથી વધુ પૈસા કોઇ લઇ નથી શકતું. અહીં ગંગા અને યમુના નદી જ દેખાઇ રહી હતી જ્યારે સરસ્વતી નદી લુપ્ત હોવાનું ત્યાં ઊભેલા એક પુજારીએ કહ્યું. અહીં સંગમમાં મેં સૂર્ય દેવને જળ ચઢાવીને ડૂબકી લગાવી. તમામ ઘાટ પર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. કોઇ ડૂબે નહીં તે માટે સ્પીડ બોટની પણ વ્યવસ્થા અહીં જોવા મળી. અહીં ડૂબકી લગાવ્યા બાદ હું હોડી દ્વારા પાછો અરેલ ઘાટ પર પહોંચ્યો. જ્યાં માથા પર ચંદન અને કંકુનું તિલક કરાવીને મેં કુંભ નગરીની સફર આગળ વધારી. જો તમે ગુજરાતથી મહાકુંભમાં જાઓ છો તો અહીં શું-શું સુવિધા છે? કઇ જગ્યાએ ગુજરાતી ભોજન મળે છે? અહીં આવનારા ગુજરાતીઓ ક્યાં રહી શકે છે? આ બધું હું તમને મારા આવતીકાલના રિપોર્ટમાં જણાવીશ. TOPIC: મહાકુંભ LIVE