અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના મોત થયા બાદ હવે ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ થઈ છે અને કાર્તિક પટેલની સાથે તે એકલો નહીં તેની જોડી પણ એટલી જ સામેલ હતી. જેમાં ચિરાગ રાજપુત અને રાહુલ જૈન સૌથી મોટા મોહરા હતા. જેને પગલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની તેના સાગરીતો સાથે પુછપરછ કરવાનું નક્કી કરી લીધું છે. ત્રણેય ત્રિપુટીઓને એકસાથે બેસાડી પુછપરછ હાથ ધરવામાં આવશે. જેમાં કઈ રીતે ભેગા મળીને ખ્યાતિનો ખેલ પડ્યો, ક્યારે અને કઈ રીતે PMJAY કૌભાંડ શરૂ કર્યું તેના રાજ ખુલશે. પોતે જમીનોનો વેપાર કરી ક્લિન છબી ધરાવવાની સાથે હોસ્પિટલના નામે રોકડી કરવા માટેનો આખો પ્લાન કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી. જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે કાર્તિક પટેલની રાઉન્ડ ધ ક્લોક પૂછપરછ કરી રહી છે. કાર્તિક પટેલ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નીકળ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, હવે કાર્તિક પટેલ આખા કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાની કડી મળી રહી છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારથી ચિરાગ રાજપૂતે તેને હોસ્પિટલના બિઝનેસમાં કઈ રીતે રોકડી થઈ શકે અને કઈ રીતે બીજા બિઝનેસ સેટલ થઈ શકે તે લોલીપોપ આપી ત્યારથી દરેક બાબતે ચિરાગ, કાર્તિક પટેલ અને રાહુલ જૈન દરેક બાબતથી માહિતગાર હતા. મુખ્ય આરોપીઓના બંને સાગરીતોને અમદાવાદ લવાશે
હવે ચિરાગ રાજપુત અને રાહુલ જૈનના નિવેદનો અગાઉ ધરપકડ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યા હતા, પરંતુ હવે નાટ્યાત્મક વળાંક આ સમગ્ર તપાસમાં આવવાનો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપુત અને રાહુલ જૈનને બેસાડીને પૂછપરછ કરવામાં આવશે અને તે માટેની તૈયારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં ટ્રાન્સફર વોરંટથી બંને આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવશે અને કાર્તિક પટેલ સાથે બંનેના નિવેદન લઈ કઈ રીતે આખું કૌભાંડ થયું હતું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ આરોપીઓની ટ્રાન્સફર વોરંટ કસ્ટડી મેળવવાની છે. કૌભાંડનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે
ચિરાગ રાજપુત અને કાર્તિકે ભેગા મળીને PMJAYમાં કૌભાંડ કરવા માટે આખી ગોઠવણ કરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચ માની રહી છે અને તેઓ જે પણ રોકડી કરે તેનો હિસાબ પગારમાં ખર્ચ બતાવવાનો આઈડિયા રાહુલ જૈને આપ્યો હોવાનું હવે સામે આવી રહ્યું છે અને આખા કૌભાંડનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. રવિવારે (19/01/2025)એ પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 10 દિવસના મંજૂર કર્યા છે. જાણો રિમાન્ડ માટે ક્યા 12 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ
ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ બીમાર પત્નીની સારવાર માટે 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતાં તે દુબઈ ભાગ્યો હતો. જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો, પરંતુ પત્નીની તબિયત બગડતાં તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ દબોચી લીધો હતો. (આ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)