સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે (20 જાન્યુઆરી,2025) કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત કલેક્ટર ઓફિસ બહાર ‘ચૂંટણી હોય ત્યાં આપે ગોળ, પણ ગુજરાતને તો ખોળ જ ખોળ’ જેવા લખાણ સાથેનાં બેનર અને સૂત્રોચ્ચાર પોકારી આપ કાર્યકર્તાઓએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. AAP નેતાએ જણાવ્યું કે, દિલ્હીમાં ચૂંટણી છે તો ભાજપ મહિલાઓને મહિને રૂ. 2500, પ્રસૂતાને 21000 રૂપિયા અને વૃદ્ધોને પેન્શન આપવાની વાત કરે છે. જ્યારે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં દિલ્હીમાં મળે છે તેવી એક પણ સુવિધા અહીં મળી નથી. ગુજરાતમાં મહિલાઓની સન્માનની વાત તો દૂર છે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. દિલ્હીમાં કહેવાયેલી સુવિધા ગુજરાતમાં પણ આપો. આ મામલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સુરતના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, પાર્ટી ચૂંટણી સમયે જે રાજકીય ઢંઢેરો જાહેર કરે છે તે ઉપરના લેવલે નિર્ણય લેવાતો હોય છે. અમે આ બાબતે અમારી કોઇ પ્રતિક્રિયા આપી શકીએ નહીં. ‘ગુજરાતમાં ભાજપની 30 વર્ષથી સરકાર છે તો સુવિધા કેમ નહિ?’
AAPના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, આજે સુરત શહેર સંગઠન દ્વારા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દિલ્હીમાં જ્યારે ચૂંટણી આવી છે તો ભાજપવાળા અત્યારે ખૂબ મોટા મેનિફેસ્ટો સાથે દિલ્હીના લોકોની વચ્ચે ગયા છે. ભાજપે દિલ્હીના મેનિફેસ્ટોમાં કીધું છે કે, દિલ્હીની બહેનોને 2500 રૂપિયા દર મહિને આપીશું. તમામ પ્રસૂતા મહિલાઓને 21000 રૂપિયા આપીશું અને વૃદ્ધોને પેન્શન આપીશું. તો ગુજરાતની અંદર છેલ્લાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં પણ અહીંયાં કોઈ સુવિધા નહિ? અહીં શિક્ષણ ખાડે ગયું છે. આરોગ્ય પણ ખાડે ગયું છે. ગુજરાતમાં બહેનોના સંન્માનની તો દૂર વાત છે, પણ બહેનોને અપમાનિત કરે છે. જાહેરમાં સરઘસ કાઢે છે. ‘દિલ્હી માટે લખાઈ છે તે તમામ સુવિધાઓ ગુજરાતમાં આપો’
તો દિલ્હીમાં ગોળ અને ગુજરાતને ખોળ આ કયા પ્રકારની રાજનીતિ? એક સમયે આજ ભાજપના નેતાઓ કહેતા હતાં કે, અરવિંદ કેજરીવાલ રેવડી વેચે છે અને આજે ભાજપના નેતાઓ એ જ રસ્તે ચાલી રહ્યા છે. અમે તો સ્પષ્ટતાથી કહી રહ્યા છીએ કે, અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ. આ તો ચૂંટણી પત્યા પછી કહી દે કે ફક્ત અમારો જુમલો હતો. અમે આજે મુખ્યમંત્રીને આ વિજ્ઞાનપત્ર આપીને માંગણી કરી છે કે, જે મેનિફેસ્ટોમાં દિલ્હી માટે લખાયું છે એ તમામ સુવિધાઓ ગુજરાતમાં પણ આપવામાં આવે. ભાજપે શુક્રવારે દિલ્હી ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઠરાવ પત્રને ‘વિકસિત દિલ્હીનો પાયો’ ગણાવ્યો. તેમણે દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા અને ગરીબ મહિલાઓને સિલિન્ડર પર 500 રૂપિયા સબસિડી આપવાનું વચન આપ્યું હતું. હોળી અને દિવાળી પર એક સિલિન્ડર મફત આપવાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે માતૃ સુરક્ષા વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઓને 21,000 રૂપિયા આપવામાં આવશે અને 6 પોષણ કિટ પણ આપવામાં આવશે. દિલ્હીમાં વીજળી, બસો અને પાણી અંગે વર્તમાન સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ ચાલુ રહેશે. વિગતવાર વાંચવા ક્લિક કરો…. AAP કરતાં BJP મહિલાઓને રૂ.400 વધુ આપશે, દર મહિને રૂ.2500, હોળી-દિવાળી પર એક-એક સિલિન્ડર ફ્રી; દિલ્હી ચૂંટણી માટે ભાજપના વાયદા