દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ ગંભીર બનાવો સામે આવ્યા છે. સલાયા ગામમાં સમીરાબેન અકબરભાઈ સુંભણીયા નામની યુવતીએ પોતાના ઘરમાં અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના પિતા અકબરભાઈ મામદભાઈ સુંભણીયાએ સલાયા મરીન પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં, કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામમાં મધ્યપ્રદેશના મૂળ વતની એવા 19 વર્ષીય હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળે એક વાડીમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માનસિક રીતે અસ્થિર યુવકના મૃત્યુ અંગે તેમના મોટાભાઈ રામસિંગભાઈએ પોલીસને જાણ કરી હતી. ત્રીજો અને સૌથી ગંભીર બનાવ ભાણવડ તાલુકાના વાનાવડ ગામમાં બન્યો, જ્યાં રસ્તા વિવાદના જૂના મનદુઃખમાં 34 વર્ષીય અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ મકવાણા પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. બાળકોને શાળાએથી પરત ફરતી વખતે ભીખા નાથા મકવાણા, ભારા ભીખા, કરમણ ભીખા અને ભૂરા ભીખા મકવાણાએ લાકડી અને કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ભાણવડ પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.