નવીન જોશી
પોલીસ કર્મચારીને ગુનાસંબંધી કોઇ કામ જ ન હોય એવા પોલીસ સ્ટેશન કે ગામ કચ્છમાં છે જાણો છો ? અરે એકલદોકલ નહીં પણ ગામના ગામ અને તે પણ સરહદી ક્ષેત્ર છતાં ક્રાઇમ રેશિયો શૂન્ય… આદર્શ ગણી શકાય ને ? સફેદ રણના કારણે જગપ્રસિદ્ધ ધોરડો ગામે આજે ત્રણ-ચાર મહિનામાં પાંચ-સાત લાખ લોકો આવ-જા કરે છે, આ ધોરડોનું પોલીસ સ્ટેશન કે ચોકીના ચોપડે ‘ક્રાઇમ શૂન્ય’ અને તેય આજથી નહીં હો… દાયકાઓના દાયકાઓથી… અને માત્ર ધોરડો જ નહીં ભુજ-ખાવડા માર્ગે ઉગમણી-આથમણી બંને તરફ ‘બન્ની’ના નામે ઓળખાતો માલધારીઓનો મુલક એટલો શાંતિપ્રિય અને પ્રકૃત્તિપ્રેમી છે કે ત્યાં કોઇ મોટા-ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા જ નથી.
બન્ની એટલે માલધારીઓનો દૂધાળા ઢોરોનો અને શ્રેષ્ઠ ઘાસીયા મેદાનોથી છલકાતો મુલક, અહીં સાચા અર્થમાં ઘી-દૂધની નદીઓ વહે, મુંબઇના દૂધના તબેલાઓની ભેંસોનું જન્મસ્થળ, અહીંથી ભેંસો-ગાયો કચ્છ-ગુજરાતમાં વેંચાય, સ્થાનિક બહુમતિ ધરાવતો મુસ્લીમ માલધારી લાડમાં બન્નીને ‘પીંરે જો પટ્ટ’ અર્થાત પવિત્રત્તમ જમીન કહે છે અને વાસ્તવિક્તા પણ એ જ છે. નથી જુગાર, દારૂ, ચોરીનું દૂષણ કે નથી મારામારી, છેડતી, લૂંટ.
1969ની મહેસુલી ગામોની માપણી અનુસાર આ બન્નીના ગામોનું ક્ષેત્રફળ 195566.38 હેકટર છે એમાં 2005-06ના થયેલી સુકા રણની માપણી મુજબ 53430.88 હેકટર રણ જોડાતા કુલ ક્ષેત્રફળ 248997.26 હેકટર છે. કચ્છના દશ પૈકી અડધો અડધ પાંચ તાલુકાને બન્નીની હદ સ્પર્શે છે. જત, મૂતવા, હાલેપોત્રા, રાયસીપોત્રા, હિંગોરજા, બંભા, સુમરા, નોડે, કોરાર, થેબા, વાઢા, શેખ સૈયદ અને હિન્દુ વાઢા તથા મેઘવાળની વસ્તી છે. 700 વર્ષનો ઇતિહાસ ધરાવતો આ મુલક સિંધની સુફી સંસ્કૃતિની અસર તળે છે. }1998માં એક હત્યા કેસ નોંધાયો હતો, તેમાંય આરોપી કે મૃતક બન્નીના નહોતા
ધોરડોના સરપંચ મિંયાહુશેન ગુલબેગ, હોડકોના અગ્રણી સલામ હાલેપોત્રા, રમજાન હાલેપોત્રા, ભિરંડીયારાના અલીજુમ્મા અને સાહેબ જુમ્મા રાયશી બંધુઓ બન્ની પશુ ઉછેરક સંઘના હોદ્દેદારો, ખાવડા પોલીસ ઇન્સ્પેકટર વી.બી. પટેલ, ધોરડો પોસ્ટના એએસઆઇ ગજેન્દ્રસિંહ રાજપૂત કહે છે કે બન્ની અને ગુનાખોરી વચ્ચે જોજનનું અંતર છે. ખાવડા અને નરા પોલીસ અધિકારીઓને કોઇ ગંભીર ગુના નોંધાયાનું પૂછતા માથુ ખંજવાળતા કહે છે ‘યાદ નથી’. શેરવો-સરાડોની સીમમાં 1998ના એક હત્યાકેસ થયેલો જેમાં પણ બન્નીની ધરતી હતી. મૃતક કે આરોપીમાં બન્નીના નહોતા.