જગવિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલા ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલાના કામણ પાથરી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. ઇતિહાસમાં પ્રથમવાર ટ્રાન્સજેન્ડર દેવિકા દેવેન્દ્રએ મોઢેરાના ઉત્તરાર્ધ મહોત્સવના પ્લેટફાર્મ કર્યું હતું. મહેસાણા જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા મોઢેરા સૂર્યમંદિર ખાતે 18 અને 19 જાન્યુઆરી એમ બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું આયોજન કરાયું હતું. જેનું ગઇકાલે (19 જાન્યુઆરી)એ સમાપન થયું છે. ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે દેશના ખ્યાતનામ કલાકારો સાથે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. અનેક કલાકારોએ કલાના કામણ પાથર્યા
સૂર્યમંદિર ખાતે સમાપન મહોત્સવના દિવસે ઉતરપ્રદેશના દેવિકા દેવેન્દ્ર દ્વારા કથ્થક નૃત્ય, કડી, મહેસાણાના દિવ્યા પ્રજાપતિ દ્વારા કથ્થક નૃત્ય, દિલ્હીના કવિતા દ્રીબેડી દ્વારા ઓડીસી નૃત્ય, નાસિકના વૈદેહી કુલકર્ણી દ્વારા કુચીપુડી નૃત્ય, આસામના કૃષ્ણક્ષી કશ્યપ દ્વારા સતરીયા ડાન્સ અને વડોદરાના જાનવી પરમાર દ્વારા ભરતનાટ્યમ નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કોણ છે દેવિકા દેવેન્દ્ર એસ મંગલામુખી?
દેવિકા દેવેન્દ્ર એસ મંગલામુખી ભારતમાં એક અગ્રણી ટ્રાન્સજેન્ડર અધિકાર કાર્યકર્તા અને ટ્રેલબ્લેઝર છે. મૂળ રાજસ્થાનની અને હાલમાં આગ્રામાં રહેતી દેવિકા દેવેન્દ્ર ઉત્તર પ્રદેશ સરકારના ઉત્તર પ્રદેશ ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડમાં રાજ્ય કાર્યકારી સભ્ય સલાહકારનું પદ ધરાવે છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય, ખાસ કરીને કથકના ક્ષેત્રમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર કલાકાર તરીકે, તેણીએ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત મીરા સન્માનથી સન્માનિત કરવામાં આવી છે. દેવિકા માત્ર કલાકાર જ નહીં, પરંતુ એક લેખક, પ્રાણી અધિકાર કાર્યકર્તા અને પ્રભાવશાળી વક્તા પણ છે. વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં તેમના વ્યાખ્યાનો દ્વારા તેઓ યુવા પેઢીને પ્રેરણા આપી રહી છે. આ મહાનુભવોએ હાજરી આપી
ઉત્તરાર્ધ ઉત્સવના બીજા દિવસે ધારાસભ્ય સુખાજી ઠાકોર, જિલ્લા કલેકટર એમ નાગરાજન, અગ્રણી ભગાજી ઠાકોર, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, કડી પ્રાંત અધિકારી તેમજ વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત કલારસિકો ઉપસ્થિત રહ્યાં હતા.