તાલાલા તાલુકાના રાયડી ગામમાં ખેડૂત પર હુમલો કરનાર દીપડી અંતે વન વિભાગની ટીમે સફળતાપૂર્વક પકડી પાડી છે. આ ઘટના 18 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 3 વાગ્યે બની હતી, જ્યારે સ્થાનિક રહેવાસી મેઘજીભાઈ મેપાભાઈ બાબરીયા તેમની વાડીથી બાજુની વાડીએ ચા પીવા જઈ રહ્યા હતા. તુવેરના ખેતરમાંથી અચાનક દીપડીએ મેઘજીભાઈ પર હુમલો કર્યો હતો. તેમની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા અને દીપડીને ભગાડી મૂકી હતી. ઈજાગ્રસ્ત મેઘજીભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તાલાલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગના આરએફઓ વઘાસીયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વનપાલ પ્રવીણ કે. વાળા, ફોરેસ્ટ ગાર્ડ પિયુષ વાળા, જમોડભાઈ અને લેબર ટ્રેકર સ્ટાફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતાં વિસ્તારમાં 4 પાંજરા ગોઠવ્યા હતા. ગણતરીના કલાકોમાં જ દીપડી પાંજરામાં સપડાઈ ગઈ હતી. આ સફળતાથી ગામલોકોમાં ફેલાયેલો દીપડીનો ભય દૂર થયો છે. પકડાયેલી દીપડીને સાસણ ખાતેના રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.