વાસી ઉતરાયણના દિવસે ઓડિશામાં ઘરમાં જ ખૂની ખેલ ખેલનાર યુવક ટ્રેન મારફતે સુરત આવતા કાપોદ્રા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતથી બહેનની હત્યા કરવા માટે ભાઈ 1560 કિ.મી. દૂર ઓડિશા પહોંચ્યો હતો. બહેનના ગામમાં આડા સંબંધો હોવાની શંકામાં ભાઈએ પથ્થર અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ હત્યાને જોઈ જનાર માતાને કહ્યું હતું કે, હવે તારો વારો છે. ત્યારબાદ ભાગીને યુવક સુરત આવી ગયો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો
કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે, બોમ્બે કોલોનીમાં રહેતો બાજી શત્રુઘ્ન પાત્રા નામનો ઇસમ તેના વતન ઓરીસ્સા ગંજામ ખાતે કોઇ મહિલાની ખૂન કરી સુરત પરત આવી ગયો છે. તેણે આકાસી કલરનો હાફ બાયનો શર્ટ તથા કથ્થઇ કલરનો સાદુ પેન્ટ પહેરેલ છે ને હાલમા કાપોદ્રા ચાર રસ્તા આગળ ઉભો છે. આ બાતમીના આધારે આરોપી નામે બાબાજી ઉર્ફે બાજી શત્રુધન પાત્રા (ઉ.વ 39 વ્યવસાય:- મજુરી કામ રહે. ઘર નં- 410 બોમ્બે કોલોની, દિલીપભાઇના ભાડાના મકાનમાં વરાછા, સુરત મુળ વતન- રાઇપોલી પો.સ્ટ. ગુન્ટપોડા થાના. આસકા જીલ્લો ગંજામ ઓરીસ્સા)ને ઝડપી પાડ્યો હતો. માતા અને બહેન વતન ગામમાં રહે છે
મળતી માહિતી પ્રમાણે આરોપી બાજી પાત્રા મૂળ ઓડિશાનો વતની છે અને ઘણા વર્ષોથી સુરતમાં રહે છે. અહીં મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરિવારમાં માતા-ભાઈ અને એક બહેન છે. માતા અને બહેન વતનના ગામમાં રહે છે જ્યારે ભાઈ ત્યાંથી એક નજીકમાં આવેલા ગામમાં રહે છે. બાજી પાત્રા અપરણિત છે. જ્યારે તેની બહેન લગ્ન બાદ એક પુત્ર હોવા છતાં રીસામણે પિયર પરત આવી ગઈ હતી. આડા સંબંધની આશંકામાં જીંદગી ખરાબ કરી નાખી
બહેન પિયર આવ્યા બાદ પારિવારિક ઝઘડો ચાલતો હતો. ગામના લોકો બાજી પાત્રાને તેની બહેનના ગામના અલગ-અલગ યુવકો સાથે આડા સંબંધ હોવાની માહિતી આપતા હતા. જેના પગલે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગત ઉતરાયણના રોજ સુરતથી પોતાના વતન ઓરીસ્સા ગંજામ તેના ગામ રાઇપોલી ખાતે ગયો હતી. ત્યા તેની બહેન લક્ષ્મીબેન જેણે આડા સંબંધની આશંકામાં તેના ભાઇ અને ભાણેજની જીંદગી ખરાબ કરી નાખેલ હોય એવી અદાવત રાખી હત્યાનો નિર્ણય કર્યો હતો. બહેન પ્રાર્થના કરવા ટેરેસ પર આવી ને હુમલો કર્યો
વાસી ઉતરાયણના રોજ રાત્રીના તેની બહેન લક્ષ્મીબેનના ઘરે છુપાઇને ટેરેસ પર સૂઇ ગયો હતો. બીજા દિવસે સવારે આશરે સાડા ચારેક વાગ્યે તેની બહેન લક્ષ્મી સવારની પ્રાર્થના કરવા માટે ટેરેસ પર આવી હતી. આ દરમિયાન પોતાની બહેન લક્ષ્મીને માથા પર પથ્થરથી હુમલો કર્યો અને તેના પર અનેક વાર છરી મારી અને પછી તેનું ગળું કાપી મારી નાખી હતી. લક્ષ્મીએ બૂમાબૂમ કરતા માતા પણ દોડી આવી હતી. માતાએ પોતાના દીકરાને જ દીકરીની હત્યા કરતા જોઈ હતી. જેથી, બાજી પાત્રાએ પોતાની માતાને પણ ધમકી આપી હતી કે, હવે તારો વારો છે. સુરત પોલીસે આરોપીની ધરપકડ કરીને ઓરિસ્સા પોલીસને સોંપ્યો
બહેનની હત્યા કર્યા બાદ આરોપી ભાઈ વતનથી પૂરી પહોંચ્યો હતો. ત્યારબાદ પૂરીથી ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો. 1560 કિલોમીટર દૂર બહેનની હત્યા કરવા જનાર ભાઈને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીને ઓરિસ્સા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. ઓરિસ્સા પોલીસ આરોપીને લઈને સુરતથી રવાના થઈ ચૂકી છે.