રાજકોટ મનપા કચેરીએ આજરોજ (20 જાન્યુઆરી) કોઈપણ જાહેરાત વિના આરટીઓની ટીમ આવી પહોંચી હતી અને હેલ્મેટ નહીં પહેરનારા પાસેથી દંડની વસુલાત કરી હતી. અચાનક શરૂ કરવામાં આવેલા ચેકિંગનાં કારણે અનેક અરજદારોની સાથે કર્મચારીઓ પણ દંડાયા હતા. લોકોએ હેલ્મેટ ન પહેરવાનાં અલગ-અલગ કારણો દર્શાવ્યા હતા. જોકે, કચેરીની અંદર હેલ્મેટનાં ચેકિંગને લઈને અંદરખાને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પણ કેમેરા સામે હેલ્મેટ પહેરવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, આજે સવારે 11થી 12 દરમિયાન મનપા કચેરીએ આરટીઓની ટીમ આવી પહોંચી હતી અને કચેરીના ગેટમાંથી પ્રવેશતા લોકોને રોકી હેલ્મેટ ન પહેરાના પાસેથી દંડની વસુલાત કરી હતી. આ દરમિયાન કોઈએ હેલ્મેટ ભૂલાઈ ગયું હોવાનું અને કોઈએ માથું દુઃખતું હોવાને કારણે આજે જ હેલ્મેટ ન પહેર્યું હોવાનું કારણ આપ્યું હતું. આજે માથામાં દુખાવો થતો હતોઃ જેન્તીલાલ ગીનોયા
આ તકે હેલ્મેટ વિના આવેલા જેન્તીલાલ ગીનોયાએ જણાવ્યું હતું કે, હું મનપા કચેરી અંદર આવ્યો એટલે ઊભો રાખ્યો હતો. હું 35 વર્ષથી હેલ્મેટ પહેરુ છું, પણ આજે માથામાં દુખાવો થતો હોવાથી હેલ્મેટ પહેર્યું નથી. કાયમી ધોરણે હેલ્મેટ પહેરુ જ છું. હેલ્મેટ પહેરવું જરૂરી છે અને લોકોને પણ હું રેગ્યુલર હેલ્મેટ પહેરવાની સલાહ આપું છું. કારણ કે, હેલ્મેટ પહેરવાથી શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પણ રાહત મળે છે. તેમજ અકસ્માત સમયે પણ મોટી ઇજાથી બચી શકાય છે. શહેરમાં પણ હેલ્મેટ જરૂરીઃ આરટીઓ ઇન્સપેક્ટર
આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સપેક્ટર વી. બી. પટેલે આ અંગે જણાવ્યું હતું કે, હાલ સરકાર દ્વારા રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મનપા સહિતની કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મનપમાં આવતા તમામ અરજદારો, કર્મચારીઓ અને અધિકારીઓનું કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વાહનનાં અપુરતા કાગળો તેમજ હેલ્મેટ અંગે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ હેલ્મેટ ડ્રાઈવ હોવાથી આ માટેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હેલ્મેટ માત્ર હાઈવેમાં નહીં શહેરમાં પણ ફરજિયાત હોવાનું જણાવી લોકોને નિયમનું પાલન કરી સુરક્ષિત રહેવાની અપીલ પણ તેમણે કરી હતી. હેલ્મેટ પહેરનારાની લોકોની સંખ્યા ખૂબ ઓછી
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં હેલ્મેટ પહેરતા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. ત્યારે આજે કોઈપણ પ્રકારની જાહેરાત વિના અચાનક જ શહેરમાં અને તે પણ મનપા કચેરીની અંદર કે જ્યાં પહોંચીને ઘણીવાર હેલ્મેટ પહેરતા હોય તેવા લોકો પણ કાઢી નાખતા હોય છે. ત્યાંથી હેલ્મેટના દંડની વસુલાત કરવામાં આવી હતી, જેને કારણે લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો. જોકે, સતાની સામે શાણપણ નકામું સમજીને કોઈએ આ અંગે બોલવાનું ટાળ્યું હતું.