રવિવારે, કોલ્ડપ્લે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં તેમનો બીજો શો કર્યો હતો. આ દરમિયાન ક્રિસ માર્ટિને તેના પર્ફોર્મન્સ દરમિયાન શાહરુખ ખાનને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. તેણે શાહરુખ ખાનને એવી વ્યક્તિ ગણાવ્યો જે હંમેશ માટે યાદ રહેશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેના પર શાહરુખે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોન્સર્ટ શરૂ કરતા પહેલા ક્રિસ માર્ટિને મ્યૂઝિક વગાડ્યું અને કહ્યું- શાહરૂખ ખાન ફોરએવર. આ સાંભળીને ભીડ પાગલ થઈ ગઈ અને ક્રાઉડમાં બૂમો પડી ગઈ હતી. સ્ટેડિયમમાં હાજર ફેન્સ ફોનની ફ્લેશ લાઇટો ઓન કરી બૂમ પાડી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન પણ તેના મિત્રો સાથે કોન્સર્ટ જોવા ગઈ હતી. સોમવારે શાહરુખ ખાને વાઈરલ વીડિયો શેર કરતા ક્રિસ માર્ટિનનો આભાર માન્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે – સ્ટાર્સને જુઓ, તેઓ તમારા માટે કેવી રીતે ચમકી રહ્યા છે. ક્રિસ મારા ભાઈ, તમે મને વિશેષ અનુભવ કરાવો છો. તમને અને તમારી ટીમને મારો પ્રેમ. તમે લાખોમાં એક છો મિત્ર, ભારત તમને પ્રેમ કરે છે. આ સાથે શાહરુખે વાયરલ વીડિયો પર લખ્યું છે – ક્રિસ માર્ટિન ફોરએવર એન્ડ એવર. શાહરુખ ખાન અને ક્રિસ માર્ટિન વચ્ચેના આ પ્રેમથી ભરેલા સંબંધો જોઈને ચાહકો પણ ખૂબ જ ખુશ છે. શાહરુખ અને ક્રિસ માર્ટિનને લઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. મુંબઈમાં 9 વર્ષ બાદ કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2016માં જ્યારે મુંબઈમાં કોન્સર્ટ થયો ત્યારે શાહરૂખ ખાને પોતાના ઘરે ક્રિસ માર્ટિન માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યારથી બંને વચ્ચે ખાસ સંબંધ બંધાયો. આ કોન્સર્ટનું આયોજન મુંબઈમાં 18 અને 19 જાન્યુઆરીએ કરવામાં આવ્યું છે. ત્રીજો કોન્સર્ટ આજે એટલે કે 21મી જાન્યુઆરીની સાંજે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાશે. આ પછી અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાશે.