રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલા શ્રી ખોડલધામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાના 8 વર્ષ પૂર્ણ થયા છે. 21 જાન્યુઆરી 2017ના રોજ મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે આજે વહેલી સવારથી મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીને ફૂલનો શણગાર કરવામાં આવ્યો અને મંદિર પરિસરમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી. 15 ફૂટ બાય x 15 ફૂટની ભવ્ય મહાદેવ ભવ્યની રંગોળી બનવવામાં આવી, જેમાં 250 કિલો અલગ-અલગ કલરના રંગો પુરવામાં આવ્યા હતા. રંગોળી બનવવામાં આશરે 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. ગોંડલની મહિલાઓ દ્વારા આ રંગોળી બનવવામાં આવી હતી. લેઉવા પાટીદાર સમાજનું આસ્થા કેન્દ્ર બનેલા આ મંદિરમાં આગામી વર્ષ (21-1-2024 થી 21-1-2025) માટે 1107 ધ્વજાનું બુકિંગ થઈ ચૂક્યું છે. ભક્તો પોતાના જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ અને પુણ્યતિથિ નિમિત્તે ધ્વજારોહણ કરાવે છે. હાલમાં ધ્વજારોહણ માટે ત્રણ મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે અને રોજ સરેરાશ 3-4 ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરની ભવ્યતા દર્શાવતા આંકડાઓ પણ નોંધપાત્ર છે. 159 ફૂટની કુલ ઊંચાઈ ધરાવતા આ મંદિરમાં 238 સ્તંભ છે. શિલ્પકલામાં 15 ડિઝાઇન અને 30 પ્રકારની કોતરણી જોવા મળે છે. મંદિરમાં કુલ 650 મૂર્તિ છે, જેમાં 21 મુખ્ય મૂર્તિનો સમાવેશ થાય છે. ખોડીયાર માતાની મુખ્ય મૂર્તિ 5.7 ફૂટની છે, જ્યારે અન્ય 20 મૂર્તિઓ 3 ફૂટની છે. મંદિર પર 6 ટનનો સુવર્ણ જડિત કળશ અને 40 ફૂટ ઊંચો ધ્વજદંડ છે, જેના પર 52 ગજની ધ્વજા લહેરાય છે. ટૂંક સમયમાં જ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ બનેલું આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રનું મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર પણ બની ગયું છે. વિદેશમાં વસતા પાટીદાર સમાજના લોકો પણ અહીં ધ્વજારોહણ માટે આવે છે.