વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)નું હોક MK 132 વિમાનો સાથે વડોદરામાં આજે એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા અદ્ભૂત કરતબ કરવામાં આવ્યા હતા. આ સમયે અદ્ભૂત આકાશી દૃશ્યો જોવા મળ્યા હતા. વિમાન દ્વારા જવાનોએ આકાશમાં દિલ પણ બનાવ્યું હતું જેને જોઈને લોકો અચંબિત રહી ગયા હતા. આ રિહર્સલને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એર શો આસપાસના 20 કિમીના વિસ્તારમાં જોવા મળ્યો હતો. જેને લઈને લોકોએ પોતાની અગાસીમાંથી પણ એર શોને નિહાળ્યો હતો અને તસવીરો ખેંચી હતી. આવતીકાલે બુધવારે બપોરે 12 વાગ્યે આ એર શૉ શરુ થશે
ઇન્ડિયન એરફોર્સની આ ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાયલોટ છે, જે આવતીકાલે પ્રદર્શન બતાવશે. દરજીપુરા-પાંજરાપોળ ગ્રાઉન્ડ, APMC માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલટેક્સ પાસેથી પણ લોકો આ શૉ જોઈ શકશે, જ્યારે મુખ્ય અતિથિ માટે એરફોર્સ સ્ટેશનની અંદર વ્યવસ્થા કરાઈ છે. આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું અને આવતીકાલે બુધવારે બપોરે 12 વાગ્યે આ એર શૉ શરુ થશે. આ શો 40 મિનિટનો રહેશે. વર્ષ-2025નો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો આ પહેલો શો છે. ‘કરતબ જોઈને ખૂબ જ મજા આવી ગઈ’
ઇન્ડિયન એરફોર્સનો એર શો જોવા માટે આવેલા વંદના અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે અમે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો એર શો જોવા માટે આવ્યા હતા. જેમાં જવાનો દ્વારા કરવામાં આવેલા કરતબ જોઈને ખૂબ જ મજા આવી ગઈ. આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું, પરંતુ આવતીકાલે શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું દરેક વ્યક્તિને કહીશ કે આ શો જોવા માટે જરૂર આવે. હું મારા દીકરાને લઈને આજે આવી હતી. પહેલીવાર અમે એર શો જોયો છે અને ખૂબ એન્જોય કર્યું છે. અમે આવતીકાલે ફરીથી આવવાના છીએ. આ એર શો મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયો- દર્શક
ઇન્ડિયન એરફોર્સનો એર શો જોવા માટે આવેલા પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, હું અહીં નજીકમાં જ રહું છું અને મને ભારતીય વાયુ સેનાના એર શોની માહિતી મળતા હું અહીં પહોંચી ગયો હતો. અહીં ઘણી સ્કૂલોના બાળકો આવ્યા હતા, કેટલાક વાલીઓ પોતાના બાળકોને લઈને આવ્યા હતા અને અહીં ખૂબ જ ઉત્સાહિત લોકો જોવા મળ્યા હતા. આ એર શો મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયો છે, ખૂબ જ મજા આવી ગઈ. આ પ્રકારના કરતબ જોઈને વાયુ સેનાના જવાનોને સલામ કરવાનું મન થાય છે. ટીમે 700 કરતાં વધુ પરફોર્મન્સ આપ્યા
વર્ષ 1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પરફોર્મન્સ આપ્યા છે. આ ટીમ તેમના સૂત્ર “સર્વદા સર્વોત્તમ” દ્વારા માર્ગદર્શિત છે જેનો અર્થ છે ‘હંમેશા શ્રેષ્ઠ’ જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે. સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાયલોટ
સૂર્યકિરણ ટીમમાં 9 હૉક MK 132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. ગ્રુપ કેપ્ટન અજય દશરથ અને ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાયલોટ છે. આ પાઇલટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવવા માટે સઘન તાલીમ મેળવે છે અને તેમનું કૌશલ્ય અને દોષરહિત સંકલન નજીકના ફોર્મેશન ફ્લાઇંગનો પાયો તૈયાર કરે છે. તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યાં છે, જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર, એડમિનિસ્ટ્રેટર છે અને સ્ક્વૉડ્રન લીડર સુદર્શન ટીમના ડૉક્ટર છે. લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે
વડોદરામાં આજે એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને આવતીકાલે 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે આ એર શૉ શરુ થશે. ત્યારબાદ આગામી 25-26 જાન્યુઆરી 2025 દરમિયાન જામનગર, 29 જાન્યુઆરી 2025ના રોજ નલિયા અને 31 જાન્યુઆરી, 2025થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવશે. આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે, જેથી દર્શકો માટે તે યાદગાર બની રહેશે. તેઓ લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે, જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે.