ભિલોડા-ઇડર હાઈવે પર વધતા જતા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત બાયપાસ રોડના પ્રોજેક્ટને લઈને સ્થાનિક આદિવાસી ખેડૂતોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખલવાડ, મોહનપુર અને લીલછા ગામમાંથી પસાર થનાર આ બાયપાસ રોડ માટે આજે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શામળાજીથી ભિલોડા થઈને ઇડર જવાના માર્ગ પર ભિલોડા નગરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા આ બાયપાસ રોડની યોજના બનાવવામાં આવી છે. જો કે, આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના મુદ્દે સ્થાનિક ખેડૂતોએ “જાન દેંગે પણ જમીન નહીં દેંગે”ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનો આરોપ છે કે વિકાસના નામે ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે તંત્ર દ્વારા અગાઉથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એક ડીવાયએસપી, 6 પોલીસ ઇન્સ્પેક્ટર અને 10 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આમ, લીલછા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક રહીશો અને આસપાસના ગામના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને સર્વે કામગીરીનો વિરોધ કર્યો હતો.