વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર સાંકરડા અંડરપાસમાંથી પસાર થઈ રહેલું એમોનિયા ગેસ ભરેલું ટેન્કર છતને અથડાતા ગેસ લીક થયો હતો. થોડીવારમાં જ ગેસ ફેલાવા લાગતા હાઈવે પર અફરાતફરી મચી હતી. આસાપસના વિસ્તારમાં આંખોમાં બળતર થવાની લોકોની ફરિયાદ ઉઠી હતી. ઘટનાના પગલે ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પર પહોંચી લીકેજ બંધ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. લીકેજના કારણે હાઈવે પર વાહનોના પૈડા થંભી જતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ફાયરજવાનોએ સતત પાણીનો મારો ચલાવાયો
ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરો દોડી ગયા હતા. ગેસ છૂટતો હોવાથી ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. લાશ્કરો ઓક્સિજનની સુવિધાના સાધનોથી સજ્જ થઇ અઢી કલાકથી પાણીનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ, જ્યાં સુધી ટેન્કરમાંથી સંપૂર્ણ એમોનિયા ખાલી થશે નહીં ત્યાં સુધી પાણીમારો ચાલુ રહેશે. આંખોમાં બળતર થવાની ફરિયાદો ઉઠી
મળેલી માહિતી પ્રમાણે રણોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એમોનિયા ભરેલુ એક ટેન્કર બ્રિજ નીચેથી સાકરદા તરફ જઇ રહ્યું હતું. દરમિયાન ટેન્કરનો એક ભાગ બ્રિજ સાથે અથડાતા એમોનિયા ગેસ લીકેજ થવાની શરૂઆત થઇ હતી. ગેસ લીકેજ થવાનું શરૂ થતાં આસપાસમાં રહેતા અને પસાર થતા લોકોની આંખોમાં બળતરા શરૂ થઇ હતી. ટેન્કરમાંથી ગેસ નીકળવાનું શરૂ થતાં અફરાતફરી મચી ગઇ હતી. ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો
દરમિયાન આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ વાડી ફાયર બ્રિગેડની ટીમો રવાના થઇ હતી. સ્થળ ઉપર પરિસ્થિતિ ખરાબ હોવાથી બનાવ અંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્થળ ઉપર દોડી ગયા હતા. અને સ્થળ ઉપર પહોંચી સ્થિતી જોઇ તુરત જ મેજર કોલ જાહેર કરી વધુ પાણીની ટેન્કરો અને સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો છે. અઢી કલાકની કામગીરીમાં 25થી 30 ટેન્કરો ભરી પાણીનો મારો ચલાવાયો હતો. લીકેજના પગલે હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાવાયો
એમોનિયા ગેસ લીકેજ થવાના કારણે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ ઘટના સ્થળથી પાંચ કિલોમીટર વિસ્તારમાં લોકોને આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઘટનાને પગલે નંદેસરી અને છાણી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને સલામતી અને કામગીરીમા અડચણ ઉભી ન થાય તે માટે વડોદરા અમદાવાદ તરફનો હાઇવે ઉપરનો વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો. તે સાથે સર્વિસ રોડ પણ બંધ કરાવી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ ટેન્કર બ્રિજના અંડર પાસમાં ભટકાતા ટેન્કર ઉપરનો વાલ્વ તૂટી જતાં એમોનિયા ગેસ લીકેજ શરૂ થયો હતો. ગેસ લીકેજ થતાં ટેન્કર ચાલક ટેન્કરને અંડરપાસમાંથી બહાર કાઢી સર્વિસ રોડ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાએ વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.