સુરત જિલ્લા એસઓજી પોલીસે પલસાણાની જોલવા જીઆઈડીસી વિસ્તારમાં કાર્યવાહી કરીને બે બોગસ તબીબને ઝડપી પાડ્યા છે. પોલીસે આયુ ક્લિનિક અને કૃષ્ણા ક્લિનિક નામના બે દવાખાનામાં દરોડા પાડ્યા હતા, જ્યાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર વિશાલ સોનવને અને હાર્દિક કાતરિયા નામના બે શખ્સ તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પોલીસની તપાસમાં આયુ ક્લિનિકમાંથી દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી મળીને કુલ ₹13,000થી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે કૃષ્ણા ક્લિનિકમાંથી ₹21,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ બંને ક્લિનિકમાંથી કુલ ₹34,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. એસઓજી પોલીસે બંને બોગસ તબીબોની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન એ પણ સામે આવ્યું કે આ બંને શખ્સ લાંબા સમયથી આ વિસ્તારમાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે.