144 વર્ષો પછી યોજાયેલા મહાકુંભમાં કેવું આયોજન છે એ બતાવવા દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદથી 1,250 કિલોમીટરની સફર ખેડીને પ્રયાગરાજ પહોંચી છે. અહીં ગુજરાતીઓ માટે શું-શું સુવિધા છે? કઇ જગ્યાએ ગુજરાતી ભોજન મળે છે? અહીં આવનારા ગુજરાતીઓ ક્યાં રહી શકે છે? તે જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ ઘણા સેક્ટરમાં ફરી. ભાસ્કર રિપોર્ટર કમલ પરમારની સફર અને અનુભવ વાંચો તેના જ શબ્દોમાં…. અરેલ ઘાટ પાસેથી ચાલતાં ચાલતાં આગળ વધી રહ્યો હતો ત્યાં મારી નજર એક કુટિર પર પડી અને એ કુટિર પર કૈલાસ લખેલું હતું. મેં ત્યાં પ્રવેશ કર્યો તો જાણવા મળ્યું કે આ કુટિર મોરારી બાપૂ માટે તૈયાર કરાઇ હતી. અહીં 18મી જાન્યુઆરીથી મોરારીબાપુની કથા શરૂ થઇ છે જે 26 જાન્યુઆરી સુધી ચાલવાની છે. અહીંથી મારી નજર બાજુમાં આવેલી ફૂડ કોર્ટ પર પડી અને બપોરના 2 વાગ્યા જેટલો સમય પણ થયો હતો. મેં ત્યાં જઇને થોડો નાસ્તો કરવાનું નક્કી કર્યું. હું જેવો એ ફૂડ કોર્ટમાં પહોંચ્યો તો જાણે કોઇ ધબકતાં શહેરની ફૂડ કોર્ટ હોય એવી જ ફૂડ કોર્ટ અહીં તૈયાર કરવામાં આવી છે. અહીં બધા જ પ્રકારનું ફાસ્ટ ફૂડ મળી રહ્યું હતું. આ દરમિયાન મને જાણવા મળ્યું કે આ ફૂડ કોર્ટ તનિષ ફૂડ્સના માલિક અને અમદાવાદના નિરવ ઓઝાએ તૈયાર કરી છે. મેં આખા આયોજન વિશે તેમની પાસેથી માહિતી મેળવી. તનિષ ફૂડ્સના ઓનર નિરવ ઓઝાએ કહ્યું, અમે કુંભ નગરીમાં બે અલગ અલગ સેક્ટરમાં આવી ફૂડ કોર્ટ રન કરી રહ્યા છીએ. અમે આ માટે ટેન્ડરિંગ કર્યું હતું. જેના પછી ટેન્ડર મંજૂર થઇ જતાં છેલ્લા 2 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. એક ફૂડ કોર્ટ કુંભ મેળાના હાર્દ સમાન સેક્ટર-4માં તૈયાર કરી છે. જ્યારે બીજી ફૂડ કોર્ટ અરેલ ઘાટ પાસે છે, જ્યાં અત્યારે આપણે ઉભા છીએ. એક ફૂડ કોર્ટમાં અમે કુલ 20 જેટલા ફૂડ સ્ટોલ તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે, આ ફૂડ કોર્ટમાં ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, રાજસ્થાની, મહારાષ્ટ્રીયન સાથે જ યુપીનું ફૂડ પણ પિરસી રહ્યા છીએ. અહીં અમે કમાવાની દ્રષ્ટિ કરતા સામાન્ય લોકોને સારું ફૂડ મળી રહે તે માટે લોકલ માર્કેટમાં મળતા ભાવે જ ફૂડ આપી રહ્યા છીએ. આ દરમિયાન મેં એક ટેબલ પર નાસ્તો કરતા કરતા ગુજરાતીમાં વાતો કરતો એક પરિવારને જોયો એટલે તેમને આ કુંભમાં આવીને શું અનુભૂતિ થઇ એ જાણવાનો પ્રયત્ન કર્યો. જેમાં મારી વાતચીત અમદાવાદથી આવેલા અર્પિતા દરજી સાથે થઇ. અર્પિતા દરજીએ કહ્યું, એવું સાંભળ્યું હતું કે 144 વર્ષ પછી આવેલાં આ મહાકુંભનું ખૂબજ મહત્વ છે એટલે હું મારા ફેમિલી સાથે આવી છું. અહીં અમે ત્રિવેણી સંગમમાં પરિવાર સાથે સ્નાન કર્યું અને એ પછી અહીં ફૂડ કોર્ટમાં ભોજન માટે આવ્યા છીએ. અહીં ભાવ પણ રિઝનેબલ છે અને ફૂડ પણ સારું મળી રહ્યું છે. ફૂડ કોર્ટની માહિતી મેળવ્યા બાદ હું ગુજરાતના સંતો-મહંતોના અખાડા અને કેમ્પની મુલાકાત લેવા માટે નીકળ્યો. આ માટે મારે સામેના કાંઠે જવાનું હતું એટલે હું અરેલથી ચાલતા ચાલતા આગળ વધ્યો અને નદી પર બનાવેલા સોમેશ્વર પીપાપુલ નંબર 27 પાસે પહોંચ્યો. અહીંથી પસાર થઇ રહેલી એક ગાડીની મેં લીફ્ટ માંગી અને તેમાં બેસીને મેં પીપાપુલને ક્રોસ કર્યો. જેના પછી હું સેક્ટર 22માં પહોંચ્યો. જ્યાં ગુજરાતના આણંદમાં આવેલા શ્રી જાગનાથ મહાદેવનો કેમ્પ હતો. કેમ્પમાં પ્રવેશ કરતાં જ જોયું કે કેટલીક મહિલાઓ યજ્ઞ કરી રહી હતી. આ દરમિયાન મારી મુલાકાત મહંત શુભમપુરી મહારાજ સાથે થઇ. તેમને ત્યાં આ કુંભ દરમિયાન કેવા કેવા કાર્યો થવાના છે અને ગુજરાતમાંથી અને દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે કેવું આયોજન છે એ અંગે પણ વાતચીત થઇ. મહંત શુભમપુરી મહારાજે કહ્યું, પંચાયતી અખાડા મહાનિર્વાણીની એક સંસ્થા એટલે આણંદમાં આવેલું જાગનાથ મહાદેવનું મંદિર. આ બહુ જ પૌરાણિક છે અને સ્વયંભૂ મહાદેવ છે. જાગનાથ મહાદેવ તેમજ અમારા ગુરુજી રમેશપુરીની પ્રેરણા અને આશીર્વાદથી દરેક કુંભ મેળામાં અમારો કેમ્પ લગાવવામાં આવે છે. અહીં અમે સવાર અને સાંજના સમયે હજાર, 2 હજાર કે પછી જેટલા પણ ભક્તો આવે છે તે બધા માટે અન્નક્ષેત્ર, સાધુઓ માટેનું ભોજન સાથે જ બે ટાઇમ ચા નાસ્તાનું આયોજન કર્યું છે. તેઓ કહે છે કે, અમે બધા જ સાધુઓ સવારે 4 વાગ્યે જાગી જઇએ છીએ. અમારા પોત પોતાના અનુષ્ઠાનો કરીએ છીએ, અહીં દસેક જેટલાં મહાત્માઓ રહે છે. એ પોત પોતાના યજ્ઞ, જપ અને તપ કરે છે અને સાધના કરે છે. અમે મૂળ મહાનિર્વાણી અખાડા સાથે જોડાયેલા છીએ એટલે અખાડામાં જ્યારે પણ કોઈ ગોષ્ઠિ કે મૂળ વિષય પર ચિંતન કરવાનું હોય ત્યારે અમે બધા મહાત્માઓ અને સંતો ત્યાં પહોંચીને સમાજ માટે શું કરવા જેવું છે અને દિશા આપવા જેવું છે, વૈદિક સંસ્કૃતિનું જતન કેવી રીતે થાય તે માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ. પંચાયતી અખાડા મહાનિર્વાણીનું સૌથી પહેલું સ્નાન હોય છે એટલે અમે 14 તારીખે યોજાયેલા શાહી સ્નાનમાં ગયા હતા. જ્યાં અમે સવારે 4 વાગે સ્નાન કર્યું હતું. સ્વચ્છતા અને પવિત્રતાની વાત કરતા તેઓ કહે છે કે, જો આપણે સ્વચ્છ રહીશું તો આપણી અંદર પવિત્રતાનો જન્મ થશે. બે પ્રકારની સૂચિનું વર્ણન છે એક આંતરિક અને એક બાહ્ય. સમગ્ર કુંભમાં આમ તો ચોખ્ખાઈ છે જ લોકો ખૂબ જ જાગૃત પણ છે અને અહીં પણ એવા પ્રયાસ થઇ રહ્યા છે. અહીંથી આગળ વધીને હું ગુજરાતના અલગ અલગ અખાડાઓ અને સંસ્થાઓના ટેન્ટમાં રહેવાની કેવી સુવિધાઓ છે એ જોવા માટે પહોંચ્યો. મને જોવા મળ્યું કે અહીં ઠંડીને ધ્યાનમાં રાખીને અને કોઇને અગવડ ન પડે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે સાથે જ ઓઢવા માટે બ્લેન્કેટની પણ સુવિધા કરાઇ છે. મેં ચાલતા ચાલતા લગભગ 200 મીટર જેટલું અંતર કાપ્યું. જ્યાં દિવ્યકુંભ રિટ્રીટ નામની એક ભવ્ય ટેન્ટ સિટી પર મારી નજર પડી એટલે હું ત્યાં પહોંચ્યો. અહીં મારી મુલાકાત ટેન્ટ સિટીના માલિક જય પટેલ સાથે થઇ જેમાં જાણવા મળ્યું કે તેઓ પણ ગુજરાતી છે અને અમદાવાદના જ છે. જય પટેલે કહ્યું, અમે અહીં ઝૂસીમાં આવેલા સેક્ટર 22માં આ ટેન્ટ સિટી તૈયાર કરી છે. આ માટે અમે ટેન્ડરિંગ કર્યું હતું. અહીં અમે 190 કરતા વધુ ટેન્ટ તૈયાર કર્યાં છે. અહીં અમે લોકોને પ્રીમિયમ સર્વિસ પ્રોવાઇડ કરી રહ્યા છીએ. જેમાં અમે ત્રણ ટાઇમ જમવાનું અને હાઇ ટી પણ આપી રહ્યા છીએ. અહીં જે પણ ભોજન પીરસીએ છીએ તેમાં ખાસ સાત્વિક ભોજન હોય છે. તેમણે કહ્યું કે, આ ટેન્ટ સિટીમાં ભાડું 15 હજાર અને તેનાથી વધુ રાખવામાં આવ્યું છે. અહીં લોકો દેશભરમાંથી બુકિંગ કરાવી રહ્યાં છે જેમાં સૌથી વધુ પ્રમાણ ગુજરાતીઓનું છે. આ પાછળ મહત્વનું કારણ એ છે કે અમારી ટેન્ટ સિટી સંગમથી 700 મીટરના અંતરે જ છે. સાથે જ ડિનર સમયે લાઇવ ધાર્મિક મ્યૂઝિક પ્લે કરીએ છીએ આ સાથે જ બોન ફાયર, હવન અને યોગા સેન્ટરની પણ સુવિધા અહીં ઉપલબ્ધ છે. આના પછી હું થોડો આગળ વધ્યો. જ્યાં મેં જોયું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ ભોજન-પ્રસાદી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઝૂસી વિસ્તારમાં સેક્ટર 22માં વિશ્વ હિન્દુ પરિષદનું મુખ્ય કાર્યાલય આવેલું છે. તેની પાસે જ સ્વામીનારાયણ સંપ્રદાયની શિબિર છે. જેમાં શ્રદ્ધાળુઓને ગુજરાતી ભોજન મળે છે. મહાકુંભનું છેલ્લું સ્નાન થશે ત્યાં સુધી અહીં પ્રસાદીની વ્યવસ્થા ચાલુ રહેશે. આના પછી મારી મુલાકાત એવા લોકો સાથે થઇ જે ગુજરાતથી કુંભમાં આવ્યા હતા. તેમણે કુંભમાં કેવી અનુભૂતિ અને સુવિધાઓ મેળવી એ અંગે વાતચીત કરી. ગાંધીનગરથી આવેલા તેજસભાઇએ કહ્યું, મેં અગાઉથી જ ત્રિવેણી સંગમ પાસેની આ ટેન્ટ સિટીમાં બુકીંગ કરાવ્યું હતું. અહીં આવીને અમે સૌથી પહેલાં સંગમમાં સ્નાન કર્યું હતું. એ પછી અમે મહાકુંભમાં પણ અલગ અલગ જગ્યાએ પહોંચ્યા હતા. સાથે જ અહીં લેટે હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા માટે ગયા હતા. સરકારે જે ડિજીટલ શો તૈયાર કર્યો છે તે જોવા માટે પણ ગયા હતા. કુંભમાં ટેમ્પરરી લેવલે જે આખું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબજ સુંદર છે. તેમણે વધુમાં કહ્યું કે, આખા કુંભ નગરમાં રસ્તાઓ પર લોખંડની પ્લેટિંગ કરી છે જેથી અંદર પણ વાહનો ફરી શકે છે. સાથે જ જે પીપાપુલ બનાવ્યા છે તે પણ ખૂબજ સુંદર રીતે તૈયાર કર્યા છે. અન્ય એક ગુજરાતી શ્રદ્ધાળુ રૂપલ ગઢવીએ કહ્યું, હું ગાંધીનગરથી આવી છું, કુંભમાં આવવાનું મારું સપનું હતું. હું શિવ ભક્ત છું એટલે અહીં આવવા માટે હું મહિનાથી પ્લાનિંગ કરી રહી હતી. અહીં આવી એટલે મારું એ સપનું પૂરું થઇ ગયું છે. હું તો બધાને કહું છું કે અહીં બધાએ એક વાર આવવું જ જોઇએ. અહીંની જે વાઇબ્સ છે એ ખૂબ જ પોઝિટીવ છે. અહીં તમે ચાલતા ચાલતા ફરશો તો તમને જે અનુભૂતિ થશે તેવી અનુભૂતિ બીજે ક્યાંય નહીં થાય કેમ કે અલગ અલગ માહોલની સાથે અલગ અલગ લોકો પણ મળે છે. અમે અહીં અખાડામાં પણ ગયા હતા, જ્યાં સાધુસંતોના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અહીંથી ચાલતા ચાલતા હું આગળ વધી રહ્યો હતો. જ્યાં કેટલાક નાના-નાના સ્ટોલ પણ હતા. જેમાં શાકભાજી, ફ્રૂટથી લઇને નાસ્તા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળી રહી છે. આ સાથે જ અહીં ટેમ્પરરી બેન્કો પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં એટીએમની સુવિધા પણ છે. જેથી કોઇપણ વ્યક્તિને પૈસાની જરૂર પડે તો તે અહીંથી પૈસા ઉપાડી શકે છે. અહીં થોડા થોડા અંતરે વોટર એટીએમ પણ ઊભા કરવામાં આવ્યા છે અને થોડા થોડા અંતરે શૌચાલયની પણ સુવિધા કરવામાં આવી છે. હું જ્યારે સેક્ટર 20માં પહોંચ્યો ત્યારે ત્યાં અમદાવાદમાં આવેલી પ્રેરણાપીઠનો ટેન્ટ જોયો. કુંભ દરમિયાન અહીં કેવા કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જાણવા જગતગુરૂ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજે કહ્યું, અમે જગન્નાથ ધામ સાથે મળીને અહીં અમારો ટેન્ટ બનાવ્યો છે. 144 વર્ષ પછી જેનો સંયોગ બન્યો છે તેવા મહાકુંભમાં અમે પણ સહભાગી થયા છીએ. આ પ્રયાગ તીર્થ છે. એ તીર્થ રાજ કહેવાય છે. અહીં ત્રિવેણી સંગમ પણ છે. પુરાણો અનુસાર અહીં સ્નાન કરવાથી મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. સાધુ સંતો અને મહંતો ભારતભરમાંથી આવશે સાથે જ 13 અખાડાના પણ સંતો મહંતો દ્વારા અહીં આયોજન કરવામાં આવ્યું છે. નાગા સાધુઓ પણ અહીં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વખતે યોજાઇ રહેલા મહાકુભનું યુપી સરકારે ખૂબજ સારું આયોજન કર્યું છે. તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ જે જગ્યા છે ત્યાં થોડા સમય પહેલાં પાણી હતું, પાણી ઉતરી ગયા પછી અહીં તાબડતોબ સરકારે જમીન ફાળવીને ખૂબ જ ટૂંકા સમયમાં આટલું સુંદર આયોજન કર્યું છે. આ મહાકુંભમાં એટલી સ્વચ્છતા છે કે તમને ક્યાંય ગંદકી જોવા નહીં મળે કે વેસ્ટેજ પેપર પણ જોવા નહીં મળે. અહીં આવતા વિદેશી લોકો પણ વખાણ કરી રહ્યા છે. કુંભમાં આવતા ગુજરાતીઓ માટેની વ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, ગુજરાતથી પણ લોકો પુણ્ય કમાવા માટે અહીં આવી રહ્યા છે. ગુજરાતના સંતો અને મહંતોએ પણ અહીં ટેન્ટ લગાવ્યા છે. ગુજરાતીઓનું અહીં આવવાનું પ્રમાણ સારું છે અને દિવસેને દિવસે આ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ધાર્યા કરતા પણ વધુ ગુજરાતીઓ કુંભમાં સ્નાન કરવા માટે આવશે તેવું મારું માનવું છે. તેઓ કહે છે કે, અમારો જ્યારે નગર પ્રવેશ થયો ત્યારે પણ લાખોની જનમેદની સંતોના દર્શન કરવા માટે આવી હતી. જ્યારે પહેલું શાહી સ્નાન હતું એ દિવસે પણ કોઇ જ જગ્યા બાકી રહી નહોતી. જાણે કે કિડીયારું ઊભરાયું હોય તેમ સંતોની સાથે દરેક ઘાટ ઉપર લોકોએ સ્નાન કર્યું હતું. તીર્થધામ પ્રેરણાપીઠના મહામંડલેશ્વર જનાર્દનહરીજી મહારાજે કહ્યું, અહીં અલગ અલગ કથાઓ જેવી કે મહાશિવ પુરાણ કથા થશે. રમેશભાઇ ઓઝા શ્રીમદ ભાગવત કથા કરશે, હું રામકથા કરીશ. ગુજરાતથી આવતા લોકોને કહેવા માંગુ છું કે કુંભનું મેનેજમેન્ટ અને આપણી સનાતન ધર્મની પરંપરા કેટલી દિવ્ય અને ઉજ્જવળ છે તેના દર્શન કરો અને અહીં સ્નાન કરો. સાથે જ અહીં ગંદકી ન કરો અને અહીંની દિવ્યતાનું સન્માન કરજો. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ દેખાઇ રહ્યા છે. અહીંથી આગળ વધીને હું સેક્ટર 16માં પહોંચ્યો હતો. જ્યાં જૂનાગઢના જૂના અખાડાની શિબિર આવેલી છે. અહીં શ્રદ્ધાળુઓને ગુજરાતી ભોજન પ્રસાદ મળે છે. કુંભની સફર કરતા કરતા સાંજનો સમય થઇ ગયો. હું સેક્ટર 4માં પહોંચ્યો જ્યાં દૂરથી મોટા મોટા ડમરું, ઢોલ અને સંગીત સાથે કોઇ સંતની શોભાયાત્રા મારી તરફ આવી રહી હતી. એટલે હું તે તરફ આગળ વધ્યો અને જોયું તો આ શોભા યાત્રા દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની હતી. તેમનો મહાકુંભમાં પ્રવેશ થઇ રહ્યો હતો. આ દરમિયાન ચારેબાજુ જનમેદની ઉમટી પડી હતી. મહાકુંભની સફર દરમિયાન મેં જોયું કે અહીં પોલીસ તંત્ર સારી રીતે મેનેજમેન્ટ કરી રહ્યું છે. સાથે જ અહીં આવેલા ઘાટ ઉપર પણ કોઇ વ્યક્તિ ડૂબી ન જાય તે માટે નજર રખાઇ રહી છે. એટલું જ નહીં અહીં કુંભ નગરીમાં થોડા થોડા અંતરે કચરા માટેના ડસ્ટબિન મુકવામાં આવ્યાં છે. આ ડસ્ટબિનોમાંથી કચરો કલેક્ટ કરવા માટે મોટી મોટી ગાડીઓ પણ સતત ફરતી જોવા મળી. સૌથી મહત્વની અને અગત્યની વાત કે અહીં કોઇ પણ વ્યક્તિ કે વસ્તુ ખોવાઇ જાય તો એ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર પણ ઊભા કરાયા છે. આખા મહાકુંભમાં ટેક્નોલોજીનો પણ ખૂબજ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાંજ પડતા જ અહીં એક સાથે હજારોની સંખ્યામાં વ્હાઇટ ગોળા ચાલુ કરવામાં આવે છે. આ સમયે તેની રોનક જ કંઇક અલગ જોવા મળે છે. જાણે કે ચંદ્ર સ્વયં ધરતી પર આવી ગયો હોય તેવું અજવાળું ફેલાઇ જાય છે. ખરેખર આ મહાકુંભ ધાર્મિકની સાથોસાથ ખરા અર્થમાં ટેક્નોલોજીનો પણ મહાકુંભ બની ગયો છે.