back to top
HomeભારતEDITOR'S VIEW: દેશની અંદર જ સર્જિકલ સ્ટ્રાઈક:અમિત શાહ બોલ્યા એ થવાનું નક્કી,...

EDITOR’S VIEW: દેશની અંદર જ સર્જિકલ સ્ટ્રાઈક:અમિત શાહ બોલ્યા એ થવાનું નક્કી, 60 નક્સલીને 1 હજાર જવાનોએ ઘેર્યા, બસ્તરમાં સૌથી મોટું ઓપરેશન

કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પર હુમલો થયો પછી ભારતે POKમાં સર્જીકલ સ્ટ્રાઈક કરીને આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. અત્યારે દેશની અંદર જ સર્જીકલ સ્ટ્રાઈક ચાલી રહી છે, નક્લવાદ સામે… મંગળવારે છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર ગરિયાબંદ જિલ્લામાં 27 નક્સલવાદીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા. તેમાં જેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું તે જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યો ગયો છે. કુલહાડી ઘાટ સ્થિત ભાલુ દિગ્ગી જંગલમાં આર્મીના 1000 જવાનોએ 60 નક્સલવાદીઓને ઘેરી લીધા છે. ભારતમાં નક્લસવાદ સામેનું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. નમસ્કાર, ડિસેમ્બરની 15મી તારીખે અમિત શાહ બસ્તર પહોંચ્યા. ત્યાં બસ્તર ઓલિમ્પિકનું સમાપન હતું. તેમણે નક્સલવાદીઓને ખુલ્લી ચેતવણી આપીને નક્સલવાદનો ખાતમો કરવાની તારીખ પણ આપી દીધી. અમિત શાહે કહ્યું કે, 31 માર્ચ, 2026 એ બસ્તરમાંથી નક્સલવાદની મુક્તિનો દિવસ હશે. નક્સલીઓ જે ભાષામાં સમજે છે, તેને તે ભાષામાં જવાબ અપાશે. આ તારીખ પછી બસ્તરમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ થશે. અહીં કાશ્મીર કરતાં પણ વધારે ટુરિસ્ટ આવશે. અમિત શાહ પહેલા એવા ગૃહમંત્રી છે જેણે નક્સલ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હોય. 2025ની શરૂઆતમાં નક્સલીઓએ ઘાતક હુમલો કર્યો, 8 જવાન શહીદ થયા હતા
મધ્યપ્રદેશમાંથી અલગ પડેલા રાજ્ય છત્તીસગઢમાં નક્સલવાદ ફૂલ્યો ફાલ્યો છે. અહીંના જંગલોમાં નક્સલીઓનો કબજો છે. ડિસેમ્બર 2024માં અમિત શાહે બસ્તરમાં જઈને નક્સલીઓના ખાતમાની વાત કરી તેના થોડા દિવસોમાં જ નક્સલીઓએ પોત પ્રકાશ્યું. 6 જાન્યુઆરીએ આર્મીના વાહન પાસે IED બ્લાસ્ટ કર્યો. બસ્તર પાસેના બીજાપુરમાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ કરીને આર્મીનું વાહન ઉડાવવામાં આવતાં દંતેવાડાના 8 ડીઆરજી (ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડ) જવાન અને એક ડ્રાઈવર સહિત 9નાં મોત થયા હતા. તે દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરના જોઈન્ટ ઓપરેશન કરીને પાછા ફરતા હતા ત્યારે આ બ્લાસ્ટ થયો. અમિત શાહે બસ્તરમાં શું કહ્યું હતું?
બસ્તર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ 15 ડિસેમ્બર 2024એ ગયા હતા. ત્યારે તેમણે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, અહીંના લોકો કહી રહ્યા છે કે, બસ્તર બદલાઈ રહ્યું છે. પણ હું તમને ખાતરી આપું છું કે આજે ભલે તમે કહેતા હો કે બસ્તર બદલાઈ રહ્યું છે પણ 2026ના ઓલિમ્પિકમાં હું આવીશ ત્યારે તમે કહેશો કે બસ્તર બદલાઈ ગયું છે. ‘બદલાઈ રહ્યું છે’થી ‘બદલાઈ ગયું છે’ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં ડિસેમ્બર-2023થી ડિસેમ્બર-2024 સુધીમાં 287 નક્સલીઓને મારી નખાયા. 992 નક્સલીની ધરપકડ થઈ અને 837 નક્સલી સરેન્ડર થયા. છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારના પ્રયાસોથી નક્સલવાદ કંટ્રોલમાં આવ્યો છે. તેના કારણે આર્મી જવાનોની શહીદીમાં 73 ટકાની ઓટ આવી છે અને નાગરિકોના મૃત્યુ 70 ટકા ઘટ્યા છે. હું આજે ફરી બસ્તરની ભૂમિ પરથી કહીને જાઉં છું કે, 31 માર્ચ 2026 સુધીમાં આ દેશની ભૂમિ પરથી નક્સલવાદને સંપૂર્ણ ખતમ કરી નાખીશું. આર્મીને છુટોદોર આપી દેવાયો, હવે નક્સલવાદ ભૂતકાળ બની જશે
2013માં બસ્તરમાં નક્સલવાદીઓએ કરેલો સૌથી ભયાનક હત્યાકાંડ ક્યારેય ભૂલી શકાય નહીં. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વિદ્યા ચરણ શુક્લ, મહેન્દ્ર કર્મા, ઉદય મુદલિયાર અને નંદકુમાર પટેલ સહિત લગભગ 28 નેતાઓની હત્યા કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે આ હુમલામાં નક્સલીઓ કેટલાક નેતાઓના મૃતદેહ પર પણ ગોળીઓ ચલાવતા રહ્યા. ચારે બાજુ પડેલા મૃતદેહો વચ્ચે નક્સલવાદીઓ બંદૂકો હવામાં ઊંચી કરીને નાચતા પણ હતા. હુમલો કરનારા નક્સલીઓની સંખ્યા 1200 થી વધુ હોવાનું બહાર આવ્યું હતું. ઘણી સરકારો આવી અને ગઈ પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળી શક્યો. હવે સુરક્ષા દળોએ નિર્ણય લીધો છે કે તેઓ આ ક્રૂરતાનો અંત લાવશે. આ નક્સલવાદીઓ, જેઓ નિર્દોષ આદિવાસીઓને લાલચ આપીને તેમના પર રાજ કરે છે, તેમના કોઈ નિયમો કે સિદ્ધાંતો નથી. ગૃહમંત્રી અમિત શાહે તારીખ આપી દીધી છે અને છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર છે એટલે હવે એ વાત તો નક્કી છે કે, બસ્તરમાં નક્સલવાદ ભૂતકાળ બની જશે. 60 નક્સલીઓના ખાતમાની તૈયારી, શાહે કહ્યું- નક્સલવાદ છેલ્લા શ્વાસ લે છે
છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં જવાનોએ 27 નક્સલીઓનો ખાતમો કર્યો છે. 16નાં મૃતદેહ અને હથિયારો પણ મળી આવ્યા છે. તેમાંના ઘણા કમાન્ડરો અને આતંકીઓ માર્યા ગયા છે. હજી પણ એન્કાઉન્ટર ચાલુ છે. રવિવારે રાતથી છત્તીસગઢ અને ઓડિશા સરકારે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. સોમવારે, ભાલુ દિગ્ગી જંગલમાં દિવસભર સામસામા ગોળીબાર ચાલુ રહ્યા હતા. બીજા દિવસે મંગળવારે પણ આર્મી અને નક્સલીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે. લગભગ 1000 સૈનિકોએ 60 નક્સલીઓને ઘેરી લીધા છે. ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પહેલા આ ફોર્સનો વિસ્તાર 15-20 કિમીનો હતો, હવે નક્સલવાદીઓ 3 કિવોમીટર સુધી મર્યાદિત થઈ ગયા છે. બધા સાંઈઠે-સાંઈઠ નક્સલીઓ માર્યા જાય તેવી સંભાવના છે. મંગળવારની ઘટના પછી અમિત શાહે સ્ટેટમેન્ટ આપ્યું છે કે, નક્સલવાદ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. ઓપરેશન કેવી રીતે ચાલી રહ્યું છે? નક્સલીઓ બસ્તરથી ગારિયાબંદ તરફ ભાગી રહ્યા છે
જે નક્સલીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળે છે તેઓ સેન્ટ્રલ કમિટીના છે. આ નક્સલવાદીઓના ટોચના નેતાઓ છે. અત્યાર સુધી ગારિયાબંધમાં ફક્ત નક્સલવાદીના DVCM (ડિવિઝનલ કમિટી મેમ્બર) અને ACM (એરિયા કમિટી મેમ્બર) જ આંદોલનના લીડર હતા, પરંતુ પહેલીવાર આ બાજુ ટોચના લીડરની હાજરી જોવા મળી છે. આનું કારણ એ હોઈ શકે છે કે બસ્તરના અબુઝહમાદ સુધી આર્મીના કેમ્પ લાગી ગયા છે. અબુઝમાદ અને પામેડ નક્સલવાદીઓના સૌથી સુરક્ષિત અડ્ડા હતા, પરંતુ સતત એન્કાઉન્ટરને કારણે નક્સલવાદીઓ ગારિયાબંદ તરફ ભાગવા લાગ્યા છે. ગારિયાબંદ જ કેમ ભાગી રહ્યા છે?
બસ્તર પછી, ગારિયાબંધનો મૈનપુર વિસ્તાર ઓડિશાને અડીને આવેલો છે. ગાઢ જંગલોમાંથી પસાર થતો રસ્તો બે રાજ્યો વચ્ચે નક્સલીઓની આવન-જાવન કરવા માટે સરળ છે. જંગલમાં છુપાવવા માટે જગ્યાઓ છે. નક્સલવાદીઓ અહીંથી સિહાવા, કાંકેર, ધમતરીના કોંડાગાંવ થઈને ઓડિશા પણ ભાગી પણ શકે છે. જેના પર 1 કરોડનું ઈનામ હતું તે જયરામ ઉર્ફે ચલપતિ આંધ્રપ્રદેશનો હતો
જયરામ રેડ્ડી ઉર્ફે રામચંદ્ર રેડ્ડી ઉર્ફે અપ્પારાવ ઉર્ફે રામુ આંધ્રપ્રદેશના ચિત્તૂરના માટેમપલ્લીનો રહેવાસી હતો. તેમની ઉંમર લગભગ 60 વર્ષની હતી. તેણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તે સેન્ટ્રલ કમિટી મેમ્બર (CCM) કેડરનો હતો. ચલપતિ બસ્તરના અબુઝમાડ વિસ્તારમાં પણ સક્રિય હતો. તેની પાસે AK-47, SLR જેવી રાઈફલો હતી. તેની સુરક્ષા માટે લગભગ 8 થી 10 રક્ષકો પણ હતા. અબુઝહમાડમાં સતત એન્કાઉન્ટર પછી તેણે થોડા મહિના પહેલાં પોતાનું ઠેકાણું બદલી નાખ્યું અને ગારિયાબંદ-ઓડિશા બોર્ડર પર ગયો હતો. તે નક્સલવાદી સંગઠનમાં ફ્રન્ટલાઈન લીડર હતો. તેને આર્મીના જવાનોએ એન્કાઉન્ટરમાં ઢાળી દીધો છે. શું છે નક્સલવાદ?
1967ની વાત છે. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓ સત્તામાં હતા અને ખેડૂત આંદોલન ચરમીસમાએ હતું. આનાથી ડરીને જમીનદારોએ ભાડુઆત ખેડૂતોને તેમની જમીનમાંથી કાઢી મૂકવાનું શરૂ કર્યું. આ ખેડૂતોમાંથી એક ખેડૂત હતો બિગુલ. તેણે તેની તરફેણમાં કેસ જીતી લીધો. પણ દબંગ જમીનદાર ઈશ્વર તિરકીએ કબજો આપવાનો ઈન્કાર કર્યો. આ પછી માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનિક નેતાઓએ ખેડૂતોનું હથિયારો સાથેનું ગ્રુપ બનાવ્યું. હથિયારધારી ખેડૂતોએ પોતાની જમીનો પર કબજો લેવાનું શરૂ કર્યું. આ હથિયારધારી ખેડૂતોનું નેતૃત્વ ચારુ મજુમદાર અને કનુ સાન્યાલ કરતા હતા. ચારૂને નક્સલવાદનો જનક અને કનુને પહેલો નક્સલવાદી માનવામાં આવે છે. બંનેએ પોતાના આંદોલનમાં 6 ફૂટ 5 ઈંચના આદિવાસી માણસ જંગલ સંથાલને પોતાના સંગઠનમાં જોડ્યો. સંથાલે જમીનદાર નાગેન્દ્ર રાયનું માથું કાપી નાખ્યું. અહીંથી ઘાતક આંદોલન શરૂ થયું. આ બધું ઉત્તર બંગાળના નક્સલબાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ રહ્યું હતું. નક્સલબાડી વિદ્રોહના કારણે આ આંદોલનને નામ આપવામાં આવ્યું- નક્સલવાદ. ચારુ અને કનુ બંને નક્સલી નેતાઓ ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગને પોતાનો આદર્શ માનતા હતા. એટલે જ નક્સલવાદને ‘માઓવાદ’ પણ કહેવામાં આવે છે. છેલ્લે,
છત્તીસગઢ રાજ્ય અલગ પડી ગયા પછી હવે મધ્યપ્રદેશમાં માત્ર ત્રણ નક્સલી બચ્યા છે. 50 વર્ષનો દીપક સુધાકર, 38 વર્ષની સંગીતા પંદ્રે અને 60 વર્ષનો રામસિંહ સંપ્પતને શોધવા 7500 જવાનો પેટ્રોલિંગ કરે છે. આ ત્રણ પાછળ વર્ષે 70 કરોડનો જંગી ખર્ચો થાય છે. હવે વિચારો, દેશની અંદરનો જ આતંકવાદ દેશને કેટલો મોટો આર્થિક ફટકો આપે છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments