સાસુના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર વહુએ ફોન કરતા ગઠિયાએ ગેસ બિલ ભરાયું છે, પરંતું સિસ્ટમમાં અપડેટ નથી થયું તેમ કહી વડોદરા ગેસ લીમીટેડની એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ વહુના ખાતામાંથી રૂા.1.49 લાખ ઉપાડી લેનારા ગઠિયા સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. માંજલપુરની સરસ્વતી સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રિયંકા હિતેશ પવારના સાસુ રોહિણીબેનના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં શું લખ્યું છે તે જાણવા રોહિણીબેને પોતાની વહુને કહેવા જણાવ્યું છે. પ્રિયંકાબેને જે નંબર પરથી મેસેજ આવ્યો હતો તેમાં ફોન કરતા સામેથી જણાવ્યું હતું કે, તમે જે ગેસ બીલ ભર્યું તે સિસ્ટમાં દેખાતું નથી. વીજીએલ એપ ડાઉનલોડ કરો. પ્રિયંકાબેને મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની કોશીષ કરી પરંતું તે એપ ડાઉનલોડ થઈ ન હતી, જેથી તેમને ઓફિસના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી બીજી બાજુ ફોન ચાલુ રાખ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પહેલા રૂા.200 ટ્રાન્સફર કરાવ્યા હતાં. મહિલાએ ફોન મુકી વીજીએલમાં તપાસ કરતા રૂા.200 કપાઈ ગયાનું જાણવા મળ્યું હતું. પોણા કલાક બાદ પ્રિયંકાબેનના મોબાઈલમાંથી રૂા.1.49 લાખ ખાતામાંથી ઉપડી ગયા હોવાનો મસેજ આવ્યો હતો. તેમણે અજાણ્યા નંબર પર ફોન કરતા સ્વિચ હતો. તેમણે 1930 પર ફોન કરી અરજી આપ્યા બાદ માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્વરિત ફરિયાદ કરતાં વધુ 32 હજાર ઠગાતાં બચ્યાં
પ્રિયંકા પવારે ફરિયાદમાં જણાવ્યું કે, આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી રૂા.50 હજાર અને રૂા.99,801 મળી રૂા.1.49 લાખ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. મને ખબર પડી ગઈ હતી કે, ઓનલાઈન ફ્રોડ થયું છે. તાત્કાલીક પોતાનું એકાઉન્ટ બંધ કરાવ્યું હતું. રૂા.32,581નો મેસેજ આવ્યો પરંતું મહિલાએ સાયબર ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી હોવાથી એકાઉન્ટમાંથી રૂપીયા કપાયા ન હતાં. ગેસ કંપની દ્વારા પણ એડવાઈઝરી બહાર પાડી હતી
શહેરમાં પાઈપલાઈન ગેસ પુરો પાડતી વડોદરા ગેસ લીમીટેડ કંપની દ્વારા વીજીએલની એપ મારફતે છેતરપીંડીના બનાવો ધ્યાને આવતા એક એડવાઈઝરી બહાર પાડી હતી. જેમાં વીજીએલ દ્વારા કોઈને પણ ગ્રાહકોને કોલ અથવા મેસેજ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ પ્રકારના કોઈ પણ કોલ કે મેસેજને ન ગણકારવા માટે એડવાઈઝરીમાં જણાવ્યું હતું.