ગુજરાતમાં ઠંડીથી આંશિક રાહત મળ્યાં બાદ ફરી એક વખત તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓનું તાપમાન બે ડિગ્રી જેટલું ઘટતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુપણ આગામી 2થી 3 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. ભરશિયાળે ઉનાળાના અનુભવ બાદ હવે ફરી ગુજરાતવાસીઓને ગુલાબી ઠંડીથી ઠરશે. આ સાથે જ આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 24 કલાકમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોનું જોર વધશે
હાલમાં રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પુર્વના પવનો ફુંકાઇ રહ્યાં છે. આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થશે. જેની અસરોથી અમદાવાદમાં ઠંડીનો પારો ફરીથી 2થી 3 ડિગ્રી ગગડશે, જેને કારણે શહેરમાં રાત્રિનું તાપમાન ગગડતાં રાત્રે ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે કરી છે. છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદમાં ગરમીનો પારો 32 ડિગ્રી અને લઘુતમ તાપાન 17.0 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જેને કારણે શહેરમાં ભરશિયાળે લોકોએ ઉનાળાની ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ, મંગળવારથી ઉત્તરથી ઉત્તર-પુર્વના પવનો શરૂ થતાં મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડ્યું હતું. જો કે, આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટશે અને પવનની દિશા બદલાઇને ફરીથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનોનું જોર વધશે, જેની અસરોથી શહેરના રાત્રિના તાપમાનમાં બેથી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 24 કલાકમાં તાપમાન એકથી બે ડિગ્રી ઘટ્યું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. અમદાવાદમાં પણ 24 કલાકમાં એક ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુત્તમ તાપમાન ઘટીને ગતરાત્રિ દરમિયાન 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયું હતું. રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં
ઉલ્લેખનીય છે કે, નલિયા કે જ્યાં રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે, ત્યાં પણ ગતરોજ 11 ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન નોંધાવ્યું હતું. પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાય ને ગતરાત્રી દરમિયાન 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન રહ્યું હતું.