ગૌરવંતી ગુજરાતની વિરાસત અને વિકાસની ઝાંખી કરાવતું ગુજરાતનું ટેબ્લો 76માં પ્રજાસત્તાક પર્વ પર સૌની આંખે વળગશે, જેમાં વડનગરના સોલંકીકાળના કીર્તિ તોરણથી લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે આત્મનિર્ભરતાનાં એક-એક મજબૂત પાસાંને ઉજાગર કરવામાં આવ્યાં છે. ગુજરાતની ઝાંખીના આગળના ભાગમાં વડનગરમાં સ્થિત સાંસ્કૃતિક પ્રવેશદ્વાર કીર્તિ તોરણ છે અને અંતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે. ટેબ્લોના પાછળના ભાગમાં ભારતીય વાયુસેનાના C-295 એરક્રાફ્ટનું એક યુનિટ છે, જે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા વડોદરામાં બનાવવામાં આવી રહ્યું છે. આની નીચેના ભાગમાં અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પાસે અટલબ્રિજ’ છે. આ પછી દર્શાવેલાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને વિવિધ સંબંધિત ઉપકરણો ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનક્ષેત્રની વિશાળ રોકાણ સાથેની સફળતા દર્શાવે છે અને એની નીચે ગુજરાતનો ઓટો અને મશીનરી ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે, ઓટોમોબાઈલ-ઉત્પાદન કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. આ વર્ષે પરેડમાં 16 ઝાંખી મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થશે, જેમાં “સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત આ ઝાંખી ગુજરાતના વિકાસની સુવાસ ફેલાવશે.