ગીર સોમનાથ જિલ્લાના એક દુષ્કર્મ કેસના આરોપીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગીર સોમનાથ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદથી પકડ્યો હતો. પરત ફરતી વખતે કેશોદ હાઈવે નજીક એક હોટલના બાથરૂમમાં લઘુશંકા માટે લઈ જવાયો ત્યારે આરોપીએ ત્યાં રાખેલા એસિડથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના હાથમાંથી એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કર્યો, એ દરમિયાન એક પોલીસકર્મી પણ ચહેરાના ભાગે દાઝ્યો હતો. આરોપીને ગંભીર હાલતમાં જૂનાગઢથી રાજકોટ ખસેડાયો છે. પહેલા કેશોદ, ત્યાર બાદ જૂનાગઢ લવાયો હતો
આરોપીને તાત્કાલિક કેશોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. તેની તબિયત વધુ લથડતાં હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી સામે બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામના 29 વર્ષીય અમાર ઉર્ફે અમર હાજીબાઈ જીકાણી વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. આરોપીએ પોતાની ઓળખ ‘ધવલ’ તરીકે આપી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પીડિતા પર વેરાવળ અને અમદાવાદની હોટલોમાં દુષ્કર્મ
આરોપી સામેની ફરિયાદ મુજબ, તેણે યુવતીને ફોન પર હેરાન કરી, આત્મહત્યાની ધમકી આપી હતી. 4 ઓક્ટોબર 2023ના રોજ વેરાવળની એક હોટલમાં અને ત્યાર બાદ અમદાવાદની વિવિધ હોટલોમાં લગ્નનું આશ્વાસન આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીએ લગ્નની વાત કરતાં આરોપીનો અસલી ચહેરો સામે આવ્યો હતો, જેથી પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.