થરાદ તાલુકાના ગડશિસર વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ કેનાલમાં તરતા મૃતદેહની જાણ થરાદ ફાયર વિભાગને કરતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. એક અનુમાન મુજબ બાળકના મૃતદેહને જોતાં લાગી રહ્યું છે કે હોસ્પિટલમાં જન્મ બાદ તેને ફેંકી દીધું હોય. ઉલ્લેખનીય છે કે 14 દિવસમાં આ ત્રીજી ઘટના છે. આ પહેલાં 9 અને 18 જાન્યુઆરીના રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી માનવતાને લજવતી આવી જ ઘટના સામે આવી હતી. નર્મદા કેનાલમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો
મળતી માહિતી મુજબ, થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક નવજાત શિશુનો મૃતદેહ તરી રહ્યો હતો, જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ ફાયર ટીમને જાણ કરી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી નવજાત શિશુના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. થરાદ પોલીસને જાણ કર્યા બાદ નવજાત શિશુના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે લોકોમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. હોસ્પિટલમાં જન્મ બાદ ફેંકી દીધું હોવાની આશંકા
ઉલ્લેખનીય છે કે કેનાલમાં મળી આવેલા શિશુના મૃતદેહ પર હોસ્પિટલમાં જન્મ થયો હોય એવી ગર્ભનાળની પટ્ટી હતી, જેથી એવું લાગી રહ્યું છે કે ડિલિવરી હોસ્પિટલમાં જ થઇ છે, જે પછી કોઇએ પોતાનું પાપ છુપાવવા માટે માસૂમને ત્યજ્યું હોય એવી આશંકા છે. શું નવજાત શિશુને નિર્દય માતાપિતાએ ત્યજી દીધું હતું, આ બાળક કેનાલમાં ક્યાંથી આવ્યું, એને ત્યજી દેવાનું કારણ શું? જેવા અનેક સવાલો લોકોના મનમાં ઊભા થવા લાગ્યા છે, સાથે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે એવી માગ પણ ઊઠવા પામી છે. નવજાતના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો
થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે આજે થરાદના ગડશિસર માયનોર કેનાલ, જે રાણપુર અને આત્રોલ વચ્ચે પસાર થાય છે. રાણપુર પુલ નજીક પસાર થતી આ નર્મદા કેનાલમાં નવજાત શિશુની ડેડબોડી તરતી હોવાનો કોલ અમને સવારે 6:10 મિનિટે કોઈ અજાણી વ્યક્તિએ કર્યો હતો, જેથી અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડેડબોડીને કેનાલ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. હાલ ડેડબોડીને થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ડિલિવરી થાય ત્યારે જે કોડ કલમ લગાવવામાં આવે એવી જ પટ્ટી આ બાળકના મૃતદેહ પર હતી, જેથી કહી શકાય કે આ બાળકનો જન્મ પણ હોસ્પિટલમાં જ થયો હોવો જોઇએ. નિષ્પક્ષ તપાસ માગ
આ ઘટનાને લઇ લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ થરાદ પોલીસને નિષ્પક્ષ તપાસ કરવા અને આ કૃત્ય કરનારાઓને શોધી કાઢવાની માગ કરી છે. આ ઘટના સમાજમાં કન્યા ભ્રૂણ હત્યા અને નવજાત શિશુઓની હત્યા જેવા ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે. સુરતના પાંડેસરામાં 9 દિવસમાં બે બાળભ્રૂણ મળતાં લોકોમાં રોષ
સુરતના પાંડેસરા વિસ્તારમાં 9 દિવસમાં બે ઘટના સામે આવી હતી, જેથી માનવતા લજવાઈ હતી. પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી તારીખ 18/1/2024ના એક બાળભ્રૂણ મળ્યું હતું. આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો. વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળતાં સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસના મતે આ ભ્રૂણ તાજું જન્મેલું હતું અને બેદરકારીપૂર્વક ત્યાં ફેંકવામાં આવ્યું હોવાની શંકા છે. ‘આવું કૃત્ય શરમજનક અને અમાનવીય છે’
બાળભ્રૂણને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. ‘આવું કૃત્ય શરમજનક છે, નિર્દોષ બાળભ્રૂણને આ રીતે ફેંકી દેવું અમાનવીય છે, એમ એક રહેવાસીએ જણાવ્યું હતું. ઘટનાની ગંભીરતાને લઇ પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. બાળકના ભ્રૂણને અહીં કોણ ફેંકી ગયું એ શોધવા માટે સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં તેમજ નજીકના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. 16 વર્ષીય કિશોરીએ ત્યજી દીધેલું ભ્રૂણ કચરાના ઢગલામાંથી મળ્યું
તો અન્ય એક ઘટનામાં સુરત શહેરના જ પાંડેસરા વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ 16 વર્ષીય કિશોરીએ ત્યજી દીધેલું ભ્રૂણ કચરાના ઢગલામાંથી મળ્યું હતું, પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. કિશોરી ઈન્સ્ટાગ્રામથી મજૂરીકામ કરનાર કિશોરના સંપર્કમાં આવી હતી અને તેની સાથેના પ્રેમસંબંધમાં તે ગર્ભવતી બની હતી, જોકે કિશોરી ગર્ભવતી થઈ એ દરમિયાન કિશોર મુંબઈ ચાલ્યો ગયો હતો, જેથી કિશોરીએ ગર્ભપાતની દવા લીધી હતી. ત્યાર બાદ ભ્રૂણ કચરામાં ફેંકી દીધું હતું.