કોર્પોરેશનની પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા સુરત શહેરમાં લાગુ થઈ ગઈ છે. ગઈકાલે સાંજે સુરત શહેર મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાઓ અને વિપક્ષ નેતાએ પોતાની ગાડી જમા કરાવી દીધી હતી. આ વચ્ચે આજે (23 જાન્યુઆરી) શાસક પક્ષના એક મહિલા નેતા પાલિકાએ ફાળવેલી ગાડી લઈને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિમાં પહોંચતાં સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયાં હતાં. શાસક પક્ષના જ નેતાએ આચારસંહિતાનો ભંગ કરતા અન્ય સિનિયર નેતાઓએ તેમને જાહેરમાં ખખડાવ્યાં હોવાની પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. હાલ આ મામલે મહિલા નેતા સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું. શાસક પક્ષના નેતાએ ગાડી જમા ન કરાવી
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન થયા બાદ પેટા ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે સુરત શહેરમાં આચારસંહિતા અમલમાં મુકાઈ ગઈ છે. આચારસંહિતા હોવાને કારણે તમામ હોદ્દેદારોએ શાસક પક્ષના અને વિપક્ષના નિયમ મુજબ પોતાનું વ્હીકલ પણ જમા કરાવવાનું હોય છે. ગઈકાલે સાંજે સુરત શહેર મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતાએ પોતાની ગાડી જમા કરાવી દીધી હતી. પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતી નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. પણ મોટાભાગના હોદ્દેદારોએ પોતાની રીતે ગાડી જમા કરાવી દીધી હોવાથી તેઓ પોતાના ખાનગી વાહનમાં જ આવ્યા હતાં. પરંતુ શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી કાર્યક્રમમાં ગાડી લઈને પહોંચી ગયા હતા, જેના કારણે શાસક પક્ષના હોદ્દેદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સંગઠનના નેતાએ જ શાસક પક્ષના નેતાને ખખડાવ્યાની ચર્ચા
નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતી નિમિત્તે આચારસંહિતા ભંગ કરવાની ઘટના સામે આવતા સંગઠનના કેટલાક હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજર હતાં. શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠીને કોર્પોરેશનની ગાડીમાં આવેલા જોતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. કેટલાક વ્યક્તિઓએ જણાવ્યું કે, સંગઠનના મોટા હોદ્દા ઉપરના વ્યક્તિ દ્વારા શશી ત્રિપાઠીને ત્યાં જ ખખડાવી દેવામાં આવ્યા હતા. શાસક પક્ષના નેતા હોવા છતાં તમને એટલું ખબર નથી પડતી કે, આચારસંહિતામાં આ પ્રકારે સરકારી વાહનનો ઉપયોગ ના કરી શકાય. જોકે, શાસક પક્ષના નેતા માત્ર સાંભળતા રહી ગયા હતા. હવે આચારસંહિતાનો ભંગ થયો છે, ત્યારે તેમની સામે કોઈ પગલાં લેવા છે કે કેમ? તે જોવું મહત્વનું બની રહેશે.