મૃણાલ ભોજક
2019થી લઈને 2023 સુધીનાં 5 વર્ષના ગાળામાં દેશમાં 579 કરોડ કિલોગ્રામ ચાનો વપરાશ થયો. 2019માં 111 કરોડ કિગ્રાથી વધીને 2023માં 120 કરોડ કિગ્રાએ વપરાશ પહોંચી ગયો છે. ભાસ્કરે ટી બોર્ડ ઓફ ઈન્ડિયાને કરેલી આરટીઆઈમાં આ માહિતી સામે આવી છે. આરટીઆઈમાં છેલ્લાં 5 વર્ષમાં રાજ્યવાર ચાની ખપતની પણ માહિતી માંગવામાં આવી હતી પરંતુ ટી બોર્ડે જવાબ આપ્યો કે તેઓ રાજ્યવાર માહિતી એકત્ર કરતા નથી. 5 વર્ષમાં 28 હજાર કરોડ રૂપિયાની ચાની નિકાસ થઈ ટી બોર્ડ ઓફ ઈન્ડિયાએ આરટીઆઈના અનુસંધાને આપેલી માહિતી મુજબ 2019થી 2023 સુધીમાં દેશમાંથી કુલ 112 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ કરવામાં આવી જેનું મૂલ્ય 27,977 કરોડ રૂપિયા થાય છે. 2023માં 23 કરોડ કિગ્રા ચાની નિકાસ થઈ જેનું મૂલ્ય 6,161 કરોડ રૂપિયા છે. આ 5 વર્ષના ગાળામાં દેશમાં 12 કરોડ કિગ્રા ચાની આયાત કરાઈ જેનું મૂલ્ય 1,835 કરોડ રૂપિયા છે. બીડીઓ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ 2023માં દેશમાં સૌથી વધુ 13.9 કરોડ કિગ્રા ચાની ખપત મહારાષ્ટ્રમાં નોંધાઈ. બીજા નંબરે ઉત્તરપ્રદેશમાં 17.5 કરોડ કિગ્રા અને ત્રીજા ક્રમે ગુજરાતમાં 10.1 કરોડ કિગ્રા સાથે છે. ત્યારબાદ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન આવે છે જ્યાં અનુક્રમે 8.9 કરોડ કિગ્રા, 8.7 કરોડ કિગ્રા અને રાજસ્થાન 8.5 કરોડ કિગ્રાનો વપરાશ એક વર્ષમાં નોંધાયો છે. ટી બોર્ડે આ માહિતી પણ ન આપી
ભાસ્કરે કરેલી આરટીઆઈમાં ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં વેચવામાં આવતી વિવિધ કેટેગરીની ચાના એવરેજ રિટેલ ભાવની વિગતો માંગવામાં આવી હતી પરંતુ ટી બોર્ડે જણાવ્યું હતું કે તેમની પાસે આ અંગેની વિગતો નથી.