ગુજરાતમાં વિવિધ સ્થળોઅે દવા બનાવવાના અોથા હેઠળ ડ્રગ્સ બનાવતી ફેકટરીઅો ફૂલીફાલી છે. ત્યારે ગુજરાત અેટીઅેસઅે ડ્રગ્સ વેપલાને નાથવા માટે કમર કસી છે. ખંભાતની અેક દવા બનાવતી ફેકટરીમાં દરોડો પાડી ડ્રગ્સનું કૌભાંડ પકડી પાડ્યું છે. ફેકટરીના માલિક સહિત પાંચથી છ લોકોની પૂછપરછ ચાલી રહી છે. ખંભાતના લુણેજ ખાતેથી અેટીઅેસ દ્વારા મેડિસિન બનાવતી ફેકટરીમાં દરોડો પાડીને ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ ફેકટરીમાં ઘેનની ગોળીઅો બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું હતું. તેમજ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જાણ થતાં અેટીઅેસ દ્વારા આ ફેકટરી પર દરોડો પાડાવામાં આવ્યો હતો. ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સના આ જથ્થાની મોડી રાત સુધી ગણતરી ચાલુ હતી. આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે, જેને પગલે ઉત્તર ભારતમાં પણ તપાસ ચાલુ છે. ખંભાતની ફેકટરીમાં તૈયાર થતું આ ડ્રગ્સ કઈ જગ્યાઅે અને કોને સપ્લાય કરવાનું હતું, તેની અેટીઅેસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. અગાઉ પણ દક્ષિણ ગુજરાતની અેક ફેકટરીમાં ડ્રગ્સ પકડાયું હતું. ફેકટરીમાં તૈયાર થતો ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સપ્લાય થતો હોવાનો પર્દાફાશ થયો હતો.