back to top
HomeભારતEDITOR'S VIEW: 'રેવડી'ની રાજરમત:મત માટે મોદી-રાહુલ પણ કેજરીવાલની લાઇન પર, દિલ્હીની ચૂંટણીમાં...

EDITOR’S VIEW: ‘રેવડી’ની રાજરમત:મત માટે મોદી-રાહુલ પણ કેજરીવાલની લાઇન પર, દિલ્હીની ચૂંટણીમાં બેડ ઇકોનોમિક્સ અને ગુડ પોલિટિક્સનો જબ્બર ખેલ

દિલ્હીની ચૂંટણી અત્યારે એના ‘રેવડીકલ્ચર’ના કારણે ચર્ચામાં છે. દિલ્હીમાં પહેલીવાર જ્યારે AAPની સરકાર આવી ત્યારે કેજરીવાલે જે જાહેરાતો કરી હતી એને નરેન્દ્ર મોદીએ ‘મફતની રેવડી’ ગણાવી હતી. આ વખતે આ રેવડી વેચવા માટે કેજરીવાલની પાછળ ભાજપ અને કોંગ્રેસ બંને લાઇનમાં ઊભા રહી ગયા છે. હકીકતમાં લોકોને રાહતદરે કે વિનામૂલ્યે અપાતી સુવિધા એ સરકારની જવાબદારી છે, એ ‘રેવડી’ નથી. બીજાં રાજ્યોની સામે દિલ્હીવાસીઓ નસીબદાર છે કે આટલી સુવિધાઓ આપવા રાજકીય પક્ષો તૈયાર છે. વિશ્વના બીજા દેશોમાં તો સરકાર અલગ અલગ સુવિધા આપે જ છે, ત્યાં નવી વાત નથી. ત્યાં આને ‘રેવડી’ નહીં, પણ સોશિયલ વેલ્ફેર કહેવાય છે. નમસ્કાર, બેડ ઇકોનોમિક્સ ઇઝ ગુડ પોલિટિક્સ, આપણે ત્યાં એવું છે, પણ બીજા દેશો સમૃદ્ધ એટલા માટે છે, કારણ કે ત્યાંનું ઇકોનોમિક્સ પોલિટિક્સથી બહુ દૂર છે. બ્રિટન અને કેનેડામાં કોઈપણ બાળકને એજ્યુકેશન ફ્રી છે, હેલ્થકેર પણ ફ્રી છે. એમાંય સિનિયર સિટિઝન એકલા રહેતા હોય તો તેમણે ચિંતા કરવાની જરૂર જ નથી. એવું જ અમેરિકામાં છે અને બીજા દેશોમાં છે. ભારતમાં લોકો માટે સુવિધાની વાત ત્યારે જ થાય છે જ્યારે ચૂંટણી આવે છે! પહેલા એ જાણી લઈએ, કયા પક્ષે કઈ-કઈ જાહેરાતો કરી.
AAPએ કરેલી જાહેરાતો ભાજપે કરેલી જાહેરાતો કોંગ્રેસે કરેલી જાહેરાતો મિડલ ક્લાસ તો સરકાર માટે ATM છે : કેજરીવાલ
દિલ્હીમાં ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે એમ એમ ગરમાવો વધતો જાય છે. ભાજપ કેજરીવાલ પર પ્રહાર કરે છે, કેજરીવાલ ભાજપ પર પ્રહાર કરે છે. કોંગ્રેસે બંને પર પ્રહાર કર્યા કરે છે. હમણાં કેજરીવાલે મિડલ ક્લાસની વાત કરીને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. એક પ્રેસ-કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મિડલ ક્લાસ ફક્ત સરકારનું એટીએમ બની ગયો છે. દેશમાં મિડલ ક્લાસ ‘ટેક્સ ટેરરિઝમ’નો ભોગ બની રહ્યો છે. કેજરીવાલ જાણે છે કે મધ્યમવર્ગ ભાજપની વોટબેન્ક છે, એટલે તેમને ઉશ્કેરવાનું કામ કેજરીવાલે કર્યું. દેશના મિડલ ક્લાસને ઘર, બાળકો માટે સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય જોઈએ છે. આ બધી જરૂરિયાતો પૂરી કરવા માટે મિડલ ક્લાસની વ્યક્તિ આખી જિંદગી સખત મહેનત કરે છે. તેમને ફક્ત એવી આશા હોય છે કે તેમને સરકાર તરફથી થોડી મદદ મળશે, પરંતુ મોટા ભાગની સરકારો તેમના માટે સારી સ્કૂલ બનાવી શકતી નથી કે ન તો તેમને રોજગાર કે સુરક્ષા પૂરી પાડી શકે છે. દેશમાં આ વર્ગ સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરે છે. જો કોઈ મિડલ ક્લાસનો પરિવાર વર્ષે 10-12 લાખ રૂપિયા કમાય છે તો તેણે ઇન્કમટેક્સ, GST, ટોલટેક્સ, સેલ્સટેક્સ, પ્રોપર્ટીટેક્સના નામે પોતાની આવકના 50 ટકાથી તો વધુ ટેક્સ ચૂકવવો પડે છે. આ સમસ્યાઓના કારણે આજે ઘણા લોકો દેશ છોડી રહ્યા છે. 2020માં 85 હજાર ભારતીયો દેશ છોડીને વિદેશ ગયા. 2023માં આ આંકડો 3 ગણો વધારે હતો. દેશ માટે આ ચિંતાનો વિષય છે. કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ 7 માગણી મૂકી છે, જેથી મધ્યમવર્ગને રાહત મળી શકે. કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ આ 7 માગણી મૂકી હતી… ભારત સરકાર ધારે તો શું કરી શકે?
કેન્દ્ર સરકાર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલે છે. સરકાર ધારે તો માત્ર દિલ્હીવાસીઓ માટે નહીં, પણ ગરીબો માટે, જરૂરિયાતમંદો માટે 500 રૂપિયામાં ગેસ-સિલિન્ડર આપી શકે. ગરીબોને વીજળીમાં રાહત આપી શકે. આ વાત દિલ્હી પૂરતી સીમિત રહી ગઈ છે. હકીકતમાં દરેક રાજ્યને સરકારની સહાય અને રાહત મેળવવાનો અધિકાર છે. કેન્દ્ર સરકારે તો હવે વિદેશ જનારા સ્ટુડન્ટ્સની ફી માટે અને રૂપિયા ટ્રાન્સફર કરવા પર પણ 7 ટકા ટેક્સ લાદી દીધો છે. દર વર્ષે ગુજરાત, પંજાબ, તેલંગાણા અને કર્ણાટક આ ચાર રાજ્યના હજારો વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે. દરેકની ફી અલગ અલગ હોય છે. અમેરિકાની ફી તોતિંગ હોય છે. હવે વિચારો… આ તમામ બાળકોની ફી પર કે વિદેશમાં પૈસા ટ્રાન્સફર કરો એના પર સરકાર 7 ટકા ટેક્સ વસૂલે છે. આ રકમ પણ કરોડોમાં થાય છે. દરેક જગ્યાએ ટેક્સ, એ પણ તોતિંગ ટેક્સ અને એની તોતિંગ આવકથી સરકાર દરેક રાજ્યમાં સારીએવી સુવિધા આપી શકે. દુનિયાના ઘણા દેશો એવા છે, જ્યાં ભારતની સાપેક્ષમાં ઓછો ટેક્સ વસૂલાય છે છતાં ત્યાં લોકો માટે સુવિધામાં કચાશ નથી રખાતી. ઘણા દેશો તેની કુલ GDPના અમુક ટકા રકમ તો સોશિયલ વેલ્ફેર માટે અલગ રાખે છે. આવા દેશોની વાત કરીએ આ દેશ જેટલા ટકા રકમ સોશિયલ વેલ્ફેર માટે અલગ ફાળવે છે એની ટકાવારી અહીં જુઓ… GDPની સામે સોશિયલ વેલ્ફેરમાં ફંડ ફાળવતો દેશ
ફ્રાન્સ : 31.0%
ફિનલેન્ડ : 29.1%
બેલ્જિયમ : 28.9%
ઈટાલી : 28.2%
જર્મની : 25.9%
સ્પેન : 24.7%
જાપાન : 22.3%
યુકે : 20.6%
અમેરિકા : 18.7%
કેનેડા : 18.0%
તુર્કી : 12.0%
ભારત : 7.8% ભારત સરકારને ટેક્સમાંથી 2024માં કેટલી આવક થઈ?
GST – 20.18 લાખ કરોડ
ઇન્કમટેક્સ કલેક્શન – 12.01 લાખ કરોડ
કોર્પોરેટ ટેક્સ કલેક્શન – 9.11 લાખ કરોડ
પેટ્રોલ-ડીઝલ એક્સાઇઝ ડ્યૂટી – 2.73 લાખ કરોડ
ટોલ ટેક્સ કલેક્શન – 65 હજાર કરોડ ભારતના લોકોને શું જોઈએ છે, શું મળે છે?
આપણે ત્યાં ફોરલેન કે સિક્સલેન રસ્તા બને, ફ્લાયઓવર બને એને વિકાસમાં ખપાવી દેવાય છે, પણ લોકોની પાયાની જરૂરિયાત શું છે? મિડલ ક્લાસ માટે બે છેડા ભેગા કરવા કેટલા મુશ્કેલ છે, એ સરકારે વિચારવું જોઈએ. બીજા દેશોની સરખામણી કરીએ તો ભારતમાં રિચ ક્લાસને બાજુએ મૂકીએ, પણ મિડલ ક્લાસ મજબૂરીમાં જ જીવી રહ્યો છે. આપણને કાંઈ થશે તો સિવિલ હોસ્પિટલમાં નહીં જઈએ, પ્રાઈવેટ હોસ્પિટલમાં જશું, કેમ? આપણા બાળકને સરકારી સ્કૂલમાં નહીં મોકલીએ, પ્રાઈવેટ સ્કૂલમાં મોકલીશું, કેમ? કારણ કે ભારતમાં પેરેલલ બે કલ્ચર ઊભાં થયાં છે. સરકારે સ્કૂલ બનાવી, હોસ્પિટલો બનાવી, પણ સર્વિસના નામે એકડામાંથી શૂન્યનું જ સર્જન કર્યું. લોકોને સરકારી કરતાં પ્રાઈવેટ પર વધારે ભરોસો છે, એટલે મિડલ ક્લાસ પૈસામાં ખેંચાઈ જાય છે. સરકારી સ્કૂલમાં મફત શિક્ષણ મળે છે છતાં બાળકને ત્યાં નહીં મૂકે, 15 હજાર ભરીને પ્રાઈવેટ સ્કૂલમાં જ મૂકશે. સરકારી સિવિલ હોસ્પિટલમાં સુવિધા એ જ છે, પણ લોકોને વિશ્વાસ પ્રાઈવેટ હોસ્પિટલ પર વધારે છે. આવું એટલા માટે થાય છે કે લોકોને જે જોઈએ છે એ પ્રાઇવેટમાં મળે છે. દિલ્હીમાં બધા રેવડી રેવડી કરે છે, પણ બીજા દેશો તો મફત સુવિધા આપે જ છે
લોકજીવન સરળ બનાવવા પ્રયાસ : દુનિયાના ઘણા દેશોમાં નાગરિકોની સુવિધા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા યુરોપિયન દેશોમાં મફત આરોગ્ય, શિક્ષણથી લઈને મુસાફરી સુધીની સુવિધા છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન સહિતની ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેથી નાગરિકોના જીવન પરનું દબાણ ઓછું કરી શકાય. ખાસ કરીને યુરોપના સ્કેન્ડિનેવિયન દેશોમાં, જેમ કે નોર્વે, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડમાં લોકોનું જીવન સરળ બનાવવા માટે સરકાર ભરપૂર પ્રયાસ કરે છે. મફત શિક્ષણ : તાજેતરમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને મોટો વિવાદ થયો હતો. આનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો. આ સમયગાળા દરમિયાન મફત શિક્ષણ પ્રણાલી અંગે વિવિધ દેશોમાં ઘણી ચર્ચા શરૂ થઈ. જો આપણે ગ્લોબલી જોઈએ તો સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, ડેનમાર્ક અને જર્મની જેવા ઘણા દેશો છે, જ્યાં હાયર એજ્યુકેશનનો ખર્ચ લગભગ નહિવત્ છે. ચેક રિપબ્લિક, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને ગ્રીસ જેવા દેશોમાં સરકારી યુનિવર્સિટીઓમાં હાયર એજ્યુકેશન મફત છે. યુરોપિયન સ્કેન્ડિનેવિયન દેશોમાં શિક્ષણ સંપૂર્ણ મફત છે. અહીં સરકાર કેજીથી હાયર એજ્યુકેશન સુધીનો ખર્ચ ઉઠાવે છે. નાગરિકો અને બહારથી આવીને વસેલા લોકો બંને માટે કોઈ સ્કૂલ કે કોલેજની ફી નથી. અહીંની સ્કૂલ અને કોલેજો જુઓ તો લાગે કે આ ઈન્ટરનેશનલ લેવલની છે. આરોગ્ય સેવા : 2017માં ઇન્ડિયા ટુડે મેગેઝિનમાં એક રિપોર્ટ છપાયો હતો. એમાં લખ્યું હતું કે ભારત એવા દેશોની યાદીમાં છે, જે આરોગ્ય સેવાઓ પર સૌથી ઓછો ખર્ચ કરે છે. આરોગ્ય સેવાઓની સુલભતાના સંદર્ભમાં ભારત 195 દેશમાંથી 154મા ક્રમે છે. ભારતમાં સ્થિતિ બાંગ્લાદેશ, નેપાળ, ઘાના અને લાઇબેરિયા કરતાં પણ ખરાબ છે. જો આપણે મફત આરોગ્ય સેવાઓ વિશે વાત કરીએ તો વિશ્વમાં ઘણા દેશો એવા છે, જે તેમના નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. ક્યુબામાં ફિડેલ કાસ્ટ્રોએ શરૂ કરાયેલી મફત આરોગ્ય સેવાઓની વિશ્વમાં પ્રશંસા થાય છે. વિશ્વમાં વિકસિતથી વિકાસશીલ સુધીના ઘણા દેશો છે, જે તેમના નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. ઇઝરાયલ અને જાપાન જેવા દેશોમાં નાગરિકો માટે આરોગ્ય સેવાઓ સંપૂર્ણ મફત છે. જો આપણે યુરોપની વાત કરીએ તો ઉપખંડના લગભગ તમામ દેશોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ કાં તો મફત છે અથવા નાગરિકોનો સંપૂર્ણ વીમો છે. સંપૂર્ણ મફત આરોગ્ય સંભાળ ધરાવતા દેશોમાં ઓસ્ટ્રિયા, બેલારુસ, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વીડનનો સમાવેશ થાય છે. બસ-મેટ્રોમાં મફત મુસાફરી : ઘણા દેશોમાં સરકારી પરિવહનમાં મફત મુસાફરી કરી શકાય છે. 2021માં યુરોપિયન દેશ લક્ઝમબર્ગ પહેલો એવો દેશ બન્યો, જે તમામ ટ્રાન્સપોર્ટેશન મફત કરાવે છે. બેલ્જિયમના હેસેલ્ટ શહેરમાં તો 1997થી નાગરિકો માટે મફત ટ્રાન્સપોર્ટ સેવાઓ ચાલી રહી છે.
પેન્શન યોજના : નાગરિકોનું જીવન સરળ બનાવવા માટે યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં પેન્શન યોજના અને બીજી ઘણી યોજના ચાલી રહી છે. બેરોજગાર યુવાનોને સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ માટે યુરોપમાં બેરોજગારી સહાય મળે છે. સ્કેન્ડિનેવિયા દેશ સ્વીડનમાં તો કોઈ વિદેશી વ્યક્તિ 5 વર્ષ સુધી સતત કામ કરે છે તો તેના માટે પણ પેન્શનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે સુવિધાઓ : બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, લાતવિયા, લક્ઝમબર્ગ અને સ્વીડન. આ 6 દેશ એવા છે, જ્યાં મહિલાઓ માટેની વિશેષ સુવિધાઓ છે. ભારતની વાત કરીએ તો અહીં મહિલા મોટી વોટબેંક છે એટલે એના કારણે સરકારો ઘણીવાર મહિલાઓ માટે અલગ યોજના બનાવે છે, પણ આ દેશોમાં મહિલાઓ માટે જે સુવિધા આપવામાં આવે છે એ બેજોડ છે. આ દેશોમાં ગર્ભપાત કાયદા અલગ છે. મહિલાઓને જોબ સેફ્ટી વધારે છે. પેન્શન સારું છે. સંસદમાં સીટો પણ વધારે છે. ભારતની જેમ મહિને ચપટીક સહાય જાહેર કરીને આ દેશો સંતોષ નથી માની લેતા. છેલ્લે,
કેજરીવાલે એક સભામાં કહ્યું હતું કે રાવણ સોનાનું હરણ બનીને આવ્યો હતો. આ નિવેદન પર ભાજપ ભડક્યો હતો. ભાજપે કહ્યું, રાવણ સોનાનું હરણ નહોતો બન્યો, પણ તેનો મામા મારિચ સોનાનું હરણ બન્યો હતો. ભડકેલા ભાજપના લોકો ઉપવાસ પર ઊતરી ગયા. તેના વળતા પ્રહારમાં કેજરીવાલે કહ્યું, ભાજપના લોકોને રાવણથી આટલો બધો પ્રેમ કેમ છે? AAP અને ભાજપ વચ્ચે સોનાના હરણનો વિવાદ અત્યારે ભલે ચમકી રહ્યો છે, પણ દિલ્હીના લોકોને કોની ‘સોનેરી રેવડી’ લલચાવી શકે છે એ 15 દિવસ પછી ખબર પડી જશે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments