રાજ્યમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ આજથી (24 જાન્યુઆરી) ફરી ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી પવનો ફૂંકાતાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી 10થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં ટૂ-વ્હીલર પર નીકળેલા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. ઠંડા પવનની સાથે રાજ્યમાં આજથી ઠંડીનું જોર પણ વધ્યું છે. રાજસ્થાન પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે તો બપોરના સમયે ગરમી અનુભવાય રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતની આસપાસ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં રાજસ્થાન પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, જેને કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર તથા ઉત્તર પૂર્વની થઈ હતી, તેથી ઠંડીનું જોર સાંજે અને સવારે વર્તાઈ રહ્યું છે. કોલ્ડપ્લેના ચાહકો કોન્સર્ટની મજા માણી શકશે
ઉલ્લેખનીય છે કે, 25 અને 26 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં વિશ્વપ્રસિદ્ધ કોલ્ડપ્લે બેન્ડના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશના વિવિધ રાજ્યમાંથી અને વિદેશથી પણ અનેક કોલ્ડપ્લે બેન્ડના ચાહકો અમદાવાદ આવનાર છે. આ બે દિવસ દરમિયાન અમદાવાદ શહેરના વાતાવરણની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન 12થી 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. તો સાંજના સમયે જ્યારે કોન્સર્ટ યોજાશે, ત્યારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 15થી 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આ સાથે રાતના 10 વાગ્યા બાદ તેમાં ધીમે ધીમે ઘટાડો આવતા ઠંડીનો અનુભવ થશે. પવનની ગતિ પણ સામાન્ય રહેશે અને ઝાકળની કોઈ સંભાવના તે સમયગાળા દરમિયાન રહેલી નથી, તેથી કોન્સર્ટની મજા માણવા આવતા ચાહકોને આંશિક ઠંડીનો અનુભવ રહેશે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાનમાં ઉતારચઢાવ જોવા મળ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત તાપમાન ઘટતું જઈ રહ્યું છે, જેને કારણે ઠંડીનો અનુભવ વધુ પ્રમાણમાં સૌરાષ્ટ્ર-કચ્છ વાસીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત્ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય રાજ્યના કોઈ શહેરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું રહ્યું ન હતું. અમદાવાદમાં પારો ફરી નીચે ગગડશે
રાજ્યના ચાર મહાનગરોમાં પણ તાપમાન યથાવત્ રહ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાયો હતો. પરંતુ આગામી 24 કલાકમાં ફરી એક વખત તાપમાનમાં ઘટાડાની સંભાવના છે. ગત રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.