બ્રિટનમાં કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ના સ્ક્રીનિંગ દરમિયાન ખાલિસ્તાનીઓના સિનેમાઘરમાં પ્રવેશ અને વિરોધનો મુદ્દો બ્રિટિશ સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને તેને બ્રિટનના લોકોના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું અને ખાલિસ્તાનીઓને ‘ગુંડા’ અને ‘આતંકવાદી’ ગણાવ્યા. એટલું જ નહીં, ગૃહના ઉપાધ્યક્ષે પણ તેમના મુદ્દાને માન્ય ગણાવી ચિંતા વ્યક્ત કરી છે. હકીકતમાં, ગયા રવિવારે બ્રિટનના કેટલાક સિનેમા હોલમાં ફિલ્મ ઈમરજન્સીના સ્ક્રીનિંગ દરમિયાન વિવાદ થયો હતો. માસ્ક પહેરેલા ખાલિસ્તાનીઓ થિયેટરમાં આવ્યા અને ખાલિસ્તાનીના નારા લગાવીને ફિલ્મનું પ્રદર્શન અટકાવી દીધું. ઘણા થિયેટરમાં બનેલી આ ઘટનાથી ગુસ્સે થઈને બ્રિટિશ સિનેમા જગતે આ ફિલ્મનું પ્રદર્શન અટકાવી દીધું હતું. જેનો વિવાદ હવે બ્રિટિશ સંસદ સુધી પહોંચી ગયો છે. જાણો બ્રિટિશ સાંસદે શું કહ્યું- બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું- ‘રવિવારે હું અને મારા કેટલાક સાથીઓ પૈસા ખર્ચીને હેરો વ્યૂ સિનેમામાં ફિલ્મ ‘ઇમર્જન્સી’ જોવા ગયા હતા. ફિલ્મ શરૂ થયાના લગભગ 30-40 મિનિટ પછી, માસ્ક પહેરેલા ખાલિસ્તાની આતંકવાદીઓ અંદર આવ્યા અને દર્શકો અને સુરક્ષા દળોને ફિલ્મનું પ્રદર્શન રોકવાની ધમકી આપવા લાગ્યા. વોલ્વરહેમ્પટન, બર્મિંગહામ, સ્લો, સ્ટેન્સ અને માન્ચેસ્ટરમાં પણ આવી જ ઘટનાઓ જોવા મળી હતી. પરિણામે થિયેટરોએ ફિલ્મનું પ્રદર્શન બંધ કરી દીધું હતું.’ ‘આ એક વિવાદાસ્પદ ફિલ્મ છે, અને હું તેની ગુણવત્તા અને વિષયવસ્તુ પર ટિપ્પણી કરીશ નહીં. પરંતુ હું મારા મતવિસ્તારના લોકો અને અન્ય લોકોના અધિકારની વાત કરી રહ્યો છું કે તેઓ ફિલ્મ જોયા પછી તેમનો અભિપ્રાય રચે. આ ફિલ્મ એ સમય પર આધારિત છે જ્યારે ઈન્દિરા ગાંધી ભારતનાં વડાંપ્રધાન હતા. જો કે, તેને શીખ વિરોધી ફિલ્મ તરીકે પણ જોવામાં આવી રહી છે.’ ‘તેમ છતાં, હું કહેવા માંગુ છું કે મારા મતવિસ્તારના લોકોને આ ફિલ્મ જોવાનો અધિકાર હોવો જોઈએ અને તેમને જાતે નિર્ણય લેવા દો. ગુંડાઓ દ્વારા ગુંડાગીરી અને લોકોના લોકતાંત્રિક અધિકારોને છિન્નભિન્ન કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.’ ‘આગામી સપ્તાહ સુધીમાં આ ફિલ્મ જોવા ઈચ્છતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. હું થિયેટરોની બહાર શાંતિપૂર્ણ વિરોધના અધિકારનું સન્માન કરું છું, પરંતુ અંદર આવીને ધમકી આપવી એ બિલકુલ ખોટું છે.’ પંજાબમાં પણ શો બંધ કરી દેવામાં આવ્યા હતા બોલિવૂડ એક્ટર અને મંડી, હિમાચલના બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી. પહેલા જ દિવસે પંજાબમાં શીખ સંગઠનો તેની સામે આવ્યા હતા. શીખ સંગઠનોના સભ્યોએ અમૃતસર, જાલંધર, લુધિયાણા, પટિયાલા અને મોહાલીમાં થિયેટરોની બહાર કાળા વાવટા સાથે વિરોધ કર્યો. રાજ્યના એકપણ થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવી ન હતી. આ ફિલ્મ PVR ગ્રુપના 70 થી 80 થિયેટરોમાં બતાવવાની હતી, પરંતુ વિરોધ બાદ આ ફિલ્મ આ થિયેટરોમાં બતાવવામાં આવી ન હતી. શિરોમમિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ ફિલ્મ પર ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ અને શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આ પછી જ શુક્રવારે શીખ સંગઠનોએ પીવીઆર સિનેમા બહાર પ્રદર્શન કર્યું હતું.