સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહીને કારણે દર્દીઓ પરેશાન થતાં હોવાના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા રહે છે, કેટલાક દિવસથી કંપારી છોડાવી દે તેવા સીન હોસ્પિટલ ચોકમાં જોવા મળે છે, ટ્રાફિકથી ધમધમતા આ ચોકને વિંધીને ઝનાના હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો લઇને જતાં જોવા મળે છે, નવજાત શિશુ અને સગર્ભાઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવા માટે ચાર ચાર રિક્ષા સરકારે ફાળવી છે પરંતુ દર્દીઓને કામ આવતી નથી. જન્મની સાથે જ બાળકોને વાહનો વચ્ચેથી લઇ જવામાં ક્યારેક કોઇ અકસ્માતમાં બાળકની જિંદગી જોખમાશે તો તેની જવાબદારી કોની?, આવી લાપરવાહી દાખવનાર સામે કાર્યવાહી થશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠ્યા છે. બુધવારે સાંજે છ વાગ્યાના અરસામાં એક મહિલા નવજાત શિશુને તેડીને સિવિલ હોસ્પિટલમાંથી ચાલીને જૂની કોર્ટ નજીક બનેલી નવી ઝનાના હોસ્પિટલે જતાં જોવા મળ્યા હતા, આ મહિલા હોસ્પિટલના જામનગર રોડ પરના ગેટથી નીકળીને રોંગ સાઇડમાં ચાલીને હોસ્પિટલ ચોક પહોંચ્યા હતા, હોસ્પિટલ ચોકમાં ટ્રાફિકજામની સ્થિતિ હતી, વાહનોના ધુમાડાના ગોટા નીકળતા હતા અને તે સાત કોઠા વિંધીને મહિલા પોતાના પરિવારના નવા સભ્યને લઇને માંડમાંડ ઝનાના હોસ્પિટલે પહોંચ્યા હતા. હોસ્પિટલ ચોક નજીક લારી ગલ્લા ધરાવતા રિક્ષા લઇને બેસતા રિક્ષાચાલકોએ કહ્યું હતું કે, આ દ્દશ્ય રૂટીન છે, દરરોજ આવું બને છે, હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, જૂની કોર્ટ નજીક બનેલી મેટરનલ અને ચાઇલ્ડ હોસ્પિટલની દસ માળની બિલ્ડિંગમાં 1 થી 5 માળમાં મેટરનલ વિભાગ છે અને 6 થી 10 માળ બાળકોનો વિભાગ છે. જ્યારે કોઇ પ્રસૂતા કે નવા જન્મેલા બાળકને સીટી સ્કેન કે એમઆરઆઇ કરાવવાનું હોય ત્યારે તેમને આ હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલમાં જવાનું રહે છે અને દરરોજ આવા પાંચેક કેસ હોય છે. ઝનાના-બાળકોની હોસ્પિટલથી સિવિલમાં જવા માટે દર્દીઓ માટે ચાર રિક્ષા ફાળવવામાં આવી છે, પરંતુ આ રિક્ષા શોભાના ગાંઠિયા બની છે, દર્દીઓને ખરા સમયે તે કામ આવતી નથી, બુધવારે સાંજે જે મહિલા બાળકને તેડીને સિવિલ પહોંચી હતી તે બાળકનું સીટી સ્કેન કે એમઆરઆઇ થયા બાદ તે મહિલા ચાલીને ઝનાના હોસ્પિટલે જવા મજબૂર બની હતી, તેની પાસે સરકારી વાહન નહોતું, મહિલા જ્યારે નવજાત બાળકને તેડીને રોંગ સાઇડમાં ચાલતી હતી તે વખતે કોઇ વાહને તેને ઉલાળ્યા હોત તો શું થાત?, જન્મની સાથે તંત્રના પાપે બાળકને ધુમાડાના પ્રદૂષણ વચ્ચેથી પસાર કરવામાં આવે છે તેના માટે જવાબદાર કોણ? એસબીઆઇ બેંક સામેનો ગેટ બંધ હોવાથી મહિલાએ બાળકને લઇને જામનગર રોડ તરફના ગેટથી નીકળવું પડયું હતું જેથી મહિલાએ રૂટીન કરતા વધુ એટલે કે અડધો કિલોમીટર સુધી ચાલવું પડ્યું હતું.