રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સૌરાષ્ટ્ર અને દિલ્હીની ટીમ વચ્ચેની રણજી મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓ રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, નવદીપ સૈની અને ચેતેશ્વર પૂજારા સામેલ હતા. જેમાં રવીન્દ્ર જાડેજાએ તરખાટ મચાવ્યો હતો. ગઈકાલે પ્રથમ ઇનિંગમાં દિલ્હીની ટીમે 188 રન બનાવ્યા હતા જેની સામે સૌરાષ્ટ્ર ટીમે 271 રન બનાવ્યા અને આજે બીજા દિવસે બીજી ઇનિંગ શરૂ થતા દિલ્હીની ટીમ માત્ર 94 રનમાં ખખડી ગઈ હતી. આ પછી સૌરાષ્ટ્રે જીત માટે માત્ર 12 રનની જરૂર હતી. ગઈકાલે 5 વિકેટ ઝડપ્યા બાદ આજે 7 વિકેટ સાથે રાજકોટમાં રવીન્દ્ર જાડેજાએ તરખાટ મચાવી કુલ 12 વિકેટ સાથે દિલ્હી સામે સૌરાષ્ટ્રને શાનદાર જીત અપાવી છે. ‘સર જાડેજા’ને શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. બીજી તરફ દિલ્હી ટીમમાંથી રિષભ પંત બે ઇનિંગમાં માત્ર 18 રન જ બનાવ્યા છે બન્ને વખત તે કેચ આઉટ થયો હતો. દિલ્હીની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 94 રનમાં જ ઓલઆઉટ
પહેલા દિવસે સવારે મહેમાન ટીમ દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્ર કેપ્ટન જયદેવ ઉનડકટે દિલ્હીના ઓપનર બેટર અર્પિત રાણાને ખાતુ ખોલ્યા વગર પેવેલીયન ભેગો કરી હોમ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ હોમ ગ્રાઉન્ડ પર લાંબા સમયે ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરતા ICC ટેસ્ટ રેન્કિંગના નંબર-1 ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાનો જલવો બતાવ્યો હતો. ગઈકાલે બાપુએ 17.4 ઓવરમાં બે મેડન સાથે 66 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અન્ય લેફ્ટ આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રિષભ પંતને માત્ર 1 રનમાં આઉટ કરી કુલ 3 વિકેટ લેતા દિલ્હીની ટીમ માત્ર 49.4 ઓવરમાં 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલી ઇનિંગમાં સૌરાષ્ટ્રએ 83 રનની લીડ લીધી
ગઈકાલે પ્રથમ દિવસના અંત સુધીમાં દિલ્લીની ટીમે પણ ચેતેશ્વર પૂજારા (6 રન) અને રવીન્દ્ર જાડેજા (38 રન)ની વિકેટ ખેરવી સૌરાષ્ટ્રનો સ્કોર 5 વિકેટના નુકસાને 163 રન બનાવ્યા હતા. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ 60 તો સૌરાષ્ટ્ર તરફથી હાર્વિક દેસાઈએ 93 રન બનાવ્યા હતા. આજે બીજા દિવસે સૌરાષ્ટ્રની ટીમ 271 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ટીમને 83 રનની લીડ મળી હતી. આજે ફરી દિલ્હીની ટીમ બેટિંગમાં પર આવતા બીજા દિવસે પણ બાપુએ તરખાટ મચાવી 12 ઓવરમાં કુલ 7 વિકેટ ઝડપી હતી અને મહેમાન દિલ્હીને પૂરા 100 રન પણ બનાવી દીધા નહોતા. દિલ્હી માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. માત્ર 19 બોલમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો
સૌરાષ્ટ્રએ મુંબઈ સામે જોરદાર પ્રદર્શન કર્યું. ટીમે પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ થતાં પહેલા 271 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્વિક દેસાઈએ 93 રન બનાવ્યા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા. અર્પિત વસાવડાએ 62 રન બનાવ્યા. આ પછી, સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં માત્ર 19 બોલમાં જ ટાર્ગેટ ચેઝ કરીને આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. બીજી ઇનિંગમાં જાડેજાએ તબાહી મચાવી
બીજી ઇનિંગમાં રવીન્દ્ર જાડેજાએ અજાયબીઓ કરી. આ ડાબોડી સ્પિનર રાજકોટની સ્પિન ફ્રેન્ડલી પિચ પર બોલિંગની શરૂઆત કરવા આવ્યો હતો. આવતાની સાથે જ તેણે બાઉન્સ પકડીને બોલિંગ શરૂ કરી. પરિણામે, દિલ્હીના બેટર્સને વિકેટ પર ટકી રહેવું મુશ્કેલ બન્યું. આ ડાબા હાથના સ્પિનરે દિલ્હીના ઓપનર સનત સાંગવાનને આઉટ કર્યો. આ પછી અર્પિત રાણા પણ જાડેજાનો શિકાર બન્યો. જોન્ટી સિદ્ધુ અને પછી રિષભ પંતને પણ જાડેજાએ આઉટ કર્યા. મયંક ગુસૈનને આઉટ કરીને તેણે પોતાની પાંચ વિકેટ પૂર્ણ કરી. આ પછી સુમિત માથુર પણ જડ્ડુનો શિકાર બન્યો. થોડી જ વારમાં, તેણે દિલ્હીના કેપ્ટન આયુષ બધોનીને આઉટ કરીને પોતાની 7મી વિકેટ પૂર્ણ કરી. જડ્ડુએ બીજી ઇનિંગમાં 12.2 ઓવરમાં 1 મેડન સાથે 38 રન આપીને 7 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાનો હાહાકાર, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 36મી વખત મેળવી 5 વિકેટ
રાજકોટમાં ગઈકાલે 5 વિકેટ મેળવ્યા બાદ આજે સતત બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ 12.2 ઓવરમાં 38 રન આપી 7 વિકેટ મેળવી છે જેમાં એક ઓવર મેડન નાખી હતી. જડ્ડુએ પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરમાં આજે 36મી વખત 5 વિકેટ મેળવી છે. રણજી ટ્રોફીમાં જાડેજાનો શાનદાર રેકોર્ડ
રવીન્દ્ર જાડેજાના રણજી ટ્રોફી રેકોર્ડની વાત કરીએ તો, જડ્ડુએ 19મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ છઠ્ઠી વખત છે જ્યારે તેણે મેચમાં કુલ 10 વિકેટ લીધી છે. જાડેજાએ 46 રણજી ટ્રોફી મેચમાં 208 વિકેટ લીધી છે. તેની બોલિંગ સરેરાશ માત્ર 21.25 છે.