back to top
HomeદુનિયાEDITOR'S VIEW: અમેરિકામાં 7.25 લાખ ગેરકાયદે ભારતીય:ટ્રમ્પ વીણી વીણીને બહાર કાઢશે, 20...

EDITOR’S VIEW: અમેરિકામાં 7.25 લાખ ગેરકાયદે ભારતીય:ટ્રમ્પ વીણી વીણીને બહાર કાઢશે, 20 હજારની ઓળખ થઈ ગઈ, મોદી સરકાર પરત લાવવા કેમ તૈયાર? સમજો A TO Z

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા એ જ દિવસે કહી દીધું કે અમેરિકામાં જેટલા લોકો ગેરકાયદે ઘૂસ્યા હશે તેમને વીણી વીણીને કાઢી મૂકીશું. ટ્રમ્પના આ એલાનથી ત્યાં રહેતા ભારતીયોને ફાળ પડી. એક ડર એ હતો કે ગેરકાયદે ઘૂસેલા છે તેને કાઢે એનો વાંધો નથી, પણ જે કાયદેસર રહે છે તેને તો કોઈ તકલીફ નહીં થાય ને? બીજો ડર એ હતો કે અમેરિકાની IT કંપનીઓમાં કે બીજી કંપનીઓમાં કામ કરવા જે સ્કિલ્ડ ભારતીયો H1B વિઝા પર અમેરિકા જાય છે એ વિઝા બંધ તો નહીં થાય ને? નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી ધડાધડ નિર્ણયો લેવા લાગ્યા છે. એમાં સૌથી મોટો નિર્ણય ઇમિગ્રન્ટ્સ માટે લીધો છે. ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર હતા ત્યારે પણ પ્રચારમાં ‘અમેરિકા ફર્સ્ટ’ની વાત કરતા હતા. તેઓ અમેરિકામાંથી ગેરકાયદે ઘૂસણખોરોને કાઢવાની વાત વારંવાર કરતા હતા. શપથના દિવસે પણ તેમણે ફરીવાર ઇમિગ્રન્ટ્સની વાત કરી. બીજા કેટલાક દેશોના ગેરકાયદે ઘૂસણખોરો અમેરિકામાં છે, પણ ભારતીય ઘૂસણખોરો અને એમાં પણ ગુજરાતીઓ વધારે છે. આવા 20,047 ગેરકાયદે ભારતીયની અમેરિકન સરકારે ઓળખ કરી લીધી છે. અમેરિકામાં કેટલા ઘૂસણખોરો છે?
2024ના પ્યૂ રિપોર્ટ મુજબ, 7.25 લાખ ભારતીયો ડોક્યુમેન્ટ વગર અમેરિકામાં રહે છે, જોકે બોર્ડર પર અમેરિકન અધિકારીઓ ચેકિંગ કરે છે તેમાંથી તો માત્ર 3 ટકા જ ઘૂસે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના રિપોર્ટ મુજબ 2022માં 2.20 લાખ ભારતીયો ગેરકાયદે અમેરિકામાં રહેતા હતા. પછીનાં બે વર્ષમાં આ આંકડો ડબલ થઈ ગયો. એમાંથી મોટા ભાગના ઇમિગ્રન્ટ ફ્લોરિડા, ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, જ્યોર્જિયા, મેરીલેન્ડ અને નોર્થ કેરોલિનામાં રહે છે. આ ગેરકાયદે ઘૂસણખોરો ગેસ સ્ટેશન, કરિયાણાની દુકાનો, મોટેલ, રેસ્ટોરાંમાં કામ કરે છે, જેના માલિકો જ મૂળ ભારતીયો છે, જેઓ અમેરિકામાં વર્ષોથી રહે છે. આ માલિકોમાંથી પણ મોટા ભાગના ‘અર્ધકાનૂની’ રૂપે રહે છે. અદાલતોમાં તેમના કેસ ચાલી રહ્યા છે. ભારત સરકાર NRI સંમેલન કરે છે, પણ ત્યાંના લોકોને આશ્વાસન કેમ નથી આપતી?
ભારત સરકારે અમેરિકામાં રહેતા લોકોને આશ્વાસન કેમ ન આપ્યું? એ પણ વિચારવા જેવો સવાલ છે. થોડા દિવસો પહેલાં ઓડિશામાં NRI સંમેલન કરવામાં આવ્યું. પ્રવાસી ભારતીય દિવસ મનાવાયો. NRI કોઈ સામાન્ય લોકો નથી. ભારતની આર્થિક પ્રગતિ માટેની કડીઓ છે. ત્યારે તો ભારતમાં આમના માટે સંમેલનો થાય છે. અમેરિકામાં 50 લાખથી વધારે ભારતીયો રહે છે. તેમાંથી મોટી સંખ્યા એની છે, જેની બે પેઢી અમેરિકામાં ઊછરી છે. કેટલાક ભારતીયો એવા છે, જે ત્યાં જન્મ્યા અને તેને તેની નાગરિકતા મળી ગઈ. 3 લાખ ભારતીય સ્ટુડન્ટ્સ અમેરિકામાં ભણે છે. 2023માં ભારતીય સ્ટુડન્ટ્સે અમેરિકાની અર્થવ્યવસ્થામાં લગભગ 12 અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું. ગયા વર્ષે અમેરિકા જનારા વિદ્યાર્થીઓની વિઝાની ફી અને ભણવાની ફી વધારી દેવાઈ. એના કારણે ભારતીયોના 1 લાખ કરોડ રૂપિયા વધારે ગયા.
2023માં ફોરેન એડમિટ્સ નામની સંસ્થાએ સર્વે કર્યો હતો. એમાં જાણવા મળ્યું કે અમેરિકામાં માસ્ટર્સની ડિગ્રી કરવા માટે એક ભારતીય સ્ટુડન્ટ સરેરાશ 40 લાખ રૂપિયાની લોન લે છે. અમેરિકાના વિકાસમાં ભારતીયોનું યોગદાન મહત્ત્વનું છે, આ વાત ટ્રમ્પ જાણે છે એટલે તેમણે માત્ર ગેરકાયદે ઘૂસણખોરોની જ વાત કરી છે. તેમણે H1B વિઝા બંધ કરવાની વાત નથી કરી. ઊલટું, ટ્રમ્પે તો એવું કહ્યું કે અમેરિકાને બહારની ટેલેન્ટની જરૂર છે. અમેરિકામાં કાયદેસર રહેતા હોય તેની સામે ટ્રમ્પને વાંધો નથી. બે હજાર ભારતીયો અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં છે
અમેરિકામાં જેટલા ભારતીયો ગેરકાયદે રહે છે તેમાંથી 2 હજાર ડિટેન્શન સેન્ટરમાં રહે છે. ડિટેન્શન સેન્ટર એટલે એક પ્રકારની શિબિર, જેમાં ગેરકાયદે લોકોની ઓળખ કરીને રાખવામાં આવે છે. આમાં 18 હજારને બંધ નથી કરાયા, કારણ કે તેમને શોધવાના બાકી છે. યુએસ એન્ડ કસ્ટમ્સ ઇમિગ્રેશન (ICE)એ ઓર્ડર આપી દીધો છે કે આ બે હજારને તો અમેરિકામાંથી હાંકી કાઢવાના જ છે, બાકીના 18 હજાર છે, તેમના માટે પણ આ વાત ચાલી રહી છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું હતું કે અમે આ વાતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ભારત સરકારે આ સમસ્યા હલ કરવી પડશે. ભારત સરકાર ગેરકાયદે ઘૂસણખોરોને પાછા લાવવા કેમ તૈયાર થઈ ગઈ?
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો વચ્ચે આ મુદ્દે લાંબી મંત્રણા થઈ હતી. એમાં ભારત સરકાર અમેરિકામાં વસવાટ કરતા ગેરકાયદે ભારતીયોને પાછા લાવવા તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં આની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સવાલ એ છે કે ભારત સરકાર ગેરકાયદે લોકોને ભારત પરત લાવવા કેમ તૈયાર થઈ ગઈ? એનાં મુખ્ય બે કારણ છે – અમેરિકામાં 10,000 લોકોને આશ્રય માટે મંજૂરી મળી, હવે કેન્સલ કરી દેવાઈ
સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, બાઈડન હતા ત્યારે વિવિધ દેશોના 10 હજાર લોકોને અમેરિકામાં આશ્રય માટે મંજૂરી આપવામાં આવી હતી અને તેમની ફ્લાઇટ ટિકિટ પણ બુક થઈ ગઈ હતી, પણ ટ્રમ્પે બાજી પલટી નાખી. હવે જેમણે ફ્લાઈટ બુક કરાવી હતી તેમને રદ કરવી પડી છે. ટ્રમ્પે શપથ વખતે કહેલું કે જે શરણાર્થીઓ છે તેમને હાલમાં અઠવાડિયું તો નહીં આવવા દેવાય. શરણાર્થી કાર્યક્રમ 27 જાન્યુઆરીએ અમેરિકન સમય મુજબ રાત્રે 12:10 વાગ્યે અમલમાં આવશે અને હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કેટલા શરણાર્થીઓ સમયમર્યાદા પહેલાં અમેરિકા પહોંચી શકશે. અમેરિકામાં કેટલા લોકો આશ્રય માગે છે? યુદ્ધ અને જુલમથી ભાગી રહેલા લાખો લોકો યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય માટે અરજી કરે છે. 1990થી 2021 વચ્ચે અમેરિકાએ 7,67,950 શરણાર્થીને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. 2021માં એક જ વર્ષમાં યુ.એસ.એ 17,692 શરણાર્થીને પ્રવેશ આપ્યો હતો. અમેરિકામાં બે પ્રકારના આશ્રય મળે છે. અમેરિકાના આશ્રય આપવાના ઇતિહાસ પર નજર કરીએ તો, એ અફર્મેટિવ આશ્રય માટે અરજી કરનારાઓને તરત આશ્રય અપાય છે, જોકે તાજેતરના દાયકાઓમાં ડિફેન્સિવ આશ્રય મેળવવા માગતા લોકોનું પ્રમાણ વધ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય માગતા મોટા ભાગના લોકો ક્યાંથી આવે છે?
યુએસ ડેટા એજન્સી usafacts.org અનુસાર, અમેરિકામાં આશ્રય માગનારા મોટા ભાગના લોકો ચીની નાગરિકો છે. 2021થી 2021 વચ્ચેના દાયકામાં 63,000 ચીની લોકોએ અમેરિકામાં આશ્રય લીધો હતો, જે અમેરિકામાં પ્રવેશતાં કુલ શરણાર્થીઓના પાંચમા ભાગથી વધુ છે. આમાંના મોટા ભાગના લોકોને ડિફેન્સિવ આશ્રય આપવામાં આવ્યો હતો, જેનો અર્થ એ થયો કે મોટા ભાગના ચીની નાગરિકોએ દેશનિકાલની કાર્યવાહી દરમિયાન આશ્રય માટે અરજી કરી ત્યારે તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય મળ્યો હતો. અમેરિકામાં આશ્રય મેળવનારા ટોપ-5 દેશોના લોકોની વાત કરીએ તો- ચીન – 27,868
વેનેઝુએલા – 20,688
ઇજિપ્ત – 14,909
ગ્વાટેમાલા – 8,976
અલ સાલ્વાડોર – 8,378 આશ્રય માટે અરજી કરનારા ભારતીયોમાંથી અડધા ગુજરાતી
છેલ્લાં ત્રણ વર્ષમાં અમેરિકામાં આશ્રય માગનારા ભારતીયોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. 2024ના નવેમ્બરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીનો એક ડેટા બહાર આવ્યો હતો, જે દર્શાવે છે કે ભારતમાંથી આશ્રય માટેની અરજીઓમાં 855 ટકાનો વધારો થયો છે. 2021માં 4,330 ભારતીયોએ યુએસમાં આશ્રય માટે અરજી કરી હતી, જ્યારે 2023માં આ સંખ્યા વધીને 41,330 થઈ ગઈ. આ અરજદારોમાંથી અડધોઅડધ ગુજરાતના છે એવું યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના રિપોર્ટમાં લખ્યું છે. અમેરિકામાં રહેતા ભારતીયોનો ડેટા જાણી લો હવે ગેરકાયદે ઘૂસણખોરી કરવાની મોડેસ ઓપરેન્ડી સમજી લઈએ…. ડોલરિયા દેશનો પ્રેમ છૂટતો નથી
પંજાબીઓ અને ગુજરાતીઓને વિદેશી ધરતી અને ખાસ કરીને અમેરિકા સ્વર્ગ લાગે છે. ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના એક વર્ષમાં ગેરકાયદે USની બોર્ડર ક્રોસ કરતી વખતે 96, 917 ભારતીય પકડાયા છે. આમાંથી કેનેડા બોર્ડર ક્રોસ કરતી વખતે પકડાઈ ગયેલાની સંખ્યા 30,010 હતી, જ્યારે મેક્સિકો બોર્ડર ક્રોસ કરનારાની સંખ્યા 41,770 હતી. એવી જ રીતે ફેબ્રુઆરી 2019થી માર્ચ 2023 વચ્ચેના સમયગાળામાં 1,49,000 ભારતીય ગેરકાયદે કેનેડામાં ઘૂસતાં પકડાયા હતા, જેમાંના મોટા ભાગના ગુજરાતી અને પંજાબી હતા. ડંકી રૂટથી અમેરિકા જવાનો એક વ્યક્તિનો ખર્ચ 70 લાખ રૂપિયા આસપાસ થાય. ગુજરાતથી- અમેરિકા : ઘૂસણખોરીની થ્રી લેયર ફોર્મ્યુલા
પહેલું લેયર – ગુજરાત
ગુજરાતના સ્તરે ગેરકાયદે રીતે અમેરિકા જવા માગતી વ્યક્તિ ગેરકાયદે એજન્ટોનો સંપર્ક કરે છે. જો કોઈ વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તો એના આધારે બીજા દસ્તાવેજ બનાવવાની તૈયારી કરવામાં આવે છે અને જો પાસપોર્ટ ન હોય તો એવી વ્યક્તિ માટે એની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ લેયરમાં કથિતપણે વ્યક્તિના યુરોપ અથવા કેનેડાના વિઝા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવે છે, જેમાં બેંક એકાઉન્ટથી માંડીને આઇટી રિટર્ન કે પછી અમુક બનાવટી કંપનીના બનાવટી દસ્તાવેજો સહિતના કાગળો તૈયાર કરવામાં આવે છે. કયા દેશમાં વિઝિટર વિઝા મળી શકે એની શક્યતા જોઈને એ પ્રમાણેનું ડૉક્યુમેન્ટેશન થતું હોય છે. બીજું લેયર – દિલ્હી
જ્યારે એક વખત તમામ ડૉક્યુમેન્ટેશન થઈ જાય ત્યારે વિદેશમાં વિઝિટર વિઝા મેળવવા માટે જે-તે વ્યક્તિને દિલ્હીમાં જે-તે દેશના દૂતાવાસમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું રહે છે. આ વ્યવસ્થામાં દિલ્હી અને એ પછીની તમામ જવાબદારી દિલ્હીમાં રહેલા એજન્ટની હોય છે. ત્રીજું લેયર – મેક્સિકો
શેન્ઝેન (યુરોપિયન યુનિયનના 22 દેશ માટે અપાતા વિઝા) વિઝા મેળવ્યા બાદ યુરોપના દેશોમાં આવી રીતે પહોંચેલી વ્યક્તિ છૂટથી ફરી શકે છે. જો વિઝા ન હોય તો મેક્સિકોમાં વિઝા-ઓન-અરાઇવલ વ્યવસ્થા થકી પણ પ્રવેશ કરી શકાય છે, એટલે કે યુરોપના વિઝા મેળવીને અમેરિકાની બૉર્ડર સુધી સહેલાઈથી પહોંચી શકાય છે. દાખલા તરીકે ઓસ્ટ્રિયા, હંગેરી, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે જેવા દેશમાં વિઝિટર વિઝા મેળવ્યા બાદ થોડા દિવસ સુધી ત્યાં રહીને ગુજરાતથી ગેરકાયદે અમેરિકા જઈ રહેલા લોકો ઓન-અરાઇવલ વિઝાની મદદથી મેક્સિકોમાં પ્રવેશ કરે છે. મેક્સિકોમાં બેઠેલા એજન્ટો ગુજરાતથી પહોંચનારા લોકોને અમેરિકાની બોર્ડરની પેલે પાર પહોંચાડી દે છે. છેલ્લે,
ડોનાલ્ડ ટ્રમ્પે એક નિયમ એવો બનાવ્યો છે કે અમેરિકામાં કોઈપણ વિઝા પર રહેતા બહારના લોકો જો 20 ફેબ્રુઆરી પહેલાં બાળકને જન્મ આપી દેશે તો તેમને અમેરિકામાં રહેવાનો હક મળી જશે. આ જાહેરાત થતાં જ ભારતીયોના કાન ચમક્યા છે અને અધૂરા મહિને ડિલિવરી કરાવવા તૈયાર થઈ ગયા છે. અમેરિકન ડોક્ટરે મીડિયાને કહ્યું હતું કે અમારી પાસે ડિલિવરી કરાવવા રીતસર લાઈનો લાગી છે. અમને ચિંતા છે કે અમેરિકન બનવાની ઘેલછામાં માતા પોતાનો અને બાળકનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments