આજે ભારત દેશના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. કચ્છડો બારે માસની જેમ કચ્છની ભૂમિ પર રાષ્ટ્રધ્વજના રંગો પણ બારેમાસ જોવા મળે છે. રણ, દરિયો અને ડુંગર ધરાવતા ભારતના સૌથી વિશાળ એવા આ જિલ્લાને કુદરતે અમૂલ્ય ભૂપૃષ્ઠની ભેટ આપી છે. કચ્છના દરિયા કિનારે જોવા મળતી કેસરી લાલીમાં સાથેનો સૂર્યાસ્ત કચ્છીઓની શૌર્યતા અને ખુમારીનું વર્ણન કરે છે. સફેદ રણના કારણે કચ્છ આજે વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. આ સફેદ રણ કચ્છની કોમી એકતા અને શાંતિ ભાઇચારાનું પ્રતીક છે. આમ તો આ દિવસ સાથે કચ્છ ગોઝારી યાદ ધરાવે છે કારણ કે 26 જાન્યુઆરી 2001 ના વિનાશક ભૂકંપમાં હજારો લોકો દિવંગત થયા હતા. ભૂકંપ બાદ કચ્છના લોકોની હિમત અને મહેનતના કારણે આ જિલ્લો આજે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.