શનિવારે રણજી ટ્રોફી 2024-25ના બીજા તબક્કામાં મોટો અપસેટ જોવા મળ્યો હતો. અહીં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને જમ્મુ-કાશ્મીરની ટીમે 5 વિકેટે હરાવ્યું છે. શરદ પવાર એકેડમી, મુંબઈમાં ચાલી રહેલી મેચના ત્રીજા દિવસે મુંબઈએ જમ્મુ-કાશ્મીરને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને જમ્મુ-કાશ્મીરે 5 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. બીજી તરફ, શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળના પંજાબને બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટકે એક ઇનિંગ અને 207 રનથી હરાવ્યું હતું. મુંબઈ તરફથી શાર્દૂલની સદી, પરંતુ ટીમ હારી ગઈ
મેચના બીજા દિવસે શાર્દુલ ઠાકુરે 119 રન અને તનુષ કોટિયાને 62 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં મુંબઈનો સ્કોર 290 સુધી લઈ ગયો. આ રીતે મુંબઈએ જમ્મુ-કાશ્મીર સામે 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટને ચેઝ કરતા જમ્મુ-કાશ્મીરની ટીમે ઝડપથી રન બનાવ્યા હતા. ઓપનર શુભમન ખજોરિયાએ 45 રન અને વિવરંત શર્માએ 38 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી શમ્સ મુલાનીએ 4 વિકેટ લીધી હતી. પંજાબ બીજી ઇનિંગમાં 213 રનમાં ઓલઆઉટ, ગિલની સદી
પ્રથમ દાવમાં 420 રનથી પાછળ રહેલી પંજાબની ટીમ બીજી ઇનિંગમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના કેપ્ટન શુભમન ગિલે 102 રનની સદીની ઇનિંગ રમી હતી, પરંતુ બાકીના બેટર્સ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. કર્ણાટકે પંજાબ સામે પ્રથમ દાવમાં 475 રન બનાવ્યા હતા, જ્યારે પંજાબની ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે દિલ્હીને 10 વિકેટે હરાવ્યું
શુક્રવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ બીજા દાવમાં 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને સૌરાષ્ટ્રને 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અગાઉ પ્રથમ દાવમાં સૌરાષ્ટ્રે 271 રન બનાવ્યા હતા અને પ્રથમ ઇનિંગમાં 83 રનની લીડ મેળવી હતી. દિલ્હીએ પહેલી ઇનિંગમાં 188 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 12 વિકેટ ઝડપી હતી. જેમાં પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગ્સમાં 7 વિકેટનો સમાવેશ થાય છે. તેણે બેટથી 38 રન બનાવ્યા હતા.