ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રમાનાર છે. જેને લઇ રાજકોટ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડ ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. આવતીકાલે 26 જાન્યુઆરીના રોજ ભારત ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા અને ઢોલના તાલે કાઠિયાવાડી સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી છે. રવિવારે બંને ટીમોનું રાજકોટમાં આગમન થશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે, જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. મેચના બે દિવસ પહેલા એટલે કે 26 જાન્યુઆરીને રવિવારના રોજ ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થશે. જેમાં ટિમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાશે, જયારે ઇંગ્લેન્ડ ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓના રોકાણને લઇ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ટીમના સ્વાગત માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે તેમજ હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવેલા છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાને શુદ્ધ કાઠિયાવાડી ભોજન પિરસાશે
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં સવારે નાસ્તામાં ગાંઠિયા, જલેબી, થેપલા વગેરે વાનગીઓ આપવામાં આવશે, જ્યારે બપોરે સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી અને રાત્રે દહીં તિખારી, વઘારેલો રોટલો, ખીચડી, કઢી, રોટલા, રોટલી અને ચણાનું શાક પીરસવામાં આવશે. રાજકોટમાં અત્યારથી જ ક્રિકેટ ફીવર છવાયો
ભારત અને ઇંગ્લેન્ડ વનડે શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રાજકોટમાં તો અત્યારથી જ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. જેમાં 3 ટેસ્ટ, 5 T-20 અને 4 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વનડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.