પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ બાલીસણા ગામના ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-1નો આજે ભવ્ય પ્રારંભ થયો. ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ સહિત અનેક અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે ટૂર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં કુલ છ ગ્રુપમાં 18 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં 23 ફેબ્રુઆરી સુધી 26 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીએ યોજાશે. પ્રથમ દિવસે પાટણ જિલ્લા અદાલત અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો વચ્ચે ઉદ્ઘાટન મેચ રમાઈ અને દિવસ દરમિયાન કુલ પાંચ મેચો યોજાઈ હતી. આ પ્રસંગે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત નિર્ભયતાપૂર્વક મતદાન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી. કલેકટર કચેરીના હર્ષદભાઈ મકવાણા, મનવરસિંહ કટારીયા અને સંજયભાઈ પરમારની ટીમે સમગ્ર આયોજન સંભાળ્યું છે. જિલ્લા રજિસ્ટ્રાર શિવપાલસિંહ, શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ચાવડા સહિત અનેક અધિકારીઓ અને ક્રિકેટ રસિક ગ્રામજનોએ મેચનો આનંદ માણ્યો હતો.