અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા એ 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે થલતેજ મેટ્રો સ્ટેશનથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની સફર કરી લોકોને જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો. બપોરે 2.15થી આ સફર શરૂ કરી હતી, જેમાં સૌપ્રથમ 12થી 13 મિનિટનો સમય ટિકિટ મેળવવામાં જ લાગી ગયો હતો. આ પછી મેટ્રોમાં બેસી ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા, જ્યાં પણ લોકોની ભારે ભીડ હતી. આ ભીડને કારણે એક મેટ્રોમાં તો બેસવાનો વારો પણ આવ્યો નહોતો, પણ આ પછી જેવી બીજી મેટ્રો આવી તો લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. આ પછી આ મેટ્રો દ્વારા મોટેરા મેટ્રો સ્ટેશન પહોંચ્યા. આમ, અહીં સુધી પહોંચવામાં દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઇવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે. હાલ મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમ બહાર લોકોની ભીડ જમી થઈ રહી છે. ધીરે ધીરે લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.