રાજ્યમાં આજે સતત બીજા દિવસે ઠંડા પવન ફૂંકાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. રાજ્યમાં ગતરોજ દિવસ દરમિયાન ઠંડા પવનો ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાઈ રહ્યા હતા જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં
મધ્ય ગુજરાતના ભાગોમાં તેજ ગતિ સાથે પવનો ફૂંકાતા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું તથા રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્યથી નજીક અથવા તો સામાન્યથી ઓછું નોંધાયું હતું. પરંતુ રાત્રિ દરમિયાનનું લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યા ન હતા. ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે પવનની ગતિ વધુ રહી હતી. હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે. બીજી તરફ દિવસે ગરમીનો અનુભવ થાય છે પરંતુ ઠંડા પવન અને કારણે જ્યારે પવન આવે ત્યારે ગુજરાતવાસીઓ ઠંડક અનુભવી રહ્યા છે લઘુત્તમ તાપમાનમાં ફેરફાર ન આવતા ગુજરાતવાસીઓ સામાન્ય ઠંડીનો અનુભવ કરશે. આજે પણ પવનની ગતિ તેજ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ પવનની ગતિ સામાન્ય કરતા થોડા અંશે વધુ રહી શકે છે. એટલે કે ક્યારેક 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું લઘુત્તમ તાપમાન યથાવત નોંધાયો હતો તમામ જિલ્લાઓમાં કોઈ મોટા નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા ન હતા. ગત રાત્રી દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો તે સિવાય રાજ્યના એક પણ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું રહ્યું ન હતું રાજ્યના ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાન ની સ્થિતિ યથાવત રહી હતી જેમાં અમદાવાદમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 16 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11.5 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.