સુરત શહેર, જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે, ત્યાં અનેક પૌરાણિક મંદિરો છે, જે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. આ બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ અને આસ્થા ભર્યું મંદિર રામનાથ ઘેલા મહાદેવ મંદિર, જે ઉમરા વિસ્તારમાં આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં શિવલિંગ પર પૂષ્પ-બિલિપત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. લોક માન્યતા પ્રમાણે, જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહિં માનતા રાખે છે અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવે છે અને તેમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે. દર વર્ષેની જેમ આજે (25 જાન્યુઆરી) પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરાવામાં આવ્યુ છે. રામનાથ ઘેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી દૂર-દૂરથી આવેલા ભક્તોની લાઈનો જોવા મળી હતી. આસ્થાનું મર્મ અને પૌરાણિક કથામાં ઉલ્લેખ
સ્થાનિક લોકદંતકથાઓ અનુસાર, શ્રીરામ વનવાસ દરમિયાનન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થકર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી. આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મુંઝાય ગયાં અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતાં. કોઈ બ્રાહ્મણ ન મળતા, સમુદ્રદેવે બ્રાહ્મણ રૂપ ધારણ કરીને પ્રગટ થઈ સહાય કરી હતી. પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તોની અહીં પૂજા
આ સમયે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યાં હતાં. તે સમયે ભગવાન રામે કરચલાઓને માન આપવા માટે આજીવન શ્રાપમુક્ત કરી માન્યતા આપી કે, જે કોઈ માનવી કાનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય, તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થાય. આ કથાના આધારે, પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે. સવારના 5 વાગ્યાથી કરચલા ચડાવવા લોકોની ભીડ
સવારે 5:00 વાગ્યાથી મંદિરમાં કરચલા ચડાવવા માટે લાઇન લાગી જાય છે. લાખોની સંખ્યામાં ભક્તો ગુજરાત નહીં, પરંતુ ગુજરાતની બહારથી પણ મંદિરમાં કરચલા ચડાવવા માટે અને માનતા રાખવા માટે આવે છે. અનુમાનિત લગભગ 50 હજારથી વધુ કરચલા એક દિવસમાં મંદિરમાં ચડાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની અલગ અલગ નદીઓના કિનારાથી આ કરચલા બે દિવસ પહેલાં જ સુરતમાં આવી જાય છે. લોકો ₹100થી ₹200 સુધીની કિંમતમાં એક કરચલો ખરીદતા હોય છે. રાત્રે કરચલાને તાપી નદીમાં અર્પણ કરાવામાં આવેઃ પૂજારી
મંદિરના પૂજારી મનોજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન રામે પોતાના પિતા દશરથનું તર્પણ વિધિ અહીં કરી હતી. તેઓએ આશીર્વાદ આપ્યા બાદ અહીં આ પરંપરા શરૂ થઈ. દર વર્ષે પોષ એકાદશીના દિવસે એક દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અમે કરચલાની ગણતરી કરતા નથી, પરંતુ 50 હજારથી વધુની સંખ્યામાં લોકો અહીં કરચલા ચડાવે છે. જે રીતે શિવલિંગ પર પૂષ્પ અને બિલપત્ર અર્પણ કરવામાં આવે છે તે જ રીતે અહીં શિવભક્તો માનતા રાખીને કરચલા ચડાવે છે. રાત્રે અમે આ તમામ કરચલાને વિધિવત રીતે તાપી નદીમાં અર્પણ કરી દઈએ છીએ. મંદિરનું આધ્યાત્મિક મહત્વ અને લોકવિશ્વાસ
આ મંદિર વિશે માન્યતા છે કે, શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની સમસ્યાઓ દુર થાય છે. ભક્તોના જણાવ્યા પ્રમાણે, જીવનના અનેક રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ અહીં પોતાની શ્રદ્ધા સાથે આવે છે. મંદિરે આવેલી શિવભક્ત ભૂમિકા પટેલે જણાવ્યું કે, આ મંદિરના મહિમાને સાંભળી અહીં આવી છું. દરેક ઉંમરના લોકો માટે આ મંદિર આશીર્વાદરૂપ છે. મારી ખૂબ જ આસ્થા છેઃ પ્રવીણ રાણા
ભક્ત પ્રવીણભાઈ રાણાએ જણાવ્યું કે, તેમની પૌત્રીને છેલ્લા પાંચ વર્ષથી કાનમાં રસીની સમસ્યા હતી. પાંચ ડોક્ટરોને બતાવ્યા છતાં પણ તેની સમસ્યા સારી થઈ નહોતી. કોઈએ તેમને જણાવ્યું કે, રામનાથ ઘેલા મંદિરમાં માનતા રાખવામાં આવે તો આ સમસ્યા દૂર થાય છે. એટલે મેં અહીં માનતા રાખી હતી અને હવે પૌત્રી સંપૂર્ણપણે સારી થઈ ગઈ છે. હજારો ભક્તોની ભીડ સાથે શ્રદ્ધાનો મેળો
દર વર્ષે પોષ એકાદશીના દિવસે અહીં હજારો ભક્તોની ભીડ જામે છે. ભક્તો જીવતા કરચલાઓ સાથે આવી પોતાની માનતા મૂકે છે અને શિવલિંગ પર ચડાવી માનતા પૂર્ણ થાય તેવી કામના કરે છે. આ મંદિર વર્ષોથી ભક્તો માટે શ્રદ્ધા અને આશાના દરિયા સમાન બની ગયું છે. રામનાથ ઘેલા મહાદેવ મંદિર વિશ્વમાં શ્રદ્ધા અને અનોખી પરંપરાનું પ્રતિક છે. જીવતા કરચલા ચડાવવાની આ પરંપરા આ મંદિરને વિશ્વમાં વિશિષ્ટ સ્થાન પર રાખે છે.