ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં અવળા પાણીનાં વહેણ જોવા મળી રહ્યાં છે. સામાન્ય રીતે સરકારી નોકરીઓમાં કર્મચારીઓ પોતાના પ્રમોશન માટે તલપાપડ હોય છે, અને તેના માટે સમયે-સમયે પોતાના ઉપરી અધિકારીઓ સમક્ષ બઢતી અંગે યાદ અપાવતા રહે છે. પરંતુ જીએસટીમાં વિચિત્ર બાબત પ્રકાશમાં આવી છે. ગુજરાતના 29 જીએસટી અધિકારીઓએ પ્રમોશન લેવાનું ટાળ્યું છે. સ્ટેટ જીએસટીમાં સાગમટે 29 અધિકારીઓએ વર્ગ-2માંથી વર્ગ-3માં રિવર્ઝન લેવાનું પસંદ કર્યુ છે, અને આ ઘટનાથી રાજ્ય સરકારમાં પણ સોંપો પડી ગયો છે. 29 અધિકારીઓએ રાજ્ય વેરા અધિકારીના હોદ્દામાંથી રાજ્ય વેરા નિરીક્ષક તરીકે રિવર્ઝન લીધું છે તેમાં સૌથી વધુ સુરતના 12 કર્મીઓનો સમાવેશ થાય છે, જ્યારે અમદાવાદના 4 અને વાપીના 3 કર્મીઓએ પણ રિવર્ઝન લેવાનું પસંદ કરેલું છે. આ ઉપરાંત સ્ટેટ જીએસટીમાં 119 રાજ્ય વેરા અધિકારીઓ, અને 336 ઇન્સ્પેક્ટરોની સમગ્ર રાજ્યમાં બદલીઓ કરવામાં આવેલી છે. મોબાઇલ સ્ક્વોડની કામગીરી વધુ સઘન બનાવવાના હેતુથી ઇન્સ્પેક્ટરોની ખૂબ જ ટૂંકા સમયગાળામાં એક સ્થળેથી અન્ય સ્થળે બદલી કરી નાંખવામાં આવે છે. આમ, 29 કર્મીઓના રિવર્ઝન, 119 રાજ્ય વેરા અધિકારીઓ અને 336 ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડરનો મામલો સમગ્ર સ્ટેટ જીએસટી પરિવારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ‘દબાણમાં કામ છતાં જશના માથે જોડાં મળે છે’ જીએસટીના અધિકારી તરીકેના વર્ગ-2માંથી વર્ગ-3માં જવાનું પસંદ કરનારા 29 કર્મચારીઓમાં સામેલ એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્ય વેરા અધિકારી તરીકે અમારા સિનિયર કર્મીઓને કામગીરી કરતા જોઇ રહ્યા છીએ, તેઓ ખૂબ જ દબાણ હેઠળ કામ કરે છે, અને તેની અસર સામાજિક, માનસિક અને સ્વાસ્થ્ય પર પણ પડે છે. બીજી તરફ દબાણમાં કામ કરવા જતા જશને માથે જોડાં મળે છે. વિવિધ પ્રકારની મીટિંગો, પ્રેઝન્ટેશન, રિપોર્ટ, સમયાવધીમાં કામ પૂર્ણ કરવાનું દબાણ, ઉપરી અધિકારીની નારાજગીનો સામનો કરવો સહિતની બાબતોને કારણે પણ વર્ગ-3માંથી વર્ગ-2માં બઢતી મળી હોવા છતાં રાજ્ય વેરા નિરીક્ષક તરીકે પુન: નિમણૂક આપવા માટેની માંગણી કરેલી હતી. જીએસટીની ગેરરીતિ શોધવા, અટકાવવા, રિકવરી સહિતની બાબતોમાં લક્ષ્યાંકો આપવામાં આવે છે રિવર્ઝન લેવામાં કોણ-કોણ સામેલ છે?
આવૃત્તિ વ્યાસ, યજ્ઞેશ પંચાલ, હરીશકુમાર પનારા, જિજ્ઞા કોટેચા, મિતેશ પારઘી, સાબીરહુસેન મોમીન, મંજૂરએહમદ ખણુશિયા, વૈશાલીબેન પંડ્યા, રાકેશકુમાર વાણિયા, દિવ્યેશ રાણીપા, ઇમરાન વહોરા, જગદીશ પરમાર, દીપ્તેશ ચિલોડકર, કિરપાલસિંહ મોરી, જિગીષા પ્રજાપતિ, ગોવિંદભાઇ ભાભોર, રવિરાજસિંહ વાઘેલા, મોહંમદ શોએબ શેખ, જિતેન્દ્રકુમાર મહેરિયા, સંજયસિંહ પરમાર, પ્રવીણ પટેલ, કિશોર સોલંકી, ધર્મેન્દ્ર મિસ્ત્રી, ભાર્ગવ દવે, મયંક રાણા, કિશોર દવે, ભાનુપ્રસાદ શર્મા, મહેન્દ્ર પટેલ, કનુભાઇ ઠાકોર.