વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં એક ખાસ મુલાકાત થઈ. તેઓ નવસારીની દીકરી અને નેચરમેટ્રિક્સ કંપનીના CEO ડિમ્પલ પટેલને મળ્યા, જેઓ પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. ડિમ્પલ પટેલ તેમની કંપની મારફતે જૈવ વિવિધતા સંરક્ષણમાં eDNA અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. બંને વચ્ચે જળ સુરક્ષા અને પર્યાવરણીય સ્થિરતા અંગે વિસ્તૃત ચર્ચા થઈ. આ મુલાકાત દરમિયાન સી.આર. પાટીલે ભારત સરકારની ‘હર ઘર જલ’ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે પણ માહિતી આપી હતી. સ્વિટ્ઝરલેન્ડમાં રહીને પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ડિમ્પલ પટેલની સફળતાએ કેન્દ્રીય મંત્રીને પ્રભાવિત કર્યા. તેમણે જણાવ્યું કે ડિમ્પલની સફળતા ભારતના યુવાનો માટે પ્રેરણારૂપ છે. વિદેશમાં રહીને પણ પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રમાં કામ કરી રહેલા ડિમ્પલ પટેલને તેમણે શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં વધુ સફળતા મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી.