આજે દેશભરમાં 76માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે ભાભરના આઝાદ ચોકમાં યોજાયેલા પ્રજાસતાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, તુષ્ટિકરણની નિતીના કારણે અનામત હટાવી શક્યા નથી, આજે અનામત માથાનો દુ:ખાવો બની ગઈ છે. તેમનું આ નિવેદન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અનામત મુદ્દે વિવાદિત નિવેદન
બનાસકાંઠાના ભાભરમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા આઝાદ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અનામત મુદ્દે ભાજપના પ્રદેશમંત્રી નૌકા પ્રજાપતિએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. લોકોને સંબોધન કરતી વખતે તેઓએ અનામત એક માથાનો દુઃખાવો બની રહ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. ‘વોંટ બેંકને સાચવવા આજે પણ અનામતને દુર કરી શક્યા નથી’
ભાજપના પ્રદેશમંત્રી નૌકા પ્રજાપતિએ જણાવ્યું કે, તુષ્ટિકરણની નિતીના આધારે, વોંટ બેંકને સાચવવા માટે આજે પણ આપણે અનામતને દુર કરી શક્યા નથી. આજે અનામત એક માથાનો દુ:ખાવો બની રહ્યું છે. આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને પાંચમાં સ્થળે આપણે જઈ રહ્યા છીએ. ‘મુઠ્ઠી જેવડો દેશ ઈઝરાઈલ મુસ્લિમ દેશોને હફાવી રહ્યો છે’
વધુમાં જણાવ્યું કે, ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે, દેશની જે મિલકત છે તે આપણી જ મિલકત છે, એનું જતન કરવાની ફરજ પણ આપણી જ છે. માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાથી રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી. પરંતુ આપણી રગેરગની અંદર દેશભક્તિ હોવી જોઈએ. આજે ઈઝરાઈલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હફાવી રહ્યો છે. જેનું કારણ એ જ છે કે, તે દેશના નાગરિકોમાં ભારોભાર રાષ્ટ્રધાર છે.