ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં દિવસે ગરમી તો સાંજ પડતા તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પવનની ગતિ તેજ હોવાથી દિવસ દરમિયાન પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો. જો કે છેલ્લા 24 કલાક દરમિયાન પવનની ગતિ ધીમી પડતા તાપમાનમાં વધારો અનુભવાયો છે અને ઠંડીનું જોર ઘટ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને કચ્છના વિવિધ ભાગોમાં તાપમાન ઘટતા ઠંડીનું જોર વધ્યું હતું. પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાન પણ યથાવત્ રહેવાની સંભાવના છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં તાપમાન ઘટ્યું છે તેનું મુખ્ય કારણ છે કે સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર સીધા ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે. જ્યારે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ તથા પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે તાપમાનમાં સમાનતા જળવાઈ રહી છે. કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો પણ નોંધાયો છે. હજુ પણ આગામી 24થી 48 કલાક દરમિયાન વાતાવરણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર આવવાની સંભાવના નથી. ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં બપોર સુધી સામાન્ય કરતા થોડા અંશે વધુ ગતિથી પવન ફુંકાઈ શકે છે પરંતુ, તાપમાનમાં વધારો થતા ગરમીનો અનુભવ થઈ શકે છે. નલિયામાં છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના એકપણ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું રહ્યું ન હતું. જ્યારે ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ નોંધાયો હતો. અમદાવાદમાં ગત રાત્રી દરમિયાન લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા અન્ય ત્રણ મહાનગરોમાં જેમ કે વડોદરામાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 10.9 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.