પવનકુમાર | નવી દિલ્હી
જો કોઈ અપરાધના કેસમાં પોલીસની મદદ જોઈએ તો ડાયલ 100 હેલ્પલાઈન વિશે તમામને ખબર છે. પરંતુ ઘણા એવા કેસ હોય છે જે અપરાધ સાથે નહીં, પરંતુ આપણી રોજિંદી જરૂરિયાતો સાથે સંકળાયેલા હોય છે અને આપણને સમજાતું નથી કે આ માટે ક્યાં અને કોની પાસેથી મદદ લેવી જોઈએ? આવી સમસ્યાઓના ઉકેલ માટે ડાયલ 1915 હેલ્પલાઇન ખૂબ અસરકારક સાબિત થઈ છે. છેલ્લા એક વર્ષમાં તેનો રિસ્પોન્સ રેટ ડાયલ 100ના સમના રહ્યો છે. ઓનલાઈન શોપિંગમાં કોઈ ખરાબ પ્રોડક્ટ આવે અને કંપની રિફંડ ન આપે, કોઈ પ્રોપર્ટી ડીલર એડવાન્સ લીધા પછી ડીલ ન થવા પર પૈસા પાછા ન આપે અથવા જાણ કર્યા વગર મોબાઈલ પર કોલર ટ્યૂન ગોઠવી દીધી હોય કે મિક્સરમાં યોગ્ય રીતે મસાલા ન પીસતા હોય તો આ તમામ સમસ્યાઓ માટે આ હેલ્પલાઈન નંબર પર મદદ લઈ શકો છો. 95% લોકોની સમસ્યાઓનો હલ 1થી 48 કલાકની અંદર આવ્યો છે. મદદ મેળવવાની 6 રીત…
ગ્રાહક હેલ્પલાઇન પર લોકો 6 રીતે ફરિયાદો રજૂ કરી શકે છે. તમામ માધ્યમો દ્વારા મળેલી ફરિયાદોનો રિસ્પોન્સ રેટ સમાન છે. આ રીત નીચે મુજબ છે…
1. ગ્રાહક હેલ્પલાઇન નં. 1915 દ્વારા
2. એનસીએચ એપ ડાઉનલોડ કરીને.
3. 8800001915 પર એસએમએસ દ્વારા.
4. કન્ઝ્યુમર હેલ્પલાઇનના પોર્ટલ પર:
https://consumerhelpline.gov.in
5. ઉમંગ એપની પણ મદદ લઈ શકો છો.
6. 8800001915 પર વોટ્સએપ દ્વારા. આ 5 ઉદાહરણો પરથી જાણો, કેવી રીતે ગ્રાહક સુરક્ષાની આ હેલ્પલાઇન તમને મદદરૂપ થઈ શકે છે કેસ-1; વાળના તેલને કારણે વાળ ખરતા હોય, રિફંડ એક વ્યક્તિએ 499 રૂપિયામાં ઓનલાઈનથી કર્ણાટકથી હર્બલ તેલ મગાવ્યું. દાવો હતો કે વાળ ખરતા અટકશે. પરંતુ તેલના ઉપયોગ પછી વાળ ખરવા લાગ્યા. તેણે
રિફંડ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. વ્યક્તિએ ગ્રાહક હેલ્પલાઇન પર
ફરિયાદ કરી. મંત્રાલયે સંબંધિત વેબસાઇટ ઓપરેટરોને સૂચનાઓ આપી હતી. 2 દિવસ પછી પ્રોડક્ટ પરત કર્યા વગર ઈ-વોલેટમાં રૂપિયા 499 રિફંડ આવ્યું. કેસ-2; ટ્રેનમાં વંદો, 2 કલાકમાં કાર્યવાહી દિલ્હીની એક વ્યક્તિએ ગોવા માટે ત્રિવેન્દ્રમ રાજધાની ટ્રેનમાં ફર્સ્ટ એસીમાં ટિકિટ બુક કરાવી હતી. જ્યારે તે પોતાની આરક્ષિત સીટ પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સીટની આસપાસ કોકરોચ હતા. તેને આપેલા ધાબળામાં એક કાણું હતું. તેણે મુસાફરી દરમિયાન રેલવે સ્ટાફને ફરિયાદ કરી હતી. ધાબળો બદલાયો પણ વંદા આંટાફેરા મારતાં હતા. વ્યક્તિએ ગ્રાહક હેલ્પલાઇન પર ફરિયાદ કરી. રેલવેએ 2 કલાકમાં જ ટ્રેનમાં પેસ્ટને કંટ્રોલ કરીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. કેસ-3; પ્રોપર્ટી ડીલરે એડવાન્સ પરત કર્યા
સુમિતે રેન્ટલ વેબસાઈટ પર એક બેડરૂમવાળો ફ્લેટ જોયો. ભાડું 21 હજાર હતું. 21 હજાર રૂપિયા સિક્યોરિટી એમાઉન્ટ હતી. સુમિત અને બે મિત્રો રહેવાના હતા. 2999 રૂપિયા પ્રતિ વ્યક્તિ. જે મુજબ કુલ રૂ. 8997 જમા કરાવ્યા. ડિપોઝિટ જમા બાદ પ્રોપર્ટી ડીલરે કહ્યું કે તેની પાસે હવે ફ્લેટ નથી. તેઓ બીજા 2 બીએચકેમાં રહી શકે છે. જ્યારે સુમિતે પૈસા માંગ્યા તો તેણે પરત કર્યા ન હતા. જ્યારે હેલ્પલાઈન પર ફરિયાદ કરી તો 10 દિવસમાં પૈસા પરત મળ્યા. કેસ-4; મિક્સર પરનો દાવો ખોટો, રિફંડ મળ્યું
મથુરાની એક મહિલાએ ઓનલાઈન મિક્સર ગ્રાઇન્ડર ખરીદ્્યું. કંપનીએ દાવો કર્યો હતો કે તે મસાલાને ખૂબ જ બારીકીથી પીસી લે છે. વાપર્યા પછી દાવો ખોટો સાબિત થયો. મહિલાએ રિફંડ માટે ઈ-મેલ કર્યો, પરંતુ ન તો મિક્સર બદલાયું કે ન તો રિફંડ મળ્યું. મહિલાએ ગ્રાહક હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. આ પછી ઉક્ત કંપનીના કર્મચારીઓ 2 દિવસ પછી આવ્યા અને તેનું ખામીયુક્ત મિક્સર પાછું લીધું, સાથે 1800 રૂપિયા પણ પરત કર્યા હતા. કેસ-5; ઈલેક્ટ્રિક સ્કૂટીના બુકિંગ બાદ રકમ રિકવર એક મહિલાને કંપનીના ઈલેક્ટ્રિક સ્કૂટીના ટેસ્ટ ડ્રાઈવ પછી 499 રૂપિયામાં બુકિંગ કરાવ્યું. મહિલાને એવું પણ કહેવામાં આવ્યું હતું ગમે ત્યારે બુકિંગ રદ કરી શકો છો અને બુકિંગની રકમ 7 દિવસમાં રિફંડ મળશે. બુકિંગ કરાવ્યા બાદ મહિલાને ઇલેક્ટ્રિક સ્કૂટીની કેટલીક ખામીઓ વિશે ખબર પડી અને તેણે બુકિંગ કેન્સલ કરી દીધું. બુકિંગની રકમ પરત મળી ન હતી. 2 મહિના પછી પણ તેના પૈસા પરત ન આવતા તેણે ગ્રાહક હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. આ પછી 2 દિવસમાં કંપનીએ બુકિંગની રકમના 499 રૂપિયા પરત આપ્યા હતા.