લેઉવા પટેલ સમાજના આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આજે(26 જાન્યુઆરી)એ વધુ એકવાર પોતાના વિરોધીઓ પણ નિશાન તાક્યું હતું. નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે. જે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમાજની બે ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે- રાદડિયા
જામ કંડોરણમાં યોજાયેલા લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે, સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ છે. સમાજનું સારુ કામ થતું હોય ત્યાં હવાનમા હાડકા નાખવાની કામગીરી આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખે છે. સ્ક્રીન પર લેઉવા પટેલ સમાજને કેદ કરવાનું કામ ટોળકી કરી રહી છે. ‘જેને રાજનીતિ સાથે લેવાદેવા નથી તે સમાજમાં રાજનીતિ કરે છે’
રાદડીયાએ વધુમાં કહ્યું કે, ટોળકી દ્વારા સમાજના કામ કરતા હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયાસ કરે છે. જયેશ રાદડિયા રાજકીય માણસ છે. સમાજની જવાબદારી પણ રાજનીતિમાં રહીને કરું છું. જયેશ રાદડિયા અને પરિવાર વિષે ખરાબ કોમેન્ટ લખવામાં આવે છે. જે લોકો રાજનીતિમાં નથી છતા પણ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું. મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરુર નથી- રાદડિયા
નામ લીધા વગર વિરોધીઓને ચીમકી આપતા કહ્યું કે, વિઠ્ઠલ રાદડિયાના વારસદારની જે જવાબદારી છે. તેમાં ટોળકી ક્યાંય આડી આવશે તો આ કામગીરીમાં ક્યાંય પીછેહઠ નથી થવાની. જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી પ્રયત્નો થાય છે. રાજનીતિ સાથે ન્હાવા નીચોવાનો સંબંધ નથી. તે રાજનીતિમાં જયેશ રાદડિયાના નળિયા ગણવાનો પ્રયત્ન કરે. મેં કહ્યું કે, આજે સુધરશે કાલે સુધરશે. રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેવા ચોકઠા ગોઠવવા વાળાને ઓળખવાની જવાબદારી સમાજની છે. દોઢ મહિના પહેલા પણ રાજકોટમાં વિરોધીઓને ચીમકી આપી હતી
1 ડિસેમ્બર 2024ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાનો વધુ એક વખત હુંકાર કરતો વીડિયો સામે આવ્યો હતો. તે દરમિયાન પણ જયેશ રાદડિયાએ કોઇનું નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા. જાહેર મંચ ઉપરથી તેઓએ જણાવ્યું હતું કે, મને આડા આવવાનું રહેવા દેજો અને નક્કી જ કર્યું હોય આડું આવવા તો તેનો મારે હિસાબ કરવા મેદાનમાં ઉતરવું ન પડે તેનું ધ્યાન રાખજો. ઉતરવું પડે તો પણ મારી તૈયારી છે. હું પણ રાજકીય માણસ છું. (સંપૂર્ણ સમાચાર વાંચો: મારી આડા આવવાનું રહેવા દેજો) 6 મહિના પહેલા પણ સુરતના કાર્યક્રમમાં વિરોધીઓ સામે બાંયો ચડાવી હતી
28 જુલાઈ 2024ની રાત્રે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. આ દરમિયાન જયેશ રાદડિયાએ ફરીવાર ‘ટાર્ગેટ’ પર તીર છોડ્યાં હતા. પૂર્વ મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે અમુક લોકોને શું પેટમાં દુખે છે? કોઈને આમાં મજા આવે છે. મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય તેમને સ્વીકારજો, માયકાંગલાની સમાજને જરૂર નથી. તે પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાખશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં.(સંપૂર્ણ સમાચાર વાંચો: સુરતમાં રાદડિયાએ વિરોધીઓ સામે બાંયો ચડાવી)